નડિયાદની સરકારી કચેરીઓમાં પાણીના ફાંફા

નડિયાદ: માર્ચ એન્ડિંગ સાથે ઉનાળાએ તેની બેટિંગ શરૂ કરી હોય તેવી સ્થિતી જોવા મળી રહી છે. ૪૦ થી ૪૨ ડિગ્રી તાપમાનમાં જિલ્લાવાસીઓ અકળાઇ ઉઠ્યા છે. સરકારી કામકાજને લઇને નડિયાદની સરકારી કચેરીઓમાં આવતાં અરજદારો માટે પાણીની પણ પુરતી અને યોગ્ય વ્યવસ્થા પણ ન હોવાનું જોવા મળી રહ્યું છે. ગંદકીથી ખબદબતી પરબમાંથી પાણી પીવા માટે અરજદારો મજબુર છે. તો વળી કેટલાક અરજદારો પૈસા ખર્ચીને પાણી ખરીદતાં જોવા મળે છે. ખેડા જિલ્લા કલેક્ટર કચેરી, જિલ્લા પંચાયત, આર.ટી.ઓ., નગરપાલિકા તેમજ સરદાર ભવનમાં ગુજરાત મિત્રની ટીમ દ્વારા રિયાલીટી ચેક કરવામાં આવી હતી. જેમાં તમામ કચેરીઓમાં પીવાના  પાણીની પુરતી વ્યવસ્થા ન હોવાનું જોવા મળ્યું હતું. જોકે, મહત્તમ સરકારી કચેરીઓમાં સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ માટે ઠંડા પાણીના જગ આવે છે.

કુલ 8 પરબમાંથી માત્ર બે જ ચાલુ છે
ખેડાજિલ્લાની કલેક્ટર કચેરીમાં રોજેરોજ મોટી સંખ્યામાં અરજદારો આવે છે. અહીં મામલતદાર કચેરી, પુરવઠા કચેરી સહિતની કચેરીઓ આવેલી છે. કચેરીના દરેક માળ પર બે પાણીની પરબો બનાવવામાં આવી છે. કુલ ૮ પરબોમાંથી હાલમાં માત્ર બે જ ચાલુ હાલતમાં છે. ગ્રાઉન્ડ ફ્લોર અને બીજા માળ ઉપર આવેલી બે જ પરબ હાલમાં ચાલુ છે. પહેલાં અને ત્રીજા માળની પરબ બંધ છે.

બાબુઓ માટે ઠંડા જગ અને અરજદારો ગરમ પાણી પીવા મજબૂર
જિલ્લાની સૌથી વધુ સરકારી કચેરીઓ જે બહુમાળીમાં આવેલી છે તે સરદાર ભવનમાં પણ અરજદારો અને મુલાકાતીઓ માટે પીવાના પાણીની પુરતી વ્યવસ્થા નથી. અહીં રોજ સવારે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ માટે પાણીના ઠંડા જગ આવે છે. જોકે, પાણીની પરબમાં ગંદકી જોવા મળે છે. શૌચાલયની નજીક જ પરબ આવેલી હોવાને કારણે પરબ પર પાણી પીવાનું પણ મન ન થાય તેવી દુર્ગંધ મારતી હોય છે. આ ઉપરાંત બેમાંથી એક જ નળમાં પીવાનું પાણી આવે છે અને તે પણ ઉનાળામાં ગરમ હોય છે. જેને કારણે મુલાકાતીઓને પૈસા ખર્ચીને પાણી ખરીદવું પડે છે.

અનેક અરજદારો વચ્ચે માત્ર એક માટલું પાણી
રોજેરોજ વાહનચાલકો, એજન્ટોથી ધમધમતી આર.ટી.ઓ. કચેરીમાં પીવાના પાણીની પરબ તો છે પણ તેમાં પાણી નથી. કચેરીની પાછલી તરફ બનાવવામાં આવેલી પરબમાં પાણી આવતું ન હોવાથી હાલમાં અરજદારો માટે એક નાનું માટલું ભરવા જેટલી માનવતા દાખવવામાં આવી રહી છે. જોકે, મોટી સંખ્યામાં આવતાં અરજદારોને કારણે આ માટલું પણ વારંવાર ખાલી થઇ જાય છે. ત્યારે અહીં પણ કાળઝાળ ગરમીમાં આવતાં અરજદારો માટે પીવાના પાણીની પુરતી વ્યવસ્થા નથી.
ખેડા જિલ્લા પંચાયતમાં સ્વચ્છ ભારતનુ સૂરસુરીયું….
જિલ્લા પંચાયતમાં જિલ્લાભરમાંથી અરજદારો રોજે રોજ પોતાની કામગીરી માટે આવતાં હોય છે. અહીં બનાવવામાં આવેલી પરબ ગંદકીથી એ હદે ખદબદે છે કે પાણી પીવાનું તો દૂર પણ પરબની નજીક જવાનું સુધ્ધા મન ન થાય. ગ્રાઉન્ડ ફ્લોર પર બનાવવામાં આવેલી આ પરબને પહેલાં સ્વચ્છ કરવાની તસ્દી તંત્ર દ્વારા લેવામાં આવે તે જરૂરી છે. તંત્ર દ્વારા પરબ પાસે ગંદકી કરવી નહીં.. સ્વચ્છતા જાળવવી તેવો નિર્દેશ લખીને ચોંટાડવામાં આવ્યો છે પરંતુ તેની સ્વચ્છતા જાળવવામાં આવતી નથી.

પાણીના જગ છે, પરંતુ પીવા માટે ગ્લાસ નથી
નડિયાદ શહેરમાં આવેલી તાલુકા પંચાયત કચેરીમાં પણ પીવાના પાણીની પુરતી વ્યવસ્થા નથી. અહીં પણ અરજદારો અને  મુલાકાતીઓ માટે પાણીના જગ મૂકવામાં આવ્યા છે. જોકે, પાણી પીવા માટેના ગ્લાસની કોઇજ વ્યવસ્થા ન હોવાથી મુલાકાતીઓને મુશ્કેલી પડે છે.
એક જગ પાણી જ તરસ છીપાવે છે
નડિયાદ નગરપાલિકામાં આવતાં અરજદારો માટે પીવાના પાણીની કોઇ ખાસ વ્યવસ્થા જોવા મળી ન હતી. અહીં અરજદારો માટે પાણીના જગ મૂકવામાં આવ્યા છે. પાલિકામાં પણ મોટી સંખ્યામાં અરજદારો દાખલા કઢાવવા, અરજીઓ આપવા કે અન્ય કામગીરી માટે આવતાં હોય છે પરંતુ અહીં મુલાકાતીઓ માટે પીવાના પાણીની પુરતી વ્યવસ્થા નથી.

Most Popular

To Top