SURAT

ઉકાઈ ડેમનો રૂંવાટા ઉભા કરી દેનારો વીડિયો, જુઓ આ રીતે છોડાયું લાખો ક્યુસેક પાણી

સુરત (Surat): સુરત શહેરમાં પૂર (Flood) આવે તેવા સંજોગોનું ફરી એકવાર નિર્માણ થયું હતું. ઉપરવાસમાં ભારે વરસાદ (HeavyRain) અને ડેમ ભરવાની તંત્રની લાલચને પગલે ઉકાઈ ડેમમાંથી (UkaiDam) રવિવારની મધરાત્રે 3.50 લાખ ક્યૂસેક પાણી છોડવાની ફરજ પડી હતી, જેના લીધે સુરત શહેર અને જિલ્લામાંથી પસાર થતી તાપી નદી બે કાંઠે વહેતી થઈ હતી. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.

પૂર આવે તેવા સંજોગો બન્યા હતા, પરંતુ ગણપતિ બાપ્પાએ સુરતના ભક્તોની લાજ રાખી અને સુરતના માથેથી મોટી ઘાત ટળી હતી. જોકે, હજુ પણ એટલે કે મંગળવારે તા. 19 સપ્ટેમ્બરના રોજ બપોરે 12 વાગ્યા સુધી ઉકાઈ ડેમમાંથી 92 હજાર ક્યૂસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે. દરમિયાન ઉકાઈ ડેમના દરવાજા ખોલી પાણી કેવી રીતે છોડવામાં આવે છે તેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

ઉકાઈમાંથી આઉટફલો ઘટીને 92 હજાર ક્યૂસેક થયો
સુરત શહેરના માથેથી મોટી ઘાત ટળી છે. કુદરતી રીતે ઉપરવાસમાં વરસાદનું જોર ઓછું થતાં ઉકાઈમાંથી આઉટફલો ઘટ્યો છે. આજે તા. 19 સપ્ટેમ્બર 2023ના રોજ સવારે 10થી 12 કલાક દરમિયાન ઈનફલો અને આઉટફલો બંને ઘટ્યો છે. સવારે 10 કલાકે ઈનફલો 97370 ક્યૂસેક હતો જે 12 વાગ્યે ઘટીને 57283 ક્યૂસેક થયો છે. જ્યારે આઉટફલો 1,49,754 ક્યૂસેકથી ઘટીને 92,744 થયો છે.

આમ આઉટફલો એક લાખ ક્યૂસેકથી પણ ઓછો થઈ જતાં તંત્રએ રાહત અનુભવી છે. બપોરે 12 વાગ્યે ઉકાઈ ડેમની સપાટી 342.54 ફૂટ નોંધાઈ છે. ઉકાઈ ડેમમાંથી પાણીની જાવક ઘટતા સુરતમાં તાપી નદી પર પાણીના સ્તરમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે. વિયર કમ કોઝેવની સપાટી સવારે 8 કલાકે 9.27 મીટર હતી તે બપોરે 12 વાગ્યે ઘટીને 9.19 મીટર થઈ છે.

ઉકાઈ ડેમની સપાટી
Date:- 19/09/2023
Time:- 12:00 Hrs.
Level :- 342.54 ft.
𝗜𝗻𝗳𝗹𝗼𝘄 :- 75283 Cusecs
𝗢𝘂𝘁 𝗙𝗹𝗼𝘄 :- 92744 Cusecs

સુરત શહેરમાં વરસાદી ઝાપટા
સુરત શહેરમાં આજે સવારથી વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે. થોડી થોડી વારે વરસાદી ઝાપટાં પડી રહ્યાં છે. સવારે 8 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીમાં સુરત શહેરમાં 6 મિ.મી. વરસાદ પડ્યો છે. સૌથી વધુ સાઉથ ઈસ્ટ ઝોનમાં 14 મિ.મી. વરસાદ પડ્યો છે.

Most Popular

To Top