કામરેજ: નનસાડ ગામે રહેતી સગીરાને સગાઈ કરનાર ઈસમે માર મારી ઝઘડો કરી બીજા સાથે લફરું છે કહી શરીર સંબંધ બાંધી વિડીયો ઉતાર્યો હતો. બાદ સગીરાએ સગાઈ તોડી નાંખતાં સગીરાના નગ્ન ફોટા અને વિડીયો વાયરલ કરી દીધા હતા.
મૂળ ગીર સોમનાથના વતની અને હાલ નનસાડ ગામે આવેલી સોસાયટીમાં રહેતી સગીરાની સગાઈ ભરત કાળુ ગોહિલની સાથે કરી હતી. ગત તા.4-3-22 રોજ નીલમની માસીના દાદા સસરાનું વતનમાં અવસાન થતાં માતા વતનમાં ગયાં હતાં. જેઓ સગીરા અને એની નાની બહેનને મૂકીને ગયાં હતાં. જમાઈ ભરતને જણાવ્યું કે, બંને પુત્રી ઘરે એકલી છે. તમે ઘરે જતાં આવજો. ચાર દિવસ બાદ વતનથી સગીરાની માતા આવતાં જમાઈ ભરત પણ ઘરે જ હતો. ભરત સવારે નાસ્તો કરીને સાસુ આવતાં જતો રહ્યો હતો.
સગીરાની માતા ચાર દિવસ ન હોવાથી ભરતે ઘરે રહી સગીરાને તા.8-3-22ના રોજ રાત્રિના 11 કલાકે તારું કોઈ સાથે લફરું છે તેમ કહી ઝઘડો કરી માર માર્યો હતો. બાદ જબરદસ્તીથી શરીર સંબંધ બાંધી વિડીયો પણ ઉતારી દીધો હતો. આ વાત સગીરાએ માતા તેમજ મામાને કરતાં સગાઈ તોડી નાંખી હતી. સગાઈ તોડી કાઢતાં ભરતે ઉતારેલો વિડીયો સગીરાની માતાને મોકલ્યો હતો. તેમજ સગીરાના ઘરમાં રહેતા સંબંધીને પણ વિડીયો મોકલ્યો હતો. જે બાબતે સગીરાના મામાએ ભરતને સમજાવવાની કોશિશ કરતાં ભરતે આ વિડીયો વાયરલ કરવાનો છું. તમારાથી થાય એ કરી લો તેમ કહેતાં સગીરાની માતાએ કામરેજ પોલીસમથકમાં ભરત સામે ફરિયાદ નોંધાવી હતી.
પ્રેમિકા સાથે લગ્નમાંથી પરત ફરતો યુવક લઘુશંકા કરવા ઊભો રહેતાં જ ઢળી પડ્યો
બારડોલી: બારડોલી તાલુકાના ઓરગામનો યુવક બાજુના સિંગોદ ગામની પ્રેમિકા સાથે મોટરસાઇકલ પર મોરી ગામે લગ્નમાં ગયો હતો. ત્યાંથી પરત ફરતી વખતે સમથાણ ગામની સીમમાં લઘુશંકા માટે મોટરસાઇકલ ઊભી રાખી ખેતરમાં ગયો હતો. ત્યાં અચાનક નીચે પડી ગયા બાદ બેભાન થઈ ગયો હતો. તેને હોસ્પિટલમાં લઈ જવાતાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર બારડોલીના ઓરગામના ભીલ ફળિયામાં રહેતો કૌશિક કિરણ રાઠોડ મંગળવારે ઘરેથી મોટરસાઇકલ લઈને નીકળ્યા બાદ બાજુના સિંગોદ ગામે રહેતી તેની પ્રેમિકા સાથે મોરી ગામે લગ્નપ્રસંગમાં ગયો હતો. સાંજના સમયે લગ્નમાં હાજરી આપી બંને પરત ફરી રહ્યાં હતાં. એ સમયે કૌશિકને લઘુશંકા લગતાં સમથાણ ગામની સીમમાં નહેર પાસે મોટરસાઇકલ ઊભી રાખી હતી અને તે પ્રેમિકાને મોટરસાઇકલ પાસે ઊભી રાખીને ખેતરાડી વિસ્તારમાં લઘુશંકા કરવા ગયો હતો. થોડીવાર રાહ જોયા બાદ પણ તે પરત નહીં ફરતાં પ્રેમિકાએ સ્થળ પર પહોંચીને જોતાં કૌશિક ઊંધો પડેલો હતો અને તેના બંને પગ પાણીની નીકમાં હતા. તેને ઉઠાડવાનો પ્રયત્ન કરતાં તે ન ઊઠતાં ગભરાઈ ગયેલી પ્રેમિકાએ કૌશિકના બનેવી કિશનને ફોન કરી જાણ કરતાં પરિવારજનો સ્થળ પર પહોંચ્યા હતા અને તેને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. હાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.