Charchapatra

હયાતીની ખરાઈ મે થી જુલાઈને બદલે નવેમ્બર, ડિસેમ્બરમાં કરો

ગુજરાત રાજ્યના પેન્શનરોની હયાતીની ખરાઈ દર વરસે મે થી જુલાઈ દરમ્યાન થતી હોય છે. જ્યારે કેન્દ્ર સરકારના પેન્શનરોની તે કામગીરી નવેમ્બર-ડિસેમ્બરમાં દર વર્ષે થતી હોય છે. આપણો દેશ ગામડાંઓનો બનેલો દેશ છે. વળી હાલ પ્રદૂષણના અજગરી ભરડાને કારણે ગરમી 40 થી વધુ પડતી હોય ત્યારે 10 કિ.મી. દૂર ગામડામાં રહેતો પેન્શનર, સવારે 10 વાગે ખૂલતી બેંકમાં તે કામગીરી કરાવવા પોતાના ઘરેથી સવારે 8 વાગે બસમાં નીકળી, બેંકમાં આવી તે કામગીરી પતાવી 40 થી વધુ ગરમીવાળી બળતી બપોરે 12 વાગ્યાની આસપાસ ઘરભેગો થતો હશે. બરોબર એ જ રીતે શહેરની ડામર પીગળેલી સડકો પરથી રીક્ષા કે અન્ય વાહનોમાં પસાર થઈ બેંકમાં પહોંચી શહેરમાં રહેતો પેન્શનર પણ એ જ સમયે ઘરભેગો થતો હશે. પેન્શનર એટલે જિંદગીના છ દાયકા પાર કરેલ વ્યક્તિ. જેના શરીરમાં નાની મોટી તકલીફો પેદા થવા માંડી હોય છે. જૂન-જુલાઈમાં વરસાદ શરૂ થતાં, ગામડાંના કાચા રસ્તા, પર પાણી પડતાં તે કાદવવાળા બનતાં કાદવ ખૂંદીને આવવું ઔર મુશ્કેલ બનતું હોય છે.

તો શહેરમાં ગટર બરાબર સાફ ન થઈ હોય ત્યાં નાનું તળાવ બની જતું હોય, જે પાર કરવું મુશ્કેલ હોય છે. ગામડાનો પેન્શનર જો નાની ખેતી ધરાવતો હોય તો વરસાદ પછી ખેતીનાં અઢળક કામો શરૂ થઈ જતાં હોય છે. આમ રાજ્યનાં પેન્શનરો માટે હયાતીની ખરાઈ કરવા મે થી જુલાઈનો સમયગાળો ખરેખર પ્રતિકૂળ છે. નવેમ્બર-ડિસેમ્બર જ યોગ્ય છે. કારણ ઠંડી સામે સ્વેટર પહેરી શરીરનું રક્ષણ કરી શકાય. ગુજરાત રાજ્યનાં પેન્શનરોનાં તમામ મંડળોએ સંયુક્તપણે આ સમસ્યાનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરી, તમામ બાબતો સરળ પણ સચોટપણે રજૂ કરતો મુસદ્દો તૈયાર કરી, યોગ્ય સ્થળે એકી અવાજે રજૂઆત કરશે તો જરૂર રાજ્ય સરકારનાં પેન્શનરોની હયાતીની ખરાઈ નવેમ્બર ડિસેમ્બરમાં થતી થઈ જશે.
વ્યારા    – પ્રકાશ સી. શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

ક્યાં છે સ્ત્રી સશક્તિકરણ
હાલમાં મહિલા કુસ્તીબાજો ન્યાયની માંગણી માટે ઘણા સમય થયા આંદોલન ચલાવી રહ્યાં છે. આંતર વેદના સમજવાની જગ્યાએ તેમને ત્યાંથી બળજબરીપૂર્વક ખસેડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે (આ પણ સ્ત્રીઓ જ છે!!) કોઈ પણ સ્ત્રી પોતાની જાતને ઉઘાડી પાડી પોતાની આપવીતી કહેવી પડે અને તે પણ રાષ્ટ્રનું નામ ઉજાગર કરનાર કોઈ સામાન્ય મહિલા નથી. આટલી હદે જાહેરમાં પોતાની જાત પર થયેલ અત્યાચાર જાહેરમાં કહેવા પડે એ કાંઈ સામાન્ય વેદના નથી. બીજી તરફ આરોપી બ્રિજભૂષણસિંહ ભાજપમાં સાંસદ છે. (જો અન્યના હોત તો?!)

જેના પર 38 ફોજદારી કેસ છે જે પૈકી હત્યાનો પણ એક કેસ છે તેમ છતાં આવા સાંસદોને સરકાર સાચવી રહી છે. જ્યારે ચંદ્રકો મેળવ્યા ત્યારે પ્રધાનમંત્રી એમની સાથે હાથ મિલાવી ગર્વ લે છે. સ્ત્રી સશક્તિકરણની બડાઈ મારે છે જ્યારે એ જ સરકાર જઘન્ય કૃત્ય કરનાર સાંસદને સાચવી રહી છે. હવે ઈન્ટરનેશનલ ઓલોમ્પિક કમિટિ અને યુનાઈટેડ રેસલીંગ બંનેએ વિશ્વ લેવલે નોંધ લીધી છે જે ભારતની આંતરરાષ્ટ્રિય સ્તરે છબી બગડી રહી છે. આટલું થવા છતાં પ્રધાનમંત્રી એમની વાત સાંભળવા ને સમજવા બોલાવતા નથી. શું બ્રિજભૂષણના હાથમાં આ જઘન્ય કૃત્યમાં મોટા માથાની કળી પણ છે?
અમરોલી          – બળવંત ટેલર– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top