Dakshin Gujarat

તાપી જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ, મીની વાવાઝોડાથી ઘરોનાં પતરાં ઉડ્યા, ઝાડ ધરાશાયી

વ્યારા: (Vyara) જિલ્લાના મુખ્ય મથક વ્યારા સહિતના સમગ્ર તાપી જિલ્લામાં (Tapi District) ગાજવીજ અને મીની વાવાઝોડા સાથે ભારે વરસાદ પડ્યો હતો. રવિવારે સવારે ૧૦ વાગ્યા પછી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. જેનાં કારણે અનેક વિસ્તારોમાં વૃક્ષો, વીજ થાંભલાઓના ધરાશયીની ઘટના પ્રકાશમાં આવી છે. આ કમોસમી વરસાદને કારણે અનેક વિસ્તારોમાં વીજળી ડૂલ થઈ જતાં રોજીંદા કામોને અસર થઈ હતી. વૃક્ષો પડતાં કેટલાક વાહનોને નુકસાન પણ થયું હતું. જોકે જિલ્લામાં સુસવાટા પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

સોનગઢ તાલુકાના ભટવાડાનાં રહીશ દિત્યાભાઇ કોટિયાભાઇ વસાવાનાં દુકાન, ઘરનાં પતરાંઓ આશરે ૧૫ ફૂટની ઉંચાઈએ ઉડી વીજતાર સાથે લબડી પડ્યાં હતાં. દિત્યા વસાવાનાં જણાવ્યાં મુજબ તેના ઘર અને દુકાનની સાથે ગામનાં ૭૫ ટકા લોકો સહિત નજીકના ગામોનાં પતરા- નળીયા ઉડવાથી ભારે નુકસાની થઈ છે. સોનગઢ મરીમાતાનાં મંદિર પાસે રોડ ઉંચા બનાવ્યાં હોવાથી ઘરોમાં પાણી ઘુસી ગયા હતાં. સોનગઢ માર્કેટ- સ્લમ વિસ્તાર તેમજ રાણીઆંબા ગામે અંડરબ્રીજમાં પાણી ભરાતાં લોકો જીવનાં જોખમે અહીં થી પસાર થતા જોવા મળ્યા હતા.

વ્યારાના કણજા ફાટક પાસે નવ નિર્મિત અંડરબ્રીજ માં પાણી ભરાઈ જતા વાહન ચાલકો મુશ્કેલી માં મુકાયાં હતાં. વ્યારા એપીએમસીમાં પાણી ભરાઈ જતા હરાજી માટે આવેલા વેપારીઓ, ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા. વ્યારા ધોરીમાર્ગને અડીને આવેલ વોર્ડ નં.૫ માં દાદરી ફળિયામાં બાપા સીતારામની મઢુલી પાસે પતરાનો શેડ તેમજ વૃક્ષ ધારાશયી થયું હતું. જોકે મઢુલીને કોઈ નુકસાની થઈ હતી, જેથી શ્રદ્ધાળુઓ એ રાહતની લાગણી અનુભવી હતી.

વ્યારા- સોનગઢના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જતા લોકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. નદી વહેતી હોય તેવા કેટલાક દ્રશ્યો મોટાભાગના રોડ પર જોવા મળ્યા હતા. મોટાભાગના વિસ્તારોમાં વીજથાંભલા, વૃક્ષો, મોટા હોર્ડીગ્સ ધરાશયી થવાનાં કારણે લોકો અટવાયા હતા. આ કમોસમી વરસાદથી તમામ વિભાગોની પ્રિમોન્સુનની નબળી કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ છે.

તાપી જિલ્લામાં સવારે ૧૦થી ૧૦:૩૦ સુધીનાં માત્ર અડધો કલાકમાં સોનગઢમાં સૌથી વધુ ૨૦મીમી વરસાદ પડ્યો હતો, જ્યારે કુકરમુંડા, વાલોડ અને નિઝરમાં સામાન્ય વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. ડોલવણમાં ૧૯મીમી, વ્યારામાં ૧૬મીમી અને ઉચ્છલમાં ૪મીમી વરસાદ નોંધાયો હતો. મીની વાવાઝોડાને કારણે ગ્રામીણ વિસ્તારોનાં પતરાં અને નળિયા વાળા કાચાં ઘરોને ભારે નુકસાની થઈ હોવાનું જાણવા મળ્યું છે.

મહુવા તાલુકાના આવેલ સૂસવાટા ભર્યા પવનથી નુકશાન
અનાવલ:- મહુવા તાલુકામાં પવન ના સૂસવાટા સાથે આવેલ વરસાદ વચ્ચે ભારે પવન થી અનેક ગામોમાં ઝાડો ધરાશાયી થવાના બનેલ બનાવો વચ્ચે કેટલાક ગામોમાં વાહનોને પણ નુકશાન પહોંચવાના બનાવ બન્યા હતા.

  • મહુવા તાલુકાના આવેલ સૂસવાટા ભર્યા પવનથી નુકશાન
  • વલવાડા અને વહેવલમાં ઝાડ પડવાથી કાર – મોટરસાયકલ ને નુકશાનના બનાવ

મહુવા તાલુકામાં વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો.તો તાલુકાના અમુક ઠેકાણે વરસાદી ઝાપટા પણ જોવા મળ્યા હતા.પવનના સૂસવાટા વચ્ચે વાવાઝોડાની અસર વચ્ચે વલવાડા ગામે બે ઠેકાણે વૃક્ષ વાહનો પર પડવાની ઘટના સામે આવી છે.વલવાડા ખાતે ભારે પવન વચ્ચે મુખ્ય બજારમાં વૃક્ષ પડતા બે મોટર સાયકલ કચડાઈ હતી.જયારે વલવાડા ગામે ભરાતા હાટ બજાર વિસ્તારમાં આજે એક કાર પર વૃક્ષ પડતા કાર કચડાઈ જવા પામી હતી.તો વહેવલ ગામમાં પણ ઝાડ પડતા કાર ને નુકશાનના બનાવ બન્યો હતો.જોકે આ તમામ અકસ્માત ની ઘટનામાં સદનસીબે કોઈપણ જાનહાની થવા પામી ન હતી.

Most Popular

To Top