ગાંધીનગર : રાજ્યમાં થઈ રહેલા સારા વરસાદને (Rain) પરિણામે રાજ્યની મહત્વની ૨૦૭ જળ પરિયોજનાઓમાં તા. ૨૫ જુલાઈ-૨૦૨૨ સુધીમાં ૬૦.૦૮ ટકા જેટલો જળસંગ્રહ (Water Storage) થયો છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં ૨,૧૧,૫૫૫ એમસીએફટી એટલે કે કુલસંગ્રહ શક્તિના ૬૩.૩૨ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. રાજ્યના જળસંપત્તિ વિભાગના ફ્લડ કંટ્રોલ સેલના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે, રાજ્યના ૨૦૬ જળાશયોમાં ૩,૨૪,૪૯૪ એમસીએફટી એટલે કે, કુલ જળસંગ્રહ શક્તિના ૫૮.૧૩ ટકા જેટલો જળસંગ્રહ થયો છે.
રાજ્યમાં ૩૫ જળાશયોમાં ૧૦૦ ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. જયારે ૪૧ જળાશયોમાં ૭૦ ટકાથી ૧૦૦ ટકાની વચ્ચે, ૩૩ જળાશયો (સરદાર સરોવર સહિત)માં ૫૦ ટકાથી ૭૦ ટકાની વચ્ચે, ૪૧ જળાશયોમાં ૨૫ ટકાથી ૫૦ ટકાની વચ્ચે, ૫૬ જળાશયોમાં ૨૫ ટકાથી ઓછો જળસંગ્રહ થયો છે. આ જળાશયોમાં ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયો, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયો, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયો, કચ્છના ૨૦ જળાશયો અને સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોનો સમાવેશ થાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ૩૫ જળાશયો ૧૦૦ ટકાથી વધુ જ્યારે ૧૮ જળાશયો ૯૦ ટકાથી ૧૦૦ ટકા વચ્ચે ભરાતા હાઈએલર્ટ પર છે. ૦૮ જળાશયો ૮૦ ટકાથી ૯૦ ટકા ભરાતા એલર્ટ પર તથા ૧૪ જળાશયો ૭૦ ટકાથી ૮૦ ટકા ભરાતા સામાન્ય ચેતવણી આપવામાં આવી છે.
વિતેલા 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધુ ૬ ઇંચ વરસાદ થરાદમાં પડ્યો
રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 232 તાલુકાઓ સાથે ચોમાસાની મોસમનો સરેરાશ ૬૬ ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં સૌથી વધુ ૬ ઇંચ વરસાદ સહિત રાજ્યના અન્ય આઠ તાલુકાઓમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે આજે ૨૫ જુલાઇ ૨૦૨૨ના રોજ સવારે ૬.૦૦ કલાક પુરા થતાં ૨૪ કલાક દરમિયાન થરાદ તાલુકામાં ૧૫૦ મિ.મી., વરસાદ નોંધાયો છે જ્યારે લાખણી ૯૬ મિ.મી. કઠલાલમાં ૮૫ મિ.મી, સુઈગામ અને વડગામમાં ૮૧ મિ.મી. અને પાલનપુરમાં ૭૫ મિ.મી મળી પાંચ તાલુકાઓમાં ત્રણ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે.