સુરત: સુરતથી સરોલી-ઓલપાડ તરફ જતા 3 લેનનો નવો રેલવે ઓવરબ્રિજ બનીને તૈયાર છે. પરંતુ હજી પણ આ બ્રિજનું લોકાર્પણ ન કરાતાં લોકો રોષે ભરાયા છે. બ્રિજના લોડ ટેસ્ટનો રિપોર્ટ રેલવે વિભાગમાં મોકલવામાં આવ્યો છે. રેલવે તરફથી એન.ઓ.સી. મળતાં જ આ બ્રિજ જાહેર જનતાના ઉપયોગ માટે ખુલ્લો મુકાશે તેમ મનપા દ્વારા જણાવવામાં આવ્યું છે.
- સરોલી બ્રિજ ખુલ્લો મૂકવામાં રેલવે વિભાગની એન.ઓ.સી.ની રાહ, મનપાએ લોડ ટેસ્ટ રિપોર્ટ મોકલાવ્યો
- રેલવે વિભાગ તરફથી એક-બે દિવસમાં જ એન.ઓ.સી. મળી જવાની શક્યતા
આ રેલવે ઓવરબ્રિજ રાજ્ય સરકારના આરએન્ડબી વિભાગ દ્વારા ક્રિભકો રેલવે લાઈન પર બનાવવામાં આવ્યો છે. આ રેલવે ઓવરબ્રિજ 1990માં ખુલ્લો મુકાયો હતો અને 2006માં સુરત મહાનગર પાલિકાની હદનું વિસ્તરણ થતાં આ રેલવે ઓવરબ્રિજ સુરત મહાનગરપાલિકાની હદમાં સમાવેશ થતાં બ્રિજની મરામતની જવાબદારી મનપા પર આવી હતી.
બ્રિજ જર્જરિત થતાં મનપા દ્વારા આ બ્રિજની જગ્યાએ નવો બ્રિજ બનાવવામાં આવ્યો હતો. તેની કામગીરી પૂર્ણ થઈ ગયા બાદ પણ હવે આ બ્રિજ લોકોને ઉપયોગમાં આવી રહ્યો નથી. કારણ કે, લોડ ટેસ્ટ માટેનો રિપોર્ટ રેલવે વિભાગમાં મોકલાયો છે અને રેલવે તરફથી એન.ઓ.સી. મળે તેની રાહ જોવામાં આવી રહી છે.
રેલવે તરફથી એન.ઓ.સી. મળતાં જ જાહેર જનતા માટે આ બ્રિજ ખુલ્લો મુકાશે અને એક-બે દિવસમાં જ એન.ઓ.સી. મળી જાય તેવી શક્યતા છે. એટલે કે, હવે નજીકના દિવસોમાં બ્રિજ જાહેર જનતા માટે ખુલ્લો મૂકી દેવાશે તેમ જાણવામાં આવી રહ્યું છે.
પશ્ચિમ રેલવેએ બાંદ્રા-ગાંધીધામ એક્સપ્રેસ સહિતની કેટલીક ટ્રેનોના રેલવે સ્ટેશનેથી ઉપડવાના સમયમાં ફેરફાર કર્યો
સુરત: પશ્ચિમ રેલવેએ ટ્રેનોના સંચાલનમાં સરળતા રહે તે માટે બાંદ્રા-ગાંઘીધામ એક્સપ્રેસ સહિતની ટ્રેનોના સમયમાં ફેરફાર કર્યો છે. ટ્રેન નંબર 22474 બાંદ્રા-બીકાનેર એક્સપ્રેસ જે પહેલા બાંદ્રાથી 14.50 વાગે રવાના થતી હતી તે 28 માર્ચથી 14.40 વાગે રવાના થશે.
ટ્રેન નંબર 22952 બાંદ્રા-ગાંધીધામ એક્સપ્રેસ જે પહેલા બાંદ્રાથી 14.50 વાગે રવાના થતી હતી તે 31 માર્ચથી 14.40 વાગે રવાના થશે. ટ્રેન નંબર 09171 સૂરત-ભરૂચ મેમુ જે પહેલા સુરતથી 18.18 વાગે રવાના થતી હતી તે 28 માર્ચથી 18.37 વાગે રવાના થશે. ટ્રેન નંબર 19407 અમદાવાદ-વારાણસી એક્સપ્રેસ જે પહેલા અમદાવાદથી 21.55 વાગે રવાના થતી હતી તે 30 માર્ચથી 21.45 વાગે રવાના થશે. તેવી જ રીતે કેટવીક ટ્રેનો એવી છે જેમના ઓરિજનેટ થવાના સ્ટેશન નહીં પરંતુ રસ્તામાં આવતા સ્ટેશનોના સમયમાં ફેરફાર કરાયો છે.
ટ્રેન નંબર 12931 મુંબઈ-અમદાવાદ ડબલડેકર એક્સપ્રેસના સમયમાં 28 માર્ચથી ફેરફાર, ટ્રેન નંબર 19217 બાંદ્રા-વેરાવલ સૌરાષ્ટ્ર એક્સપ્રેસના સમયમાં 28 માર્ચથી ફેરફાર, ટ્રેન નંબર 14708 બાંદ્રા-બીકાનેર રણકપુર એક્સપ્રેસના સમયમાં 28 માર્ચથી ફેરફાર, ટ્રેન નંબર 22929ડહાનુ રોડ-વડોદરા એક્સપ્રેસના સમયમાં 28 માર્ચથી ફેરફાર, ટ્રેન નંબર 09155 સુરત-વડોદરા મેમુ સ્પેશિયલના સમયમાં 28 માર્ચથી ફેરફાર, ટ્રેન નંબર 22476 કોઈમ્બતોર-હિસાર એક્સપ્રેસના સમયમાં 1 એપ્રિલથી ફેરફાર, ટ્રેન નંબર 20923 તિરુનવેલી-ગાંધીઘામ હમસફર એક્સપ્રેસના સમયમાં 30 માર્ચથી ફેરફાર, ટ્રેન નંબર 20931 ચોકુવેલી-ઇંદોર એક્સપ્રેસના સમયમાં 31 માર્ચથી ફેરફાર અને ટ્રેન નંબર 20909 કોચુવેલી-પોરબંદર એક્સપ્રેસના સમયમાં 2 એપ્રિલથી ફેરફાર કરાશે.