વ્યારા: (Vyara) રાજ્યમાં વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે સનદી અધિકારીઓની બદલીઓ થતાં શુક્રવારે નવા કલેક્ટર (collector) ભાર્ગવી આર.દવે (Bhargavi Dave) (IAS)એ તાપી જિલ્લાનો ચાર્જ સંભાળ્યો હતો. તાપી જિલ્લા પ્રભારી અને રાજ્યના ઊર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી મુકેશ પટેલ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. નવા નિમાયેલા કલેક્ટર ભાર્ગવી દવે ગુજરાત લાઈવ્લી હૂડ પ્રમોશન કું.લિ. ગાંધીનગર ખાતે મેનેજિંગ ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતા હતા. ખાસ કરીને મહિલાઓની આજીવિકા, રોજગારી માટે શ્રેષ્ઠ કાર્ય કરીને તેમણે મહિલાઓના ઉત્કર્ષ માટે લાજવાબ કામગીરી કરી છે.
તાપી જિલ્લાના આદિવાસી વિસ્તારમાં વિશિષ્ઠ કામગીરી કરવાની તક મળી
નવરચિત તાપી જિલ્લાને વિકાસની હરોળમાં લઈ જવા માટે હજુ ઘણાં બધાં ક્ષેત્રે અનેક કામો કરવા પડશે. ભૌગોલિક પરિસ્થિતિને અનુરૂપ અનેક પડકારો વચ્ચે તાપી જિલ્લાના આદિવાસી વિસ્તારમાં વિશિષ્ઠ કામગીરી કરવાની તક મળી છે. ત્યારે વહીવટી તંત્રના અધિકારીઓ, પદાધિકારીઓ સહિત ગ્રામજનોના સંકલન સાથે તાપી જિલ્લાના તમામ પ્રશ્નોને ઉકેલવા માટે તેઓ હંમેશાં કટિબદ્ધ રહેવાની ભાવના તેમણે વ્યક્ત કરી હતી.
ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી લાભાર્થીને સીધેસીધો લાભ મળે છે: મુકેશ પટેલ
વ્યારા: તાપી જિલ્લામાં પ્રભારી મંત્રી અને રાજ્ય કક્ષાના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી મુકેશ પટેલના અધ્યક્ષ સ્થાને દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલય, વ્યારા ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો. જેમાં આદિજાતિ વિભાગ, આરોગ્ય, કૃષિ, પશુપાલન, ગ્રામવિકાસ, મહિલા અને બાળ કલ્યાણ, ફિશરીઝ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, સમાજ કલ્યાણ, સમાજ સુરક્ષા, શિક્ષણ વગેરે જુદા જુદા વિભાગના લાભાર્થીઓને સ્ટેજ ઉપથી પ્રભારી મંત્રી મુકેશ પટેલ સહિત મહાનુભાવોના હસ્તે કુલ 12,227 લાભાર્થીઓને રૂ.55 કરોડની સાધન-સહાયના લાભો હાથોહાથ આપવામાં આવ્યા હતા.
વિવિધ યોજનાના કુલ 12,227 લાભાર્થીને રૂ.55 કરોડની સહાય
આ પ્રસંગે ગરીબ કલ્યાણ મેળામાં અધ્યક્ષ સ્થાનેથી ઉદબોધન કરતા પ્રભારી મંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે રાજ્યના છેવાડાના માનવીની ચિંતા કરી અને ગરીબ કલ્યાણ મેળા શરૂ કર્યા હતા. ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી લાભાર્થીને સીધેસીધો લાભ મળે છે. શુક્રવારે ગરીબ કલ્યાણ મેળાના 13મા તબક્કા હેઠળ તાપી જિલ્લો ગુજરાતનો છેવાડાનો હોઇ શુક્રવારે વિવિધ યોજનાના કુલ 12,227 લાભાર્થીને રૂ.55 કરોડની સહાય-સાધનોના લાભો હાથોહાથ આપવામાં આવ્યા છે.