વડોદરા: પાલિકામાં થોડા વર્ષો અગાઉ સમાવાયેલ વેમાલી ગામના રહીશો પીવાના પાણીની સમસ્યાથી ત્રસ્ત હતા. જે બાબતને ધ્યાનમાં લઈ તેમજ પાલિકામાં સમાવેશ થયા બાદ લાખોના ખર્ચે નાખવામાં આવેલી પીવાના પાણીની લાઈનનું લોકાર્પણ કરી પાણીનું વિતરણ કરાયુ હતું. જે પ્રસંગે કેટલાક વિસ્તારોમાં વારંવારની રજૂઆત બાદ પણ પીવાનું પાણી નહીં મળતા રહીશોએ લોકાર્પણ પ્રસંગે આવેલ પાલિકાના અધિકારીઓનો ઘેરાવો કર્યો હતો.
શહેરના છેવાડે આવેલ વેમાલી ગામનો સમાવેશ સેવાસદનમાં થતા ગ્રામજનોને પીવાના પાણીની સમસ્યાનું નિરાકરણ આવશે તેવી આશા જાગી હતી. પરંતુ સમસ્યા જેમની તેમ રહેતા રહીશો દ્વારા સેવા સદનમાં વારંવાર રજૂઆતો કરી વિવિધ વિરોધ કાર્યક્રમો પણ યોજ્યા હતા. ત્યારબાદ હરકતમાં આવેલ મહાનગર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે ગામમાં પીવાનું પાણી મળી રહે તે હેતુસર પાણીની લાઈનનું નેટવર્ક કરવાની તૈયારીઓ હાથ ધરવામાં આવી હતી.
જે નેટવર્ક અંતર્ગત સોમવારે પાણીની લાઈનનું લોકાર્પણ કરી પાણીનું વિતરણ કરાયું હતું. આ લોકાર્પણ પ્રસંગે મેયર નિલેશ રાઠોડ, સાંસદ રંજનબહેન ભટ્ટ, શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહ સહિતના આગેવાનો ઉપસ્થિત રહયા હતા. જો કે આજના લોકાર્પણમાં ઉપસ્થિત તમામ પદાધિકારીઓ અને અધિકારીઓનો ઘેરાવો કર્યો હતો અને ઉગ્ર રજૂઆત કરી હતી. સ્થાનિકોએ સાંસદ રંજનબહેન ભટ્ટ સમક્ષ પણ રજૂઆત કરી હતી તો પાણી પુરવઠાના કાર્યપાલક ઈજનેર અમૃત મકવાણાને પણ લોકોએ તતડાવ્યા હતા અને જણાવ્યું હતું કે એ.સી.ની બહાર નીકળો તો ખબર પડે ને કે ક્યાં શું પરિસ્થિતિ છે.