ભરૂચ: શનિવારે સવારે અંકલેશ્વર-ભરૂચ (Ankleshwar Bharuch Road) રોડ પર મહાકાય મગર (Crocodile) દેખાતા લોકો ભારે અચરજ પામ્યા હતા. ભરૂચ અને અંકલેશ્વરને જોડતા રોડ પર ભૂત મામાની ડેરી પાસે ખેતર કિનારે રોડની લગોલગ એક મગર વિચરી રહ્યો હતો. આ મગરને જોઈ વાહનચાલકો અને વટેમાર્ગુઓ અટકી ગયા હતા. એકદમ નજીકથી મગરને જોઈ લોકો અચરજ પામ્યા હતા. લોકોએ મગરનો વીડિયો ઉતાર્યો હતો. દરમિયાન કોઈક પ્રાણીપ્રેમીએ વન વિભાગને આ અંગે જાણ કરી હતી. હજારો લોકોની અવરજવર ધરાવતા ભરૂચ અંકલેશ્વર રોડની લગોલગ એકદમ નજીક મગર દેખાતા વનવિભાગમાં દોડધામ મચી ગઈ હતી. વનવિભાગના અધિકારીઓ, પોલીસ તંત્ર સહિતના જવાબદાર અધિકારીઓ મગર દેખાયો તે સ્થળે દોડી ગયા હતા અને મગરના રેસ્ક્યૂની કામગીરી હાથ ધરી હતી.
- ભૂતમામા ડેરી પાસે રોડની નજીક ખેતરમાં મગર આવી પહોંચ્યો
- નર્મદા નદીમાં આવેલા પૂરના પાણીમાં તણાઈને મગર આવ્યો હોવાનું અનુમાન
- મહાકાય મગરને જોવા વાહનચાલકો રસ્તા વચ્ચે અટકી ગયા, લોકોએ વીડિયો ઉતાર્યો
તાજેતરમાં સરદાર સરોવર ડેમમાંથી (Sardar Sarovar Dam) 5.50 લાખ ક્યૂસેક જેટલું પાણી છોડવામાં આવ્યું હોવાના લીધે નર્મદા નદી (Narmada River) લબાલબ ભરાઈ ગઈ હતી. ભરૂચના નીચાણવાળા વિસ્તારોમાં પૂર (Flood) જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. નર્મદામાં પાણી વધતા મગર તણાઈને માનવ વસ્તીના વિસ્તારોમાં આવી પહોંચ્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
નર્મદાના પાણીના લીધે અંકલેશ્વરના ખેડૂતોને ભારે નુકસાન
નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા અંકલેશ્વર અને ભરૂચના નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. સતત ત્રણથી ચાર દિવસ સુધી પાણી ભરાયેલા રહેવાના લીધે કાંઠાના વિસ્તારોના ખેડૂતોને (Farmers) ખૂબ નુકસાન થયું છે. અંકલેશ્વરના માંડવા, જુના કાસીયા, જુના છાપરા, સામોર સહિતના અનેક ગામોના ખેતરમાં ઢીંચણ સુધી પાણી ભરાયા હતા, જેના લીધે પાકને ખુબ નુકસાન થયું છે. ખેડૂતોનો પરવર, મકાઈ, ચીભડાં, કેળ સહિતનો પાક બગડી ગયો છે. ખેડૂતો ચિંતામાં ગરક થયા છે. સરકાર સરવે કરી નુકસાનીનું વળતર ચૂકવે તેવી માંગ ઉઠી છે.
નર્મદા શાંત પડી પરંતુ સ્થિતિ પર તંત્રની સતત નજર
ભારે વરસાદના લીધે નર્મદા ડેમમાંથી પાણી છોડાતા નર્મદા નદીમાં જળસ્તર વધ્યું હતું. ગોલ્ડન બ્રિજની ભયજનક સપાટી નર્મદાએ વટાવી હતી, જેના લીધે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા તંત્ર દ્વારા 900 જેટલાં લોકોનું વિવિધ વિસ્તારોમાંથી સ્થળાંતર કરવામાં આવ્યું હતું. હવે વરસાદ શાંત પડ્યો છે. ડેમમાંથી પાણી છોડવાની માત્રા ઘટી છે. સ્થિતિ સ્થિર છે છતાં તંત્ર સતત નજર રાખી રહ્યું છે.