અમદાવાદ, તા. 28
વડાપ્રધાન ડીગ્રી મામલે ગુજરાત યુનિવર્સિટી માનહાની કેસમાં અમદાવાદની મેટ્રો કોર્ટે આપના નેતા સંજયસિંહ વિરુદ્ધ વોરંટ ઇસ્યુ કરી 11મી જાન્યુઆરીએ હાજર રહેવા કહ્યું છે. જ્યારે અરવિંદ કેજરીવાલને હાજરી આપવામાંથી મુક્તિ આપવામાં આવી છે.
ગુજરાત યુનિવર્સિટી માનહાની કેસમાં આજે અમદાવાદની મેટ્રો કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. મેટ્રો કોર્ટે આપના નેતા સંજયસિંહ સામે પ્રોડક્શન વોરંટ કર્યું હતું. હાલમાં સંજયસિંહ દિલ્હીની તિહાર જેલમાં છે. અમદાવાદની મેટ્રો કોટે અરવિંદ કેજરીવાલને કોર્ટમાં હાજર રહેવામાંથી મુક્તિ આપતી અરજી માન્ય રાખી છે. આ અંગે 11મી જાન્યુઆરીએ વધુ સુનાવણી હાથ ધરાશે.
મામલો શું છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી માગવા અંગે ગુજરાત હાઇકોર્ટના નિર્ણય બાદ આપના નેતા અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહ દ્વારા ગુજરાત યુનિવર્સિટીની છબી ખરડાય તેવી રીતના નિવેદનો કર્યા હતા. જેના કારણે લોકોમાં ખોટી ઈમેજ ઊભી થઈ હતી, અને એવી ધારણા હતી કે, ગુજરાત યુનિવર્સિટી બોગસ અને નકલી ડિગ્રીઓ બહાર પાડે છે.
આ અંગે ગુજરાત યુનિવર્સિટીના રજીસ્ટાર દ્વારા અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહ વિરુદ્ધ યુનિવર્સિટીની છબી ખરડવા અંગેનો આરોપ લગાવી કેસ દાખલ કરવામાં આવ્યો હતો.