યુનિ. ખાતે મળેલી એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં મહત્વના નિર્ણયો કરાયા છે. જેમાં કોરોનાની પ્રવર્તમાન વરસે સજાર્યેલી મહામારીને લઇને સમગ્ર વિદ્યાર્થી આલમ માટે રાહતદાયી નિર્ણય લેવાયા છે. આ વરસ પુરતું યુનિ.એ પરીક્ષાની સામી મોસમે ઘણા ફેરફાર કર્યા છે. યુનિ.ના એકેડેમિક કાઉન્સિલના સૂત્રોના જણાવ્યાનુસાર, અત્યાર સુધી લગી યુનિ.ની અલગ અલગ તમામ પરીક્ષાઓમાં દરેક પેપરમાં અમુક પ્રશ્નો ફરજીયાત તો અમુક પ્રશ્નોમાં વૈકલ્પિક પ્રશ્નો અપાતાં હતાં. પરંતુ આ વરસે કોરોનાને લીધે કોલેજો પુરેપુરી ચાલી શકી નથી. પરીક્ષાર્થીઓને નુકશાન નહિ થાય તે માટે આ વરસ પુરતું દરેક પેપરમાં વૈક્લ્પિક પ્રશ્નો પણ હશે.
સેનેટ સદસ્ય કનુ ભરવાડની રજૂઆત રંગ લાવી, સાયન્સમાં પહેલા અને ત્રીજા સેમેસ્ટરમાં નેગેટિવ માર્કિંગ રદ
યુનિ.ના યુવા સેનેટ સદસ્ય કનુ ભરવાડની રજૂઆતોને પગલે એકેડેમિક કાઉન્સિલે સાયન્સ ફેકલ્ટીમાં પહેલા અને ત્રીજા સેમેસ્ટરની પરીક્ષામાંથી નેગેટિવ ગુણ રદ કરી દીધા છે. અત્યાર સુધી આ ફેકલ્ટીના ઉકત સેમેસ્ટરમાં પરીક્ષામાં ખોટા ઉત્તર બદલ 0.25 ગુણ નેગેટિવ ગણી કુલ મળેલ ગુણમાં કાપી નંખાતા હતા. પરંતુ આ વરસે કોરોનાને લીધે સાયન્સ કોલેજોમાં શિક્ષણ કાર્ય ચાલ્યું નથી. તે ઉપરાત ઓનલાઇન એજયુકેશનમાં પણ કોઇ ભલીવાર નહોતી. જેને લઇને એક વર્ષ પુરતું સાયન્સના પહેલા અને ત્રીજા સેમેસ્ટરમાં નેગેટિવ ગુણ રદ કરવા તેમણે રજૂઆતો કરી હતી. તેમની આ રજૂઆતોને પગલે યુનિ.એ એકવરસ પુરતું નેગેટિવ માર્કિંગ રદ કરવા નિર્ણય કર્યો છે.
પીએચ.ડી.ના નવા ગાઇડ સહિત આ વરસે બેઠકો વધારાશે
યુનિ.ની એકેડેમિક કાઉન્સિલના સૂત્રોએ કહ્યું હતું કે, પીએચ.ડી.માં આ વરસે બેઠકો વધારાશે. પીએચ.ડી.માં યુનિ. પાસે 181 ગાઇડ છે. તે ઉપરાંત આ વરસે લગભગ 20 નવા ગાઇડને માન્યતા પણ અપાઇ છે. કેટલાંક ગાઇડના માર્ગદર્શન હેઠળ પીએચ.ડી. કરી રહેલા ઉમેદવારો ઓલરેડી પીએચ.ડી. થઇ ગયા છે અને તેમના નોટિફિકેશન સુદ્ધાં જાહેર થઇ ગયા છે. આ ગાઇડ પાસે પણ દરખાસ્ત મંગાવી તેમને પણ વિદ્યાર્થી ફાળવવામાં આવશે.
એક્સટર્નલ મોડમાં કોર્ષ ડયુરેશન સમાપ્ત થયાં પછી પણ એક તક અપાશે
યુનિ.એ આ વરસે કોરોનાને લીધે એક્સટર્નલ મોડની અલગ-અલગ યુજી અને પીજીના અભ્યાસક્રમોમાં ડયુરેશન પતી ગયો હોય તેવા ઉમેદવારોના એકઝામ ફોર્મ રદ કરી દીધા હતા. આ ઉમેદવારોને કોરોનાને લીધે એક તક આપવા પણ નિર્ણય કરાયો છે. તેવી જ રીતે રેગ્યુલર અને એક્સટર્નલ મોડ માટે કોર્ષ ડયુરેશન સમાન કરી એક વિષયમાં નાપાસ હોય તેમને માટે પૂરક પરીક્ષા લેવા પણ અનુમતિ અપાઇ છે.