લોહીલુહાણ દ્રશ્યો CCTVમાં કેદ!
ખોદકામ કરી કોન્ટ્રાક્ટર ગાયબ, પાલિકા ઘોર નિદ્રામાં; શું તંત્ર હજુ કોઈ મોટી જાનહાનિની રાહ જોઈ રહ્યું છે?
વડોદરા:: સ્માર્ટ સિટી વડોદરામાં કોર્પોરેશનની પ્રી-મોન્સૂન કામગીરી અને વિકાસના દાવાઓની પોલ ફરી એકવાર ખુલી પડી છે. શહેરના નવાયાર્ડ વિસ્તારમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારીને કારણે નિર્દોષ નાગરિકોના જીવ જોખમમાં મુકાયા છે. છેલ્લા લાંબા સમયથી અધૂરી છોડી દેવાયેલી ડ્રેનેજ લાઈન અને રસ્તાની કામગીરીને કારણે સર્જાયેલા અકસ્માતનો લાઈવ વીડિયો સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

નવાયાર્ડ વિસ્તારમાં તાજેતરમાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે, એક આધેડ વ્યક્તિ સાવચેતીપૂર્વક રસ્તો ક્રોસ કરી રહ્યા હતા. જોકે, રસ્તા પર ચાલી રહેલા અધૂરા ખોદકામ અને અત્યંત સાંકડા થઈ ગયેલા માર્ગને કારણે તેઓ સંતુલન ગુમાવી બેઠા અથવા વાહનની અડફેટે આવી જતાં ગંભીર અકસ્માતનો ભોગ બન્યા હતા. આ ઘટનાએ પાલિકાની કામ કરવાની પદ્ધતિ સામે અનેક સવાલો ઉભા કર્યા છે.
સ્થાનિક લોકોએ આ બાબતે અનેકવાર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને સ્થાનિક કાઉન્સિલરોને લેખિત તથા મૌખિક રજૂઆતો કરી છે. છતાં, તંત્રના પેટનું પાણી હલતું નથી. લોકોમાં એવો રોષ જોવા મળી રહ્યો છે કે, “શું તંત્ર કોઈ મોટી જાનહાનિ થાય તેની રાહ જોઈ રહ્યું છે?”
એક તરફ વડોદરાને આધુનિક બનાવવાની વાતો થાય છે, ત્યારે બીજી તરફ નવાયાર્ડ જેવા વિસ્તારોમાં લોકો પાયાની સુવિધાઓ અને સલામત રસ્તા માટે વલખાં મારી રહ્યા છે. હવે જોવાનું એ રહે છે કે આ વાયરલ વીડિયો અને લોકોના આક્રોશ બાદ VMC જાગશે ખરી?

ટેક્સ ભરી ખાડા મળે છે…
”અમે ટેક્સ ભરીએ છીએ પણ બદલામાં અમને ખાડા અને અકસ્માત મળે છે. જો વહેલી તકે આ રસ્તો અને ડ્રેનેજ લાઈનનું કામ પૂરું કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં રહીશો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે.” – (યાસીનભાઈ)સ્થાનિક રહીશ
સ્થાનિક રહીશોના આક્ષેપ મુજબ:
*અધૂરી કામગીરી: ડ્રેનેજ લાઈન નાખવા માટે ખોદકામ તો કરવામાં આવ્યું, પરંતુ કામ પૂરું કર્યા વગર જ કોન્ટ્રાક્ટરે કામ બંધ કરી દીધું છે.
*રસ્તાની દુર્દશા: રસ્તા પર ઠેર-ઠેર ખાડા અને માટીના ઢગલાઓને કારણે વાહનચાલકોને પસાર થવું મુશ્કેલ બન્યું છે.
*રોજિંદા અકસ્માત: સાંકડા રસ્તા પર ટ્રાફિક જામ અને નાની-મોટી ટક્કર હવે નિત્યક્રમ બની ગઈ છે.