SURAT

ગ્રીષ્માની જેમ સુરતમાં વધુ એક યુવતીનું પૂર્વ પ્રેમીએ જાહેરમાં ગળું કાપ્યું

સુરત: ગ્રીષ્મા વેકરીયા હત્યા કાંડને (Grishma Murder) સુરતના (Surat) લોકો હજુ ભૂલ્યા નથી. કેવી રીતે પરિવારની નજર સામે એકતરફી પ્રેમી ફેનિલ ગોયાણીએ ગ્રીષ્માનું ગળું ચીરી નાંખ્યું હતું તે દ્રશ્યો યાદ આવે ત્યારે લખલખું પસાર થઈ જાય છે. પ્રેમના નામે હિંસા આચરનારા આવા વરૂઓ સામે લોકોએ ફિટકાર વરસાવ્યો હતો. સુરતની કોર્ટે ફેનિલને ફાંસી સજા ફટકારી સમાજમાં દાખલો બેસાડ્યો હતો. ભવિષ્યમાં કોઈ આવી હરકત નહીં કરે તે માટે પોલીસે ઝડપી કાર્યવાહી કરી ધાક બેસાડ્યો હતો, પરંતુ તેમ છતાં આવી ઘટનાઓ અટકાવી શકવામાં નિષ્ફળતા મળી છે. સુરતના સચિન વિસ્તારમાં બુધવારે સાંજે ફરી એકતરફી પ્રેમીએ યુવતીના ગળા પર તિક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હોવાની ઘટના બની છે.

  • સચિન એપેરલ પાર્કના ગેટ પાસે બની ઘટના
  • લગ્નની ના પાડતા વિફરેલા પ્રેમીની કરતૂત
  • પોલીસે હુમલાખોર પ્રેમીને પકડ્યો
  • સમયસર સારવાર મળતા યુવતીનો જીવ બચ્યો

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સચિનના એપેરેલ પાર્કની (Sachin Aperel Park) એક ટી-શર્ટી બનાવતી કંપનીમાં વર્ષ 2019માં નોકરી કરતી યુવતીને તેના સહકર્મચારી રામસિંગ ગુલાબસિંગ સાથે મિત્રતા બંધાઈ હતી. આ મિત્રતા પ્રેમમાં બદલાઈ હતી. થોડો સમય વચ્ચે સારા સંબંધો રહ્યા હતા. ત્યાર બાદ રામસિંગે યુવતીના પરિવારજનોને લગ્નનો પ્રસ્તાવ મોકલ્યો હતો, પરંતુ યુવતીના પરિવારજનોને ના પાડી હતી. જેના લીધે રામસિંગ ગુસ્સે ભરાયો હતો. દરમિયાન યુવતીએ નોકરી છોડી દીધી હતી અને રામસીંગનો ફોન નંબર બ્લોક કરી દઈ તેની સાથે સંપર્કો તોડી નાંખ્યા હતા. લગભગ એકાદ વર્ષ સુધી બંને વચ્ચે કોઈ સંપર્ક રહ્યો નહોતો.

દરમિયાન યુવતીએ થોડા સમય પહેલાં ફરી સચિન એપેરલની એક ફેક્ટરીમાં નોકરી શરૂ કરી હતી, જેની જાણ રામસીંગને થઈ હતી. તેથી ગયા શનિવારે તા. 17 ડિસેમ્બરની સાંજે રામસીંગ યુવતીને મળવા પહોંચી ગયો હતો. પરંતુ યુવતીએ તેને મચક આપી નહોતી. રસ્તા પર બંને વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારે લોકો યુવતીને મદદે પહોંચી જતા રામસીંગ ભાગી ગયો હતો. અપમાનિત મહેસૂસ કરતા રામસીંગે બદલો લેવાનો ઈરાદો કરી લીધો હોય તે બુધવારે તા. 21 ડિસેમ્બરની સાંજે ફરી એપેરલ પાર્કની બહાર આવ્યો હતો. સાંજે યુવતી નોકરીએથી છૂટીને એપેરેલ પાર્કના ગેટ પાસે પહોંચી ત્યારે રામસીંગે ત્યાં ધસી જઈ પાછળથી કટર જેવા તિક્ષ્ણ હથિયારથી યુવતીના ગળા પર હુમલો કર્યો હતો. ગળા પર ઘા કરી તે ભાગી છૂટ્યો હતો.

યુવતીને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ઘટનાની જાણ થતા પોલીસ પણ દોડી ગઈ હતી. યુવતીનું નિવેદન લઈ હુમલાખોર પૂર્વ પ્રેમી રામસીંગને થોડા જ કલાકોમાં ઝડપી પાડ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

શંકા કરીને મને મારતો હતો: પીડિત યુવતી
ઈજાગ્રસ્ત યુવતીએ સારવાર દરમિયાન જમાવ્યું કે, ફેક્ટરીમાં કામ કરતી વખતે ફ્રેન્ડશીપ થઈ હતી. તે શંકા કરીને માર મારતો હોય તેથી પરિવારજનોએ લગ્નની ના પાડી હતી. તેના ભયથી નોકરી છોડી દીધી હતી. એક વર્ષ સુધી કોઈ નોકરી કરી નહીં. થોડા દિવસો પહેલાં ફરી નોકરી કરતી થઈ અને તેણે હુમલો કરી દીધો.

Most Popular

To Top