યુધિષ્ઠિરના ધૃતરાષ્ટ્રને અને સર્વસભાસદોને, એમ બંને સંદેશાઓ કહ્યા પછી હવે ભગવાન શ્રીકૃષ્ણ પુનઃ પોતાનું વક્તવ્ય શરૂ કરે છે. હવે, ભગવાન શ્રીકૃષ્ણ કૌરવો દ્વારા પાંડેવોને આજ સુધી થયેલા અન્યાયનું કથન કરે છે. સાથે સાથે ભગવાન ધૃતરાષ્ટ્રને સમજાવે છે કે પાંડવોને તેમનું રાજ્ય સોંપી દેવામાં જ સૌનું કલ્યાણ છે અને એ જ ધર્મ છે. (શ્લોક-51થી શ્લોક-61)
ભગવાન શ્રીકૃષ્ણ પાંડવોને થયેલા અન્યાયની યાદી આપતા કહે છે. •
લાક્ષાગૃહમાં સળગાવવાનો પ્રયત્ન, કપટદ્યુત દ્વારા રાજ્યહરણ અને પાંડવોને વનવાસ, દ્રૌપદીનાં વસ્ત્રોનાં હરણનો હીન પ્રયત્ન – આવા અનેક અન્યાય છતાં યુધિષ્ઠિરે ધર્મનો, સત્યનો ત્યાગ કર્યો નથી.
ભગવાન કહે છે
क्षत्रधर्मादमेयात्मा ना कम्पत युधिष्ठिरः ।
अहं तु तव तेषां च श्रेय इच्छामि भारत ।।
મહાભારત, ઉ.પ : 15-60
“આ બધું છતાં મહામના યુધિષ્ઠિર પોતાના ક્ષત્રિયધર્મથી વિચલિત થયા નથી. હું તો તમારું અને પાંડવોનું કલ્યાણ ઇચ્છું છું.
धर्मादर्थात् सुरवाश्वैव मा राजन् नीनश: प्रजाः ।
अनर्थमर्थं मेन्वानोऽप्यर्थं चानर्थमात्मनः ।।
મહાભારત, ઉ.પ. : 16-61
“હે ભારત ! સમસ્ત પ્રજાને ધર્મ, અર્થ અને સુખથી વંચિત ન કરો. હે રાજન! આ સમયે આપ અનર્થને અર્થ અને અર્થને અનર્થ માની રહ્યા છો.”
હવે ભગવાન અંતિમ વાત કહે છે.
(શ્લોક-62)
लोभेऽतिप्रसृतान् पुत्रान् निगृण्हीष्व विशम्पते ।
स्थिति शुश्रूषितुं पार्थाः स्थित योद्ध मरिंदमाः ।।
यत् ते यथ्यतमं राजंस्तस्मिंस्तिष्ठ परंतप ।।
મહાભારત, ઉ.પ : 15-62
હે પ્રજાનાથ ! તમારા પુત્રો લોભમાં અત્યંત આસક્ત બની ગયા છે. તેમને કાબૂમાં રાખો. રાજન્! શત્રુઓનું દમન કરનાર કુંતીના પુત્રો આપની સેવા માટે પણ તત્પર છે અને યુદ્ધ માટે પણ તૈયાર છે. હે પરંતપ! આપને આપના માટે જે વિશેષ હિતકર લાગે છે તેનું અવલંબન કરો.”
ભગવાન શ્રીકૃષ્ણ આ અંતિમ શ્લોકમાં મહારાજને પોતાના પુત્રોને નિયંત્રણમાં રાખવાનું અને તદનુસાર પાંડવોને તેમનું રાજ્ય પાછું આપવાનું કહે છે.
અને અંતમાં ભગવાન કહે છે
‘‘પાંડવો આપની સેવા માટે પણ તૈયાર છે અને યુદ્ધ માટે પણ તૈયાર છે. વિકલ્પ આપ જ પસંદ કરી લો.” – અહીં ભગવાન અંતમાં “પાંડવો યુદ્ધ માટે પણ તૈયાર છે,’’ એમ કહીને સૂચવે છે કે પાંડવો પોતાનો ભાગ માગે છે, ભિક્ષા નહીં અને ભગવાન એમ પણ સૂચવે છે કે પાંડવો શાંતિ ઇચ્છે છે પરંતુ પાંડવોની શાંતિપ્રિયતા વીરની શાંતિપ્રિયતા છે, નિર્માલ્ય કે કાયરની શાંતિપ્રિયતા નહીં જ !
અંતમાં ભગવાન ધૃતરાષ્ટ્રને બેમાંથી એક વિકલ્પ પસંદ કરી લેવાનું કહે છે – યુદ્ધ અથવા શાંતિ!
ભગવાન શ્રીકૃષ્ણનું વક્તવ્ય પરિપૂર્ણ થયું. સમાપન કરતાં વૈશંપાયન કહે છે –
तद् वाक्यं पार्थिवः सर्वे हृदयैः समपूजयन् ।
न तत्र कश्चिद् वक्तं हि वाचं प्राकामदग्रतः ।।
મહાભારત, ઉ.પ : 15-63
“હે જન્મેજય ! ભગવાન શ્રીકૃષ્ણના આ વક્તવ્યનો સમસ્ત રાજાઓએ હૃદયથી આદર કર્યો. ત્યાં કોઈ ભગવાનના વક્તવ્યના ઉત્તરમાં કાંઈ પણ કહેવા માટે અગ્રેસર બની શક્યા નહીં.
હવે, આપણે અહીં ભગવાનના વક્તવ્યનું પુનઃ એક વાર વિહંગાવલોકન કરી લઈએ.
૧. ભગવાનના આગમનનો હેતુ – શાંતિ (શ્લોક-3)
૨.કુરુવંશની મહાનતાનું કથન (શ્લોક 4 થી 7)
3.ધૃતરાષ્ટ્રના પુત્રોના અનુચિત વ્યવહારનું કથન (શ્લોક 8 થી 10)
4.યુદ્ધની આપત્તિ અને તેને ટાળવામાં સૌનું કલ્યાણ છે (શ્લોક-11 થી 16)
૫. સંધિ અને શાંતિ દ્વારા ધૃતરાષ્ટ્રની મહત્તા વધશે (શ્લોક17 થી 27)
યુદ્ધના દુષ્પરિણામો (શ્લોક-28 થી 33)
૭. મહાસંહાર ટાળવા માટે આગ્રહ (શ્લોક-34 થી 36)
૮. ધૃતરાષ્ટ્ર પાંડવો પ્રત્યે પૂર્વવત સ્નેહ રાખે, તેવી સમજાવટ (શ્લોક-37 થી 39)
૯, ધૃતરાષ્ટ્રને યુધિષ્ઠિરનો સંદેશ (શ્લોક-40 થી 46)
૧૦. સભાસદોને યુધિષ્ઠિરનો સંદેશ (શ્લોક-47 થી 50)
૧૧. પાંડવોને થયેલા અન્યાયનું કથન અને રાજ્ય સોંપી દેવામાં જ સૌનું કલ્યાણ | (શ્લોક-51 થી 61).
૧૨. પાંડવો શાંતિ ઇચ્છે છે અને યુદ્ધ માટે પણ તૈયાર છે. વિકલ્પ પસંદ કરી લો – શાંતિ કે યુદ્ધ !
ભગવાને 60 શ્લોકના પોતાના વક્તવ્યમાં આ 12 મુદ્દાની વિશદ અને ગહન છણાવટ કરી છે.
આ વક્તવ્ય દ્વારા પ્રધાનતઃ પાંડવોની ઉચિત માગણી સ્વીકારીને શાંતિની પ્રતિષ્ઠા કરવા માટે મહારાજ ધૃતરાષ્ટ્ર અને સર્વ સભાસદો સમજાવે છે. ભગવાન શ્રીકૃષ્ણ શાંતિના દૂત છે, યુદ્ધના નહીં. આમ છતાં યુદ્ધ આવી જ પડે તો યુદ્ધ માટે પણ તૈયાર છે, અલબત્ત, હથિયાર હાથમાં ધારણ કર્યા વિના જ ! અહીં આ વક્તવ્યમાં ભગવાન શ્રીકૃષ્ણના ભવ્ય વ્યક્તિત્વના અનેક પાસાંઓ વ્યક્ત થાય છે. ભગવાન શાંતિપ્રિય છે; ભગવાન સમર્થ વિષ્ટિકાર છે; ભગવાન ચતુર સુજાન છે; ભગવાન સમર્થ વક્તા છે; ભવાન સુજ્ઞ રાજપુરુષ છે; ભગવાન માનસવેત્તા છે; માનવમનની ગતિવિધિઓના જ્ઞાતા છે; અને સૌથી વધુ અને સૌથી છેલ્લે – ભગવાન ભગવાન છે !