આશ્રમમાં ગુરુજી ધ્યાનમાંથી ઊઠ્યા અને શિષ્યોની સાથે પ્રાર્થના કરવાનું શરૂ કર્યું.પ્રાર્થના બાદ ગુરુજીએ શિષ્યોને ભક્તિનું મહત્ત્વ સમજાવતાં કહ્યું, ‘આત્માનો જન્મ ભક્તિ કરવા માટે જ થયો છે.ભગવાન કૃષ્ણે પણ ગીતામાં ભક્તિ યોગનું મહત્ત્વ સમજાવ્યું છે.માટે રોજે રોજ ભક્તિ કરવી જોઈએ.’ એક શિષ્યે પૂછ્યું, ‘ગુરુજી, ભક્તિ કઈ રીતે કરવી જોઈએ.’ ગુરુજી બોલ્યા, ‘વત્સ ભક્તિ કોઈ પણ રીતે કરી શકાય. આપણા શાસ્ત્રમાં નવધા ભક્તિ સમજાવી છે.
નામ સ્મરણ, શ્રવણ, પૂજા, જપ,તપ, સ્વાધ્યાય,સત્સંગ, ધ્યાન, કોઈ પણ રીતે કરી શકાય.’ બીજા શિષ્યે પૂછ્યું, ‘ગુરુજી, ભક્તિની આ બધી રીતોમાં કઈ રીતે ભક્તિ કરવી સૌથી ઉત્તમ કહેવાય.’ ગુરુજીએ કહ્યું, ‘વત્સ, તેમાં કોઈ નિયમ નથી.જે રીત ફાવે તે રીતે ભક્તિ કરી શકાય.પણ હા ભક્તિ કરવી તો પૂરા મનથી કરવી તે જરૂરી છે અને જો ભક્તિમાં શિસ્ત ભળે તો બહુ સારું.’
શિષ્યે પૂછ્યું, ‘ગુરુજી એટલે?’ ગુરુજી બોલ્યા, ‘વત્સ ભક્તિ કરવાથી આપણું મન શુદ્ધ થાય છે.માટે તે રોજે રોજ કરવી જોઈએ.જેમ આપણે રોજ સ્નાન કરી તનને શુદ્ધ કરીએ છીએ.નદીના પવિત્ર જળમાં ડૂબકી લગાવવાથી તન શુદ્ધ થાય છે તેમ ભક્તિમાં ડૂબકી લગાવવાથી મન શુદ્ધ થાય છે.માટે આ ડૂબકી તમે કોઈપણ રીતે લગાવો તે અગત્યનું નથી પણ ડૂબકી લગાવવી જરૂરી છે.અને ખાસ યાદ રાખો કે ભક્તિમાં ડૂબકી કોઈપણ રીતે લગાવો પણ તે રોજે રોજ લગાવવી અને સતત લગાવતા રહેવી મહત્ત્વની છે અને એ પણ છે કે તમે જે રીતે ડૂબકી લગાવી હોય તે સિવાય તમે બીજી રીતે પણ ડૂબકી લગાવી શકો છો.એટલે કે તમે ભક્તિની જે રીત અપનાવી હોય તેનાથી જુદી રીતે પણ ભક્તિ કરી શકો છો. તેમાં કોઈ જડ નિયમોનું પાલન જરૂરી નથી બસ ભક્તિમય થવું રામમય થવું મહત્ત્વનું છે.’
ગુરુજીએ શિષ્યોને સમજાવ્યું કે ભક્તિ કોઇ પણ રીતે થાય, થવી મહત્ત્વની છે અને ખાસ તો મહત્વ છે સાચી નિષ્ઠા અને સાતત્યનું. ભક્તિ સાચા મનથી અને રોજે રોજ થવી જોઈએ. અને ભક્તિની આ રીત જીવનના દરેક નાના મોટા કાર્યમાં લાગુ પડે છે.જે કામ કરો સાચી નિષ્ઠા અને સાતત્યથી કરો.પુરા મનથી રોજે રોજ કરવામાં આવેલા કાર્યમાં સફળતા મળે જ છે.અને દરેક ક્ષેત્રમાં સફળતા માટે અને આત્માની સફળતા માટેનો નિયમ એક જ છે, જે કરો તે સતત કરો. રોજે રોજ કરો પૂરા મનથી કરો. – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.