વ્યારા: (Vyara) વ્યારા ઉકાઈ ડાબા કાંઠાની મુખ્ય નહેરના (Canal) પાણીમાં રિક્ષા ધોવા ગયેલા બે વ્યક્તિઓ પાણીનાં વહેણમાં તણાઈ ગયા હતાં. જેમાં ભગવાનભાઈ નામનાં ઈસમનો મૃતદેહ મળી આવ્યો છે. જ્યારે રમણભાઈ નામના ઈસમનો મૃતદેહ અનાવલ નજીકથી આજે મળી આવ્યો છે.
- વ્યારા પાસે નહેરમાં રિક્ષા ધોવા ગયેલા બે મિત્રોનાં ડૂબી જવાથી મોત
- રિક્ષા ધોતી વખતે એક મિત્રનો પગ લપસતાં તે ડૂબવા લાગ્યો, બીજો મિત્ર તેને બચાવવા જતા તે પણ ડૂબી ગયો હતો
પોલીસ સૂત્રોનાં જણાવ્યા મુજબ વ્યારાના શંકર ફળિયામાં રહેતા રમણભાઈ ચીકુભાઈ વાધેલા (ઉં.વ.70) તેમજ ભગવાનદાસભાઈ (ઉં.વ.57), (રહે., કાનપુરા, એમ.બી. પાર્ક સોસાયટી, વ્યારા, જી. તાપી) ગત રોજ વ્યારાના પાટ ફળિયામાં ઉનાઈ ડાબા કાંઠાની નહેરના પાણીમાં રિક્ષા ધોવા માટે ગયા હતા. તે વખતે રમણભાઈનો પગ લપસી જતા તેઓ નહેરમાં પડી ગયા હતા. રણણભાઈ નહેરનાં પાણીમાં તણાવા લાગતા ભગવાનદાસ તેમને બચાવવા જતા બંને જણા નહેરના પાણીમાં તણાઈ ગયા હતા.
બંનેની શોધખોળ દરમ્યાન ભગવાનદાસ મળી આવતા તેમને સારવાર અર્થે વ્યારાની જનરલ હોસ્પિટલમાં ખાસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. નહેરના પાણીમાં ડૂબી જતા તણાઈ ગયેલા રમણભાઈની શોધખોળ કરવા છતાં ગત રોજ તેઓની ભાળ મળી ન હતી. આજે અનાવલ ગામ પાસે નહેરમાં શોધખોળ કરી રહેલી ટીમને રમણભાઈનો મૃતદેહ પણ મળી આવ્યો છે. પોલીસે અકસ્માત મોત દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.