આણંદ : વિદ્યાનગર નગરપાલિકા દ્વારા સરકારના પરિપત્રના ધજાગરા ઉડાડી બારોબાર ચાર જેટલા નિવૃત્ત કર્મચારીને નિયુક્ત કરતાં ભારે વિરોધ થયો છે. આ અંગે કોંગ્રેસે આવેદનપત્ર આપીને તાત્કાલિક આ કર્મચારીને છુટા કરવા માગણી કરી હતી. જો કર્મચારીને છુટા નહીં કરવામાં આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. વિદ્યાનગર કોંગ્રેસે આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, વલ્લભ વિદ્યાનગર પાલિકાના નિવૃત્ત કર્મચારીઓને પુનઃ નિયુક્તિ કરવામાં આવ્યાં છે.
જે કાનૂની રાહે ગેરકાયદેસર અને નિયમોથી વિરૂદ્ધ છે. આથી, તેમને તાત્કાલિક અસરથી દુર કરવા જોઈએ. સરકારના પરિપત્ર મુજબ નિવૃત્ત કર્મચારીઓને પુનઃ નિયુક્ત કરવાના થાય તો રાજ્ય સરકારની જે તે વિભાગની પૂર્વ મંજુરી લેવી પડે અન્યથા આવી નિયુક્તિ કરી શકાય નહીં. આથી, પાલિકાના ચીફ ઓફઇસર, પ્રમુખ કે અન્ય કમિટી સભ્યોને આવી પુનઃ નિયુક્તિ કરવાની કોઇ જોગવાઇ નથી. જેથી કર્મચારીઓને ફરજ મુક્ત કરવા જોઈએ.
જેમાં હસમુખ પટેલ (નિવૃત્ત ઓફિસ સુપ્રિન્ટેન્ડેન્ટ), આઈ.જે. પટેલ (નિવૃત્ત સેનેટરી ઇન્સ્પેક્ટર), અમરીશ પટેલ (નિવૃત્ત ડ્રાઇવર) અને નાસીરમીયાં મલેક (નિવૃત્ત ડ્રાઇવર)નો સમાવેશ થાય છે. આ નિવૃત્ત કર્મચારીઓને પુનઃ નિયુક્ત કરી ગેરકાનુની પ્રવૃત્તિ આચરી છે. જેની કાનૂની કાર્યવાહી કરવી તથા આવા મનસ્વી નિર્ણયથી સરકારની તિજોરીને ભારે આર્થિક નુકશાન થાય છે તથા પ્રજાના ટેક્સના નાણાંનો દુરપયોગ થતો હોવાથી તાત્કાલિક ધોરણે આ કર્મચારીઓને ફરજમુક્ત કરવા તથા જે તે કાનુની પ્રક્રિયા હાથ ધરવી, અન્યથા આવી પ્રવૃત્તિ સામે આંદોલન કરવામાં આવશે. આ રજુઆતમાં વિદ્યાનગર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ફકીરભાઈ મકવાણા , આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિના મીડિયા સેલના પ્રમુખ વિરેન્દ્રસિંહ ચાવડા , વિદ્યાનગર મહિલા સેલના પ્રમુખ જલ્પાબેન શર્મા, નરસિંહભાઇ ગોહેલ, વિજય શર્મા હાજર રહ્યાં હતાં.