ખેડા: માતર તાલુકાના સીંજીવાડાના પરા વિસ્તારમાંથી પસાર થતી કેનાલમાં રાત્રીના સમયે છોડવામાં આવેલ પાણી આસપાસના ખેતરોમાં ઘુસી ગયાં હતાં. જેને પગલે ખેતરોમાં તૈયાર થયેલો ડાંગરનો પાક બગડી જવાથી ખેડુતોને લાખો રૂપિયાની નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. આ અંગેની જાણ થતાં સિંચાઇ વિભાગના અધિકારીઓએ સ્થળ પર દોડી આવી, તપાસ હાથ ધરી છે.
માતર તાલુકાના સિંજીવડા ગામના પરા વિસ્તાર ગણાતા રાજપુરામાંથી માઈનોર કેનાલ પસાર થાય છે. આ કેનાલની આસપાસ ઘણાં ખેતરો આવેલાં છે. જે પૈકી મોટાભાગના ખેતરોમાં હાલ, ડાંગરનો પાક તૈયાર થઈ ગયો હતો. જેથી ખેડુતોએ લણણી કરી પાકને ખેતરમાં એકઠો કર્યો હતો. ડાંગરના પુળા પણ ખેતરમાં જ મુકી રાખ્યાં હતાં. દરમિયાન ગત રાત્રીના સમયે આ કેનાલમાં એકાએક પાણી છોડવાવામાં આવ્યું હતું. કેનાલમાં ગાબડું હોવાથી પાણી આસપાસના 5 થી 6 વીઘા ખેતરોમાં ઘુસી ગયું હતું અને તૈયાર થયેલાં પાક ઉપર ફરી વળ્યું હતું.
તૈયાર પાક તેમજ સુકા પુળા પલળી જવાથી ખેડુતોને લાખો રૂપિયાનું નુકશાન પહોંચ્યું છે. ખેડુતોના મ્હોં માં આવેલો કોળીયો છિનવાઈ ગયો હોય તેવો ઘાટ સર્જાયો છે. આ ઉપરાંત જમીન ભેજ યુક્ત થઈ ગઈ હોવાથી નવો પાક લેવા માટે પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે તેમ ખેડૂતો રોષ પૂર્વક જણાવી રહ્યા છે.
અનઅધિકૃત રીતે નાખેલી પાઈપ લાઈનોના કારણે પાણી કેનાલમાંથી ખેતરો તરફ ઘૂસ્યા
તારાપુર પેટા સિંચાઇ વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર બી.એસ.દરજીએ જણાવ્યું હતું કે, મહેરી શાખામાં કનેવાલ તળાવમાં પાણી છોડવામાં આવ્યું હતું. સ્થળ તપાસ કરતા બહાર આવ્યું છે કે 21 હજારની ફૂટની સાંકળ પાસે રાજપુરા વિસ્તારમાં નહેરમાં ક્રોસ કરીને પાઇપલાઇન નાંખી હતી. અનઅધિકૃત રીતે નાંખેલી આ પાઈપલાઈનનોના કારણે પાણી કેનાલમાંથી ખેતરો તરફ ઘુસ્યાં છે.
ગાબડામાંથી પાણી ફરી વળ્યું – ખેડુત
આ મામલે ખેડુતે રોષપર્વક જણાવ્યું હતું કે, તંત્રની બેદરકારીના કારણે અમારા પાંચથી છ વીઘા ખેતરમાં પાણી ફરી વળ્યું છે અને પાકને ઘણું નુકસાન પહોંચ્યું છે. અમે વળતર માટે માંગણી કરવાના છે. આ કેનાલમાં કોઈ તપાસ કરવા પણ આવતું નથી. પાણી પુરવઠાની પાઇપલાઇન નાખતી વખતે ગાબડું પડી ગયેલ હતું અને તેમાંથી આ પાણી આવ્યું હોવાનાં આક્ષેપો કર્યાં છે.