વ્યારા: (Vyara) ડોલવણના અંતાપુર ગામે (Village) કોટવાળીયા ફળિયામાં રહેતા દેવજી હેરજી કોટવાડિયાની દીકરીની હત્યા (Murder) તેના જમાઈએ જ કરી દેતાં પંથકમાં ચકચાર મચી ગઈ છે. દેવજીભાઇની દીકરી અરુણાબેન કોટવાળીયા (ઉં.વ.૩૨)ને તેનો ઘરજમાઇ તરીકે રહેતો પતિ શૈલેષ બાબુ કોટવાળીયાએ આડા સંબંધનો વહેમ રાખી માથામાં લોખંડનો પાવડો મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ અંગેની ફરિયાદ દેવજી કોટવાળીયાએ પોલીસ (Police) મથકે આપતાં શૈલેષ કોટવાડિયા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી પોલીસે ધરપકડ કરી હતી.
- ડોલવણના અંતાપુરમાં આડા સંબંધનો વહેમ રાખી પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી
- મિત્રને પત્નીને હત્યા કરી હોવાનું કહ્યું, પણ તેણે સાચું માન્યું ન હતું
- પત્નીને મોતને ઘાટ ઉતારનાર શૈલેષ કોટવાળીયાની ધરપકડ
ગઇ કાલ તા.૨/૪/૨૦૨૩ના રોજ સાંજે આશરે નવેક વાગ્યાના અરસામાં જમ્યા બાદ દેવજી કોટવાળીયા પત્ની ચણીબેન તથા પૌત્ર રોહિત એમ ત્રણ જણા ઘરના ઓટલા પર સૂઈ ગયાં હતાં. ઘર જમાઇ શૈલેષ તે સમયે ઘરે ન હતો. દીકરી અરુણા રૂમમાં સૂઇ ગઈ હતી. બીજા દિવસે સવારે આશરે છ-એક વાગ્યાના અરસામાં પૌત્ર રોહિતને બહારની લાઇટ બંધ કરવા રૂમમાં મોકલ્યો હતો. ત્યારે રોહિતે મામીને કંઇ થયું હોય ઊઠતી નથી તેમ કહેતાં પોતે દીકરી અરુણાને જઈને જોતા તેનાં મોં ઉપર, નાકમાં તથા કાનમાં લોહી નીકળતું હતું. દેવજી આ જોઇને રડવા લાગતાં ફળિયાના બીજા માણસો દોડી આવ્યા હતા.
દેવજી કોટવાળીયાને ફળિયાના સુનીલ કાશીરામ કોટવાળીયાએ કહ્યું કે, રાત્રે આશરે અગિયારેક વાગ્યાના સમયે તેઓ અશ્વિન અર્જુનભાઇ કોટવાળીયા સાથે શૈલેષને ઘરે મૂકવા આવ્યા હતા. ત્યારે શૈલેષે તેની પત્નીના કોઇ સાથે આડા સંબંધ હોવાનું તેઓને કહ્યું હતું. શૈલેષને તેના ઘરની બહાર ઉતારી તેઓ પોતાના ઘરે જતા રહ્યા હતા.
ત્યારબાદ રાત્રિના આશરે બારેક વાગ્યાના અરસામાં શૈલેષ તેના ઘરે આવ્યો હતો. અને કહ્યું હતું કે, આજે તો તે પોતાની પત્ની અરુણાને માથામાં લોખંડના પાવડાથી માર મારી આવ્યો છે. ત્યારે સુનીલને એવું લાગ્યું હતું કે, શૈલેષ અમસ્તુ જ કહે છે. તેમ માની તેઓ સૂઇ ગયા હતા. જો કે, આ ઘટના સાચી ઠરી હતી. પોતાની દીકરી અરુણાને આડા સંબંધનો વહેમ રાખી તેના જમાઇ શૈલેશે જ લોખંડના પાવડાથી માર મારી મોતને ઘાટ ઉતારી હતી. આ બનાવમાં પત્નીને મોતને ઘાટ ઉતારનાર શૈલેષ કોટવાળીયાની પોલીસે ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધો હતો.