ગુજરાત: વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2024 (Vibrant Gujarat Summit 2024) માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) 9 જાન્યુઆરીએ ગુજરાતની (Gujarat) મુલાકાતે આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 9 જાન્યુઆરીએ વાઇબ્રન્ટ ગુજરાત સમિટની 10મી આવૃત્તિનું ઉદ્ઘાટન કરતાં પહેલાં વૈશ્વિક વેપાર શોમાં ભાગ લેશે. આ પછી બીજા દિવસે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ઉદ્ઘાટન કરશે.
આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વભરના ઉદ્યોગપતિઓ અને રોકાણકારોને સંબોધિત કરશે. કોરોનાના કારણે ચાર વર્ષ બાદ વાઈબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. છેલ્લી સમિટ 2019માં યોજાઈ હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે તેઓ મુખ્ય પ્રધાન હતા ત્યારે રોકાણકારોને ગુજરાતમાં લાવવા માટે આ સમિટની કલ્પના કરી હતી અને શરૂ કરી હતી. વિશ્વના 28 દેશો આ સમિટ માટે ભાગીદાર બન્યા છે, જ્યારે 14 સંસ્થાઓ ભાગીદાર બની છે.
એટલું જ નહિ સંયુક્ત અરબ અમીરાત ( UAE ) ના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહ્યાન, મોઝામ્બિકના રાષ્ટ્રપતિ ફિલિપ ન્યૂસી અને રશિયાના એક વરિષ્ઠ મંત્રી વાઇબ્રન્ટ સમિટમાં સામેલ થવા માટે ગુજરાત આવશે. તેમજ કોર્પોરેટ અને બિઝનેસ જગતના એક લાખથી વધુ લોકો અમદાવાદ અને ગાંધીનગરની મુલાકાતે આવશે. જ્યારે રાજ્ય સરકાર દ્વારા સમિટ માટે તૈયારીઓ જોરશોરથી કરવામાં આવી રહી છે.
વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી આવૃત્તિ ઘણી રીતે મહત્વપૂર્ણ છે.આ સમિટમાં રોકાણનો નવો રેકોર્ડ સર્જાય તેવી અપેક્ષા છે. વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં અનેક મોટી જાહેરાતો થવાની શક્યતા છે. મૂડીરોકાણને આકર્ષિત કરવાના સાહસિક નિર્ણયમાં ગુજરાત સરકારે ગિફ્ટ સિટીમાં દારૂબંધી હટાવી લીધી છે. તેની અસર આ સમિટમાં પણ જોવા મળી શકે છે.