ભરૂચ(Bharuch): અંકલેશ્વરમાં (Ankleshwar) પડેલા મુશળધાર વરસાદના (Rain) કારણે અંકલેશ્વર તાલુકાના પીલુદરા (Piludra) ગામમાંથી પસાર થતી વનખાડીના પાણીના પ્રવાહથી છેલ્લા 2 દિવસથી માર્ગો બંધ થઇ જવા પામ્યા છે. જેના કારણે વનખાડીનું પાણી નાના પુલ પરથી પસાર થઇ રહ્યું છે. ત્યારે આજે ગુરુવારે પીલુદરા ગામના રહીશ અને અન્ય સભ્યો ટ્રેકટર લઇ નાના પુલ પરથી ગામમાં આવી રહ્યા હતા. તે સમયે વન ખાડીના પાણીના ધસમસતા પ્રવાહમાં ટ્રેકટર ખેંચાઈ જવા પામ્યું હતું. જેનો લાઈવ વીડિયો હવે સામે આવ્યો છે. ટ્રેક્ટરમાં સવાર 5 વ્યક્તિઓ પણ ટ્રેક્ટર સાથે તણાવા લાગ્યા હતા. જોકે નજીકમાં રહેલા ગ્રામજનોએ તાત્કાલિક દોડી આવીને પાણી પ્રવાહમાં ખેંચાઈ રહેલા ૫ વ્યક્તિ પૈકી 4 વ્યક્તિને બચાવી લીધાં હતાં. NDRF તરવૈયાની ટીમે લાંબી કસરત બાદ ડૂબેલો ગીરીશભાઈ દિપાભાઇ પટેલ (ઉ.વ.૫0)નો અડધો કિલોમીટર દુર મૃતદેહ મળ્યો હતો.
અંકલેશ્વર જીઆઈડીસીના ઉદ્યોગકારોને દક્ષિણ ગુજરાત તરફ વાહનો નહીં મોકલવા સૂચના
છેલ્લા દસ દિવસથી પણ વધુ સમયથી ગુજરાતમાં અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે જેને લઈને તમામ નદીઓ પણ બે કાંઠે વહી રહી છે અને ભયજનક સપાટી પણ ઓળંગે એવી શક્યતા છે એમાં પણ ખાસ કરીને નવસારીથી લઈ વલસાડ સુધી ભારે વરસાદને લઈને હાઇવે પર પણ ટ્રાફિકજામ અને પાણી ભરાવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે જેને ધ્યાનમાં રાખી અંકલેશ્વર જીઆઇડીસીની પ્રાદેશિક કચેરી દ્વારા તમામ ઔદ્યોગ એકમોને નિર્દેશ આપવામાં આવ્યા છે જેમાં જણાવવામાં આવ્યું છે કે ભારે વાહનો દક્ષિણ ગુજરાત તરફ હાલમાં મોકલવામાં નહીં આવે. કારણ કે મોટા અને ભારે વાહનો મોકલવાથી હાલની પરિસ્થિતિ જોતા કોઈ હોનારત સર્જાય એવી સંભાવના ઊભી થઈ છે. જીઆઇડીસીની પ્રાદેશિક કચેરી દ્વારા અંકલેશ્વરના તમામ ઉદ્યોગોને પણ આ સંદેશ પહોંચતો કરવામાં આવ્યો છે. ઉદ્યોગો હવે પોતાના ઉત્પાદન શી રીતે મોકલશે એક મોટો પ્રશ્ન ઉદભવવા પામ્યો છે.
ગુજરાતમાં પૂરમાં 83 લોકોના મોત થયા, મૃતકો માટે 4 લાખ સહાયની જાહેરાત
છેલ્લાં 10 દિવસથી ગુજરાતમાં મેઘરાજાએ તાંડવ મચાવ્યો છે. અમદાવાદ, રાજકોટ, સૌરાષ્ટ્ર, વડોદરા, છોટા ઉદેપુર, દક્ષિણ ગુજરાત સહિત આખાય ગુજરાતમાં દસ દિવસથી ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે, જેના લીધે ઠેરઠેર પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. ગામડાંઓ અને શહેરોમાં નદી, તળાવના પાણી ભરાઈ ગયા છે. પૂરની આવી ભયાવહ સ્થિતિમાં ગુજરાતમાં ચાલુ સિઝનમાં અત્યાર સુધીમાં 83 લોકોના મોત થયા છે, તેમાંથી વીતેલા 24 કલાકમાં 14 લોકોના મોત થયા છે. નોંધનીય છે કે ગુજરાત સરકાર દ્વારા પૂરમાં મૃત્યુ પામનારાઓને 4 લાખની સહાયની જાહેરાત કરી છે.