વ્યારા: (Vyara) ડોસવાડા ગામની (Village) સીમમાંથી પસાર થતા સુરત-ધુલિયા હાઇવે (Highway) ઉપર આશીર્વાદ હોટલ નજીક વ્યારાથી સોનગઢ આવતા ટ્રેક ઉપર ટ્રક અને બોલેરો વચ્ચે ગોઝારો અકસ્માત (Accident) સર્જાયો હતો. ધોરી માર્ગ ઉપર રોંગ સાઇડે આવતી ટ્રકે (Truck) ટક્કર મારતાં બોલેરોની આગળની બોડીનો કચ્ચરધાણ નીકળી ગયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં બોલેરો સવાર બેનાં સ્થળ ઉપર જ રામ રમી ગયા હતા.
- ડોસવાડા નજીક હાઇવે ઉપર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થતાં બેનાં મોત
- અકસ્માત કરનાર ટ્રકચાલક સ્થળ ઉપર ટ્રક છોડી ભાગી છૂટ્યો
- રાત્રિના ૯ વાગ્યાના અરસામાં આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો
ઉચ્છલના સેલુડ ગામે દાદરી ફળિયામાં રહેતા સોમવેલ છગન ગામીત (ઉં.વ.૫૧) માછલીનો વેપાર કરતા હોવાથી દરરોજ પોતાનાં ગામ સેલુડથી માછલી લઈ વ્યારા ખાતે તેને વેચવા જતા હોઇ તેઓની સાથે તેમના જ ગામના નુરજીભાઈ પોસલીયાભાઈ ગામીત (ઉં.વ.૭૨) પણ પોતાની પત્ની વ્યારા જનરલ હોસ્પિટલમાં છેલ્લા ચારેક દિવસથી સારવાર માટે દાખલ કરી હોય તેઓને મળવા માટે પોતાની બોલેરો નં.(જીજે ૨૬ એન ૧૬૪૫)માં સાથે ગયા હતા, અને ત્યાં જ રોકાયા હતા. બીજા દિવસે તા.૨૫/૦૫/૨૦૨૩ના રોજ સોમવેલભાઈ ગામીત અને નુરજી ગામીત બંને પોતાના ઘરે સેલુડ ખાતે પરત આવી રહ્યા હતા, ત્યારે રાત્રિના ૯ વાગ્યાના અરસામાં આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
પૂરઝડપે અને બેફામ રીતે હંકારી ટ્રક નં.(જીજે ૩૬ વી ૩૩૬૨)ના ચાલકે પોતાની ટ્રક રોંગ સાઈડના ટ્રેક ઉપર સોમવેલભાઈની બોલેરોને અડફેટે લીધી હતી. આ ધડાકાભેર થયેલા અકસ્માતમાં બોલેરોનો આગળના ભાગનો ભુક્કો બોલાઇ ગયો હતો. તેમાં ડ્રાઇવર સીટ ઉપર બેસેલા સોમવેલભાઇ ગામીત દબાઇ ગયા હતા. જેમનું માથું ફાટી ગયું હતું. જ્યારે નુરજીભાઇ ગામીત રોડની સાઇડે ફેંકાઈ ગયા હતા. ગંભીર ઇજા થતાં સ્થળ ઉપર જ આ બંનેનાં મોત નીપજ્યાં હતાં. અકસ્માત કરનાર ટ્રકચાલકને સ્થાનિકો મેથીપાક આપે એ પહેલાં ટ્રકનો આ ચાલક સ્થળ ઉપર ટ્રક છોડી ભાગી છૂટ્યો હતો.