Madhya Gujarat

આણંદમાં કોરોના કાળમાં બાળકોમાં હિંસક વૃત્તિમાં વધારો થયો

આણંદ : આણંદ જિલ્લામાં કોરોનાકાળ દરમિયાન છેલ્લા બે વર્ષથી બાળકો ઘરબેઠા જ ભણતર લઈ રહ્યાં છે. જેના કારણે બાળકોમાં મોબાઇલનો વપરાશ વધ્યો છે. જેના પગલે બાળકોને મોબાઈલની લત લાગી ગઈ છે, બીજી બીજુ કોરોનામાં કામ ન મળતા બાળમજુરી પણ વધી છે. જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી બાળમજુરીના કેસ સામે આવી રહ્યા છે. આ સ્થિતિમાં બાળકોની માનસિક સ્થિતીને અસર થતાં તેઓ આક્રમક બની ગયાં છે.

આણંદ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં બાળકોમાં હીંસક વૃતિ, માતા – પિતાને સામો જવાબ આપવો, મોબાઇલનો વધુ વપરાશ, બાળ મજુરી જેવા કેસમાં 60થી 70 ટકા જેટલો વધારો જોવા મળ્યો છે. ઘરે બેઠા ઓનલાઈન શિક્ષણના કારણે બાળકો મોબાઈલનો ઉપયોગ વધુ સમય સુધી કરી રહ્યાં છે. જેના કારણે તેમને ઓનલાઈન ગેમ્સ રમવાની લત પણ લાગી છે. આ અંગે રેલવે ચાઈલ્ડ હેલ્પ લાઈનના અંકિતાબેન રોઝે જણાવ્યું હતું કે, ઓનલાઈન શિક્ષણના કારણે માતા – પિતાને મને કમને પણ બાળકોને આખો દિવસ મોબાઇલ આપવો પડે છે.

આ ઉપરાંત માતા-પિતાની બેદરકારીના કારણે પણ બાળકો ભણતરની જગ્યાએ ઓનલાઈન ગેમ્સ અને સોશ્યલ મિડીયા પર વધુ સમય વિતાવા વાગ્યા છે. જેના કારણે બાળકોને મોબાઈલ વાપરતા રોકતા આક્રમક બની ગયાં છે. આ ઉપરાંત માતા-પિતાને જવાબ આપવો જેવા કેસ જોવા મળી રહ્યાં છે. આથી ચાઇલ્ડ હેલ્પ લાઇન દ્વારા આવા બાળકોનું કાઉન્સેલીંગ કરવામાં આવી રહ્યું છે. જ્યારે બીજી તરફ કામ ન હોવાથી ગરીબ બાળકોમાં બાળ મજુરીના કેસ સામે આવી રહ્યા છે. આ ઉપરાંત બીજા રાજ્યમાંથી બાળકોને બાળમજુરી માટે ગુજરાતમાં લાવવાના કેસ પણ જોવા મળે છે. જેમાંથી ઘણાખરા બાળકોનું શોષણ કરવામાં આવતું હોય છે.

અનેક બાળકો શાળા જવા માગતા નથી

ચાઇલ્ડ હેલ્પ લાઇનના અંકિતા રોઝે જણાવ્યું હતું કે, શાળા ખુલ્યા બાદ પણ વધારે પડતા બાળકો શાળા જતા નથી. શાળામાં 50 ટકા હાજરી હોવાથી રજા છે, તેવું બહાનું બનાવતા હોય છે. આથી રેલવે ચાઈલ્ડ હેલ્પ દ્વારા ઘરે ઘરે જઈને બાળકો તથા માતાપિતાને સમજાવીને બાળકોને શાળાએ મોકલતા કર્યા છે. કોરોના કાળમાં સગીરવયની બાળકીના શોષણના કેસ પણ વધ્યા છે. 10 થી 18 વર્ષની સગીરાનું શોષણ, દૂષ્કર્મ, મારઝુડ જેવા કેસમાં કોરોનાકાળ દરમિયાન 50 ટકા જેટલો જંગી વધારો જોવા મળ્યો છે. જેમાંથી વધારે પડતા કેસમાં અપરાધી ઘરના જ માણસો હોય છે.

Most Popular

To Top