Business

સમુદ્રના કાંઠે વસેલું ઉમરગામ તાલુકાનું મરોલી ગામ: અહીં કાલભૈરવ મંદિરે પ્રસાદમાં મદિરા ચડાવવાની પરંપરા

સમુદ્રના કાંઠે વસેલું ઉમરગામ તાલુકાનું મરોલી ગામ રાજકીય સૂઝબૂઝના કારણે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. દસ હજારથી વધુ વસતી ધરાવતા આ ગામમાં માછી માંગેલા, બારી બારિયા, માહ્યાવંશી, હળપતિ, બ્રાહ્મણ, કોળી પટેલ, મુસ્લિમ વગેરેની વસતી આવેલી છે. સૌથી વધારે વસતી માહ્યાવંશી માછી માંગેલા સમાજની છે. ગામમાં ફળિયાંની જ વાત કરીએ તો માછીવાડ, માંગેલવાડ, માહ્યાવંશી ફળિયું, બારિયાવાડ, કુંભારવાડી, તળાવ ફળિયું, ડુંગરી ફળિયું, જલારામ શુક્લા, નરસિંહ ફળિયું, દાંડી મિશન, નવીનગરી વગેરે ફળિયાં આવેલાં છે. મરોલી ગામ વિસ્તારની દૃષ્ટિએ ખૂબ મોટું ગામ હતું.

જેમાં ધોડીપાડા અને કોળીવાડ છૂટું પાડીને અલગ ગામ પંચાયત અસ્તિત્વમાં આવી છે. આજે પણ મરોલીમાં જ આ બંને ગામનો રેવન્યુ દફ્તરે સમાવેશ કરવામાં આવ્યો છે. ગામમાં પ્રાથમિક શાળાઓ, માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પેટા આરોગ્ય કેન્દ્ર, ખેડૂત સહકારી મંડળી, દૂધમંડળી, નીરા મંડળી આવેલી છે. કૂવા-બોરની સાથે ગામમાં નળથી પીવાના પાણીની વ્યવસ્થા લોકોનાં ઘર સુધી કરવામાં આવી છે. અનેક મંદિરો, ચર્ચ, મસ્જિદ વગેરે પણ આવેલાં છે. મુખ્ય બજાર વિસ્તારમાં મહાત્મા ગાંધીજીની પ્રતિમા પણ મૂકવામાં આવી છે.

સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા પણ ગામમાં જોવા મળે છે. મહત્ત્વના પોઈન્ટ ઉપર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. તથા તાલુકામાં સૌથી વધારે પ્રોટેક્શન વોલ દરિયાઈ ધોવાણ અટકાવવા અહીં બનાવવામાં આવી છે. વસતીની દૃષ્ટિએ સૌથી મોટું ગામ હોવા છતાં પંચાયતની સ્વભંડોળની આવક ખૂબ ઓછી હોવાના કારણે ગામમાં વિકાસનાં કામો કરવા પંચાયતને ખૂબ જ મુશ્કેલીઓ પડે છે. જો કે, જિલ્લા-તાલુકા પંચાયત, રાજ્ય અને કેન્દ્ર સરકાર તથા ધારાસભ્યના ફંડમાંથી વિકાસનાં ઘણાં કામો થયાં છે. અહીં હરવા-ફરવા માટે દાંડી બીચ ખૂબ જ જાણીતો છે.

ગામની વસતી અને મતદાર

 • કુલ વસતી અંદાજે —-દસ હજાર
 • કુલ મતદાર અંદાજે—–૬૫૦૦
 • કુલ વોર્ડ-૧૨

પંચાયતના સરપંચ તેમજ સભ્યોની નામાવલી

 • સરપંચ : લત્તાબેન ગજાનંદ મરોલીકર
 • ઉપસરપંચ – સંધ્યાબેન સુશીલભાઈ ટંડેલ
 • પંચાયતના સભ્યો
 • રાજેશભાઈ વિશ્વનાથ કેણી
 • નીરૂબેન તુકારામ માંગેલા
 • શીતલબેન રાજેન્દ્રભાઈ માછી
 • વિનોદભાઈ ઈશ્વરભાઇ
 • કરુણાબેન ઠાકોરભાઈ
 • નીલિમાબેન યોગેશભાઈ બારી
 • મયૂરકુમાર રમણભાઈ બારિયા
 • વેસ્તાભાઇ બાબરભાઈ બારિયા
 • વિમલકુમાર ઈશ્વરભાઇ બારિયા
 • પ્રિયંકાબેન જિતેન્દ્રભાઈ રાઠોડ
 • ઉમેશભાઈ વસંતભાઈ કાઠેકર
 • તલાટી કમ મંત્રી રંજીતભાઈ પટેલ
 • રેવન્યુ તલાટી હિતેશભાઈ વાઘમશી
 • જિલ્લા પંચાયતના સભ્ય – જિગ્નેશભાઈ મરોલીકર
 • તાલુકા પંચાયતના સભ્ય – નવીનભાઈ પટેલ

મરોલી ગ્રામ પંચાયતમાં સેવા આપનાર સરપંચોની નામાવલી

(૧) ઈશ્વરભાઇ એમ.પટેલ વર્ષ ૧૯૬૨થી ૧૯૬૭
(૨) વિઠ્ઠલભાઈ વી. બારી વર્ષ ૧૯૬૭થી ૧૯૭૨
(૩) પ્રભુભાઈ સી. બારી વર્ષ ૧૯૭૪થી ૧૯૭૮
(૪) ભગવાનદાસ પાંચાલ વર્ષ ૦૨/૦૧/૧૯૭૮થી ૦૬/૦૩/૧૯૭૮
(૫) પ્રેમાભાઈ બી. કોળી વર્ષ ૧૯૭૮થી ૧૯૭૯
(૬) ઈશ્વરભાઈ એમ પટેલ વર્ષ ૧૯૭૯થી ૧૯૮૩
(૭) મનુભાઈ પટેલ વર્ષ ૧૯૮૩થી ૧૯૮૮
(૮) નટવરલાલ બારી વર્ષ ૧૯૮૮થી ૧૯૯૩
(૯) એમ ડી. વણઝારા વહીવટીદાર વર્ષ ૧૯૯૩થી ૧૯૯૫
(૧૦) નારાયણ કેણી વર્ષ ૧૯૯૫થી ૨૦૦૨
(૧૧) સુરેશભાઈ રાઠોડ વહીવટદાર વર્ષ ૧૫/૦૨/૨૦૦૨થી ૨૧/૦૭/૨૦૦૨
(૧૨) મનીષાબેન માછી વર્ષ ૨૦૦૨થી ૨૦૦૭
(૧૩) મગનભાઈ કોળી વર્ષ ૨૦૦૭થી ૨૦૦૯
(૧૪) રાજેશભાઈ કેણી વર્ષ ૨૦૦૯થી ૨૦૧૨
(૧૫) રાજેશભાઈ કેણી વર્ષ ૨૦૧૨થી ૨૦૧૭
(૧૬) લતાબેન મરોલીકર વર્ષ ૨૦૧૭થી કાર્યરત

ગામનો ભૌગોલિક વિસ્તાર

 • હેક્ટર ૧૦૭૨ આરે ૪૬ ચોરસ મીટર ૯૧
 • ગોચર જમીન હેક્ટર ૩૦ આરે ૧૫ ચોરસ મીટર ૩૫
 • ખેતીલાયક જમીન : હેક્ટર ૫૧૨ આરે ૮૬ ચોરસ મીટર ૭૧
 • કુલ પાક હેઠળનો વિસ્તાર : હેક્ટર ૫૭૬ આરે ૭૩  ચોરસ મીટર ૮૧
 • ખેડૂતોની સંખ્યા : ૨૦૮
 • સિંચાઈનો સ્ત્રોત : કેનાલ કૂવા ટ્યૂબવેલ

ગામમાં આવેલી સરકારી ખાનગી શાળાઓ :

આદર્શ બુનિયાદી શાળા મરોલી, પ્રાથમિક શાળા કોળીવાડ, પ્રાથમિક શાળા દાંડીપાડા, મરોલી પ્રાથમિક શાળા દાંતીવાડા,(તમામ સરકારી), ધ વેસ્લેયન ઇંગ્લિશ મિડિયમ ખાનગી (નોન ગ્રાન્ટેડ), જેએનસી હાઇસ્કૂલ (ઉચ્ચતર માધ્યમિક શાળા) ગામમાં આવેલાં ધાર્મિક સ્થળો: શ્રી કાળભૈરવ મંદિર, સાઈબાબા મંદિર, જલારામ મંદિર, રામ મંદિર, કુભેશ્વર મંદિર, હનુમાન મંદિર, માં અંબા માતાનું મંદિર, સ્વાધ્યાય પ્રાર્થના મંદિર, ચર્ચ, મસ્જિદ

ગામમાં આવેલાં તળાવ: આઢા તળાવ, ખાડિયુ તળાવ

 • આરોગ્યની સુવિધા
 • પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-મરોલી
 • પેટા આરોગ્ય કેન્દ્ર-મરોલી
 • સહકારી દૂધમંડળી
 • ખેડૂત સેવા સહકારી મંડળી
 • નીરા મંડળી

મરોલી ખાતે આવેલા દાયકા જૂના કાલભૈરવ મંદિરે પ્રસાદમાં મદિરા ચડાવવાની પરંપરા

ઉમરગામ તાલુકામાં આમ તો ઘણાં બધાં મંદિરો આવેલાં છે, જેમાં કલગામ ખાતે આવેલ સ્વયંભૂ હનુમાન મંદિર અને મરોલી ખાતે આવેલું વર્ષોપુરાણું શ્રી કાળભૈરવ મંદિર ઉમરગામ તાલુકામાં, જિલ્લામાં અને સંઘપ્રદેશ દમણ દાદરા નગર હવેલીમાં ખૂબ જ જાણીતું છે. અહીં દર્શન કરવા સેંકડોની સંખ્યામાં ભક્તો આવતા હોય છે. ખાજણ વિસ્તારમાં આવેલા કાળભૈરવ મંદિરે જવા માટે પહેલા રસ્તો ન હતો. લોકોએ કાચા રસ્તા ઉપરથી કાદવ-કીચડમાંથી પસાર થવું પડતું હતું.

ધારાસભ્ય રમણભાઈ પાટકરના પ્રયાસથી મંદિર સુધી પાકો રસ્તો બનાવવામાં આવ્યો છે. જો કે, રસ્તો આજે પણ ઘણો સાંકડો જોવા મળે છે. બે વાહન પસાર થતાં ઘણી જ મુશ્કેલીઓ આવે છે. રસ્તો પહોળો કરવાની ખૂબ જ જરૂર છે. ભક્તોને કાળ ભૈરવ ભગવાન ઉપર અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ છે. લોકો પૂજા કરે છે, માનતાઓ રાખે છે અને પોતાની મનોકામના પૂર્ણ થતાં બાધા ચડાવે છે. આ મંદિરમાં પ્રસાદમાં નાળિયેર અને ફ્રૂટની સાથે સાથે મદિરા પણ ચડાવવાની પરંપરા છે. કાલભૈરવ ભગવાન ગામની રક્ષા કરે છે. ગામ દેવતા તરીકે ક્ષેત્રપાલને રોજૈયા બાપાના નામથી પણ લોકો ઓળખે છે.

દરિયાકિનારે ગામ આવેલું હોવાથી પીવાના પાણીની સમસ્યા: ચાલીસ ગામ પાણી પુરવઠા યોજનાનું પાણી ગામમાં આવતું નથી

મરોલી ગામ દરિયા કાંઠે આવેલું ગામ છે. આમ તો પીવાના પાણીની ટાંકી નળ દ્વારા મોટા ભાગના વિસ્તારમાં પીવાનું પાણી ઘર સુધી પહોંચાડવામાં આવે છે. બોરના પાણી મોટા ભાગે ખારાશવાળા છે. ઉનાળામાં લોકોએ પાણીની સમસ્યાનો સામનો કરવો પડે છે. બાકીની સિઝનમાં પાણી માટે કોઈ ખાસ તકલીફ પડતી નથી. ચાલીસ ગામ પાણી પુરવઠા યોજના અંતર્ગત આ ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે. કરોડ રૂપિયાનો ખર્ચ પીવાના પાણી પાછળ સરકાર દ્વારા આ યોજનામાં કરવામાં આવ્યો છે. મરોલીમાં પણ ઘણી જગ્યાએ પીવાના પાણીની ટાંકી ઊભી કરવામાં આવી છે. પાઇપલાઇનો બિછાવવામાં આવી છે. તેમ છતાં ગામમાં ચાલીસ ગામ પાણી પુરવઠા યોજનાનું પાણી આવતું નથી.

મીઠાનાં અગરો પણ આવેલાં છે

દરિયાકિનારે અને ખાજણવાળો વિસ્તાર હોવાથી મીઠાનાં અગરો ગામમાં આવેલાં છે. ઉમરગામ તાલુકાના મરોલી ગામમાં સૌથી વધારે અગરોમાં નમકની ખેતી મોટા પ્રમાણમાં થાય છે. ચોમાસા બાદ આ ખેતીની શરૂઆત કરવામાં આવે છે. ઉમરગામ તાલુકામાં આમ તો ઉમરગામ-નારગોલ ખાજણવાળા વિસ્તારમાં મોટા પ્રમાણમાં નમકની ખેતી થતી હતી. જો કે, આ પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે.

મરોલી ગામ ભાજપનો ગઢ

એક સમયે કોંગ્રેસનો ગઢ ગણાતા આ ગામમાં હવે ભાજપ મજબૂત સ્થિતિમાં છે. જિલ્લા તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતના ચુંટાયેલા મોટા ભાગના જનપ્રતિનિધિઓ ભાજપના છે. પૂર્વ મંત્રી અને તાલુકાના ધારાસભ્ય રમણભાઈ પાટકરના નિવાસ સ્થાન ધોડીપાડાને અડીને આ ગામ આવેલું છે. જેથી વિકાસનાં કામો કરવા તરફ વિશેષ ધ્યાન આપવામાં આવે છે.

 ગ્રામ પંચાયતની સ્વભંડોળની આવક માત્ર ત્રણ લાખ રૂપિયા : વિકાસનાં કામો કરવા અન્ય ગ્રાન્ટ પર આધાર રાખવો પડે છે

વસતીની દૃષ્ટિએ મરોલી ગામ ખૂબ મોટું છે. પરંતુ પંચાયતની સ્વભંડોળની આવક અંદાજે માત્ર ત્રણ લાખ રૂપિયા છે. આવક ઓછી હોવાથી પંચાયતનો સ્ટાફનો પગાર કાઢવો પણ મુશ્કેલ બની જાય છે. લાઈટ બિલ અને પીવાના પાણી પાછળ ખર્ચ કરવા પણ પંચાયતે મુશ્કેલી અનુભવવી પડે છે. વિકાસનાં કામો પણ આવક ઓછી હોવાના કારણે જોઈએ એ પ્રમાણમાં થઈ શકતા નથી. જો કે, કેન્દ્ર સરકારની નાણાપંચની ગ્રાન્ટ અંદાજે ૬૦ લાખ રૂપિયા જેટલી મળતી હોવાથી પંચાયત માટે વિકાસનાં કામ કરવા મોટી રાહત થઈ જાય છે. ગામ પંચાયતના સરપંચ, પંચાયતના સભ્યો, જિલ્લા તાલુકા પંચાયતના સભ્યો અને મુખ્યત્વે પૂર્વ મંત્રી અને તાલુકાના ધારાસભ્ય રમણભાઈ પાટકરની રાજકીય સૂઝબૂઝના કારણે સતત પ્રયાસોથી મરોલી ગામ વિકાસની હરણફાળ ભરતું આગળ વધી રહ્યું છે. ફિસ માર્કેટ પણ તાજેતરમાં જ નવું બનાવવામાં આવ્યું છે. દરિયાઈ ધોવાણ અટકાવા પ્રોટેક્શન વોલની વ્યવસ્થા જોવા મળે છે. ગામમાં બેંક, પેટ્રોલ પમ્પ, હોસ્પિટલ, પોસ્ટ ઓફિસ, મેડિકલ સ્ટોર વગેરે આવેલાં છે.

ગામના લોકોનો મુખ્ય વ્યવસાય મચ્છીમારી, ખેતી અને નોકરી છે

ગામના લોકોનો મુખ્ય વ્યવસાય મચ્છીમારી છે. મોટી બોટના માલિકો ઓખા, પોરબંદર, વેરાવળ બંદરે મચ્છીમારી કરવા જાય છે. જ્યારે નાની બોટના માલિકો નજીકના સ્થાનિક દરિયામાં મચ્છીમારીનો વ્યવસાય કરે છે. આંબા, ચીકુ અને ડાંગરની મુખ્ય ખેતી થાય છે અને ડાંગરના પાક માટે વરસાદ ઉપર ખેડૂતો મોટો આધાર રાખે છે. સ્થાનિકો ઉમરગામ, સરીગામ, દમણ જીઆઇડીસીમાં નોકરીએ જતા હોય છે. ગામમાંથી ઘણા લોકો લંડન, દુબઈ, કુવૈત, ઈરાન, મસ્કત વગેરે દેશમાં નોકરીએ જતા હોય છે. વૈશ્વિક મહામારી કોરોના સમયે પણ ગામના અનેક લોકો વિદેશમાં ફસાયા હતા. રાજ્ય અને કેન્દ્ર સરકારની મદદથી વિશેષ પ્લેન દ્વારા તેમને ભારત લાવવામાં આવ્યા હતા.

જે.એન.સી. હાઇસ્કૂલનો ઇતિહાસ

કહેવાય છે કે,પારલે ગ્લુકોઝ બિસ્કિટના માલિક નરોત્તમભાઈ ચૌહાણના સુપુત્ર જિતેન્દ્રભાઈ મુંબઈથી અમદાવાદ કોઈ કામ અર્થે જઈ રહ્યા હતા. દરમિયાન અરબી સમુદ્ર ઉપરથી પસાર થતા હતા ત્યારે ઉમરગામ તાલુકાના મરોલી દરિયાની અંદર તેમના ચાર્ટર પ્લેનમાં ખામી સર્જાતાં ક્રેશ થઈ દરિયાના પાણીમાં પડ્યું હતું. એ દરમિયાન ફિશિંગ માટે ગયેલા સ્થાનિક માછીમારોની નજર ત્યાં પડી હતી. એ સમયે મરોલીના વિશ્વનાથ કેણી અને અન્ય માછીમારોએ દરિયામાંથી જિતેન્દ્રભાઈ ચૌહાણની બોડીને બહાર કાઢવામાં મદદ થયા હતા. સ્વ.જિતેન્દ્રભાઈની યાદમાં એમના પરિવાર દ્વારા મરોલી ગામમાં બાળકોના શિક્ષણ માટે જિતેન્દ્ર નરોતમ ચૌહાણ (જેએનસી સ્કૂલ)ની સ્થાપના વર્ષ-૧૯૬૬માં કરવામાં આવી હતી અને શાળાનું નિર્માણ કાર્ય કરવામાં આવ્યું હતું. અને તેનું ઉદઘાટન ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી બાબુભાઈ જશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આજે આ મરોલી એજ્યુકેશન સોસાયટી સંચાલિત જિતેન્દ્ર નરોત્તમ ચૌહાણ હાઇસ્કૂલના પ્રમુખ તરીકે પૂર્વ મંત્રી અને તાલુકાના ધારાસભ્ય રમણભાઈ પાટકર પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળી રહ્યા છે. આ હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓને ભણવા અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. આજે આ શાળામાં ધોરણ-૯થી ૧૨માં ૩૦૦ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.

રાજ્ય સરકાર વાણિજ્ય બંદર વિકસાવવા માંગે છે, જેનો નારગોલ-મરોલીના લોકો વિરોધ કરી રહ્યા છે

રાજ્ય સરકાર દ્વારા ઉમરગામ તાલુકાના નારગોલ-મરોલી ખાતે સંભવિત વાણિજ્ય બંદર વિકસાવવાનું આયોજન છે. શરૂઆતમાં સરકારે મરોલી બંદર નામ આપ્યું હતું. પછીથી નારગોલ-બંદર નામ આપવામાં આવ્યું હતું. બંદર આવવાથી માછીમારોના વ્યવસાયને મોટી અસર થશે. ખેતીવાડીને પણ નુકસાન થશે. સ્થાનિકોની જમીનો-ઘરો જશે જેવી ચિંતાઓ તેમને સતાવી રહી છે .જેને લઇ છેલ્લા બે દાયકાથી નારગોલ અને મરોલી અને દરિયાકાંઠા વિસ્તારના લોકો વાણિજ્ય બંદરનો વિરોધ કરી રહ્યા છે અને બંદર જોઈતું નથી એવી માંગણી રજૂઆતો કરી રહ્યા છે. 

ઉમરગામ, નારગોલ, મરોલી ફણસા, કાલઈ સુધી દરિયાઈ પટ્ટી વિસ્તારમાં માછીમારો મોટા પ્રમાણમાં ફિશિંગ માટે બહાર જતા હોવાથી અહીં મત્સ્ય બંદર વિકસાવવા તરફ સરકારે ધ્યાન આપવું જોઈએ એવી રજૂઆતો વારંવાર ઊઠી છે. હાલ તો નારગોલ પોર્ટ ગ્રીન ફિલ્ડ પોર્ટ પ્રોજેક્ટ નામ આપવામાં આવ્યું છે. પૂર્વ મંત્રી અને તાલુકાના ધારાસભ્ય રમણભાઈ પાટકર ઘણીવાર એવું કહી ચૂક્યા છે કે, બંદર આવવાથી સ્થાનિકોને નુકસાન થવાનું નથી. બંદર દરિયાની અંદર બનવાનું છે. બંદર આવવાથી ઉમરગામ તાલુકાની કાયાપલટ થશે.

કલગામ, ધોડીપાડા, ફણસા ખાતે સાંસ્કૃતિક વન મારુતિનંદન વનના ખાતમુહૂર્ત પ્રસંગે પધારી ચૂકેલા ગુજરાતના તાત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ નારગોલ પોર્ટ પ્રોજેક્ટને લઈને સ્પષ્ટ શબ્દોમાં ગ્રીન સિગ્નલ આપ્યાં હતાં અને બંદર બનશે એવું જણાવી દીધું હતું અને કોઈના પણ વિરોધ સામે સરકાર ઝૂકશે નહીં અને વિરોધ ચલાવી લેવામાં આવશે નહીં એવા સંકેતો આપી ચૂક્યા છે. આ બંદરને મુદ્દે સ્થાનિકોની કોઈ પણ વ્યાજબી વાત હશે તો જરૂરથી સાંભળવામાં આવશે એવું કહી ચૂક્યા છે. જેથી બંદર મુદ્દે ખાસી ચળવળ શરૂ થયેલી જોવા મળે છે.

 દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે નીરાનું ઉત્પાદન મરોલીમાં થાય છે

શિયાળાની સિઝનમાં સ્વાસ્થ્ય સુધારણા માટે નીરો ખૂબ જ સારું પીણુ ગણાય છે. નીરો પીવાથી અનેક ફાયદા થાય છે. ખજૂરીના ઝાડમાંથી માટલાંમાં નીરો ઉતારવામાં આવે છે. મરોલી અને તેની આજુબાજુનાં ગામમાં મોટા પ્રમાણમાં નીરાનું ઉત્પાદન થાય છે. મરોલી. ધોળીપાડામાં નીરા મંડળી આવેલી છે અને કોલ્ડ સ્ટોરેજ બનાવવામાં આવેલું છે, મરોલીથી દક્ષિણ ગુજરાતમાં મોટા પ્રમાણમાં નીરો મોકલવામાં આવે છે. એટલું જ નહીં અહીં પણ મોટા પ્રમાણમાં નીરાનું વેચાણ કરવામાં આવે છે.

Most Popular

To Top