વ્યારા: (Vyara) ઉકાઈની (Ukai) સીપીએમ પેપરમીલના ગોડાઉનમાં (Godown) સુરતથી એકજ કંપનીના ચૂનો ભરીને આવેલા બે કન્ટેનરોના ડ્રાઈવરો વચ્ચે નજીવી બાબતે ઝગડો થતાં એક ડ્રાઇવરે અન્ય ડ્રાઇવરને બોથડ પદાર્થ મારી હત્યા (Murder) કરી નાંખી હતી.
- ઉકાઈ સીપીએમ પેપરમિલના ગોડાઉનમાં કન્ટેનરના ડ્રાઇવરની હત્યા
- હત્યામાં સંડોવાયેલો અન્ય ડ્રાઇવર પકડાઇ પછી જ કારણ બહાર આવશે
ઉકાઈની સીપીએમ પેપર મીલમાં ગત પહેલી એપ્રિલે સવારે સાડા નવ વાગ્યાના અરસામાં (જીજે ૧૪ ડબ્લ્યુ ૧૪૪૩), (જીજે ૧૪ એકસ ૦૩૪૫) અને (જીજે ૧૪ એકસ ૧૦૬૬ ) આ ત્રણ કન્ટેનરો ચૂનો ભરીને સુરતથી આવ્યા હતા. ત્રણેય કન્ટેનરોને કંપનીના એસપીસીસી ગોડાઉનમાં પાર્ક કરવામાં આવ્યા હતા. સાંજે ૬ વાગ્યે આ ત્રણેય કન્ટેનરોના ડ્રાઇવરો અને એક ક્લિનર અવધેશ કલ્લુર (રહે.આજમગઢ, ઉત્તરપ્રદેશ) આ ચારેય જણા ચા-નાસ્તો કરવા માટે રાત્રે બહાર આવી પરત કંપનીની અંદર જતાં રહ્યાં હતાં. આ અરસામાં કન્ટેનર નંબર (જીજે ૧૪ ડબ્લ્યુ ૧૪૪૩) ના ડ્રાઇવર આકાશ હીરાલાલ માજી (ઉવ.૨૭,રહે.નવબરાર,દેવારા ગંજ,જી.આઝમગઢ,ઉત્તર પ્રદેશ) અને કન્ટેનર નંબર (જીજે ૧૪ એક્સ ૧૦૬૬)ના ડ્રાઇવર ઇન્દ્રેશ બરસાતુ બીન્દ (રહે.ખરસાનખુર્દ,દિદરગંજ,જી.આજમગઢ,ઉત્તર પ્રદેશ) વચ્ચે કોઈ નજીવી બાબતે ઝઘડો થયો હતો.
ક્લિનર અવધેશ કલ્લુર તેમજ અન્ય એક કન્ટેનરના ડ્રાઇવર સુભાષચંદ્ર શ્રીદયારામ યાદવે ઝગડો કરી રહેલા બંને ડ્રાઇવરોને છૂટા પાડ્યા હતાં. ડ્રાઇવર સુભાષચંદ્ર યાદવ અને ક્લિનર અવધેશ કુલ્લર ફરી કંપનીની બહાર નિકળી આવ્યાં હતા. રાત્રિના સાડા નવ વાગ્યાના અરસામાં ક્લિનર અવધેશ કુલ્લરને ખબર પડી હતી કે તેના કન્ટેનરનો ડ્રાઇવર આકાશ માજી અને બીજા કન્ટેનરના ચાલક ઈન્દ્રેશ બિન્દ વચ્ચે ઝઘડો થયો છે. અવધેશ કુલ્લરે કંપનીની અંદર જઈ જોતા આકાશ માજી જમીન પર પડેલો હતો. તેના કપાળ તથા શરીરે ગંભીર ઇજાઓ હતી. સોનગઢ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યા ફરજ ફરજ પરના તબીબોએ આકાશ માજીને મૃત જાહેર કર્યો હતો. પોલીસે કલીનરની ફરિયાદને પગલે ડ્રાઇવર ઈન્દ્રેશ બીન્દ સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.