Charchapatra

રશિયા-યુક્રેન જોરાજોરી

વિશ્વમાં જ્યારે કોઈપણ દેશ શક્તિશાળી બની જાય છે ત્યારે પોતાની જ મનમાની ચલાવે છે. પહેલાં રશિયા પોતાની મનમાની ચલાવતું હતું પછી અમેરિકાએ રશિયાને પછાડી પોતાની મનમાની ચલાવી અને હવે ચીનને લાગી રહ્યું છે કે તે અમેરિકાને પછાડી દેશે. હાલ યુક્રેનના બહાને રશિયા અને અમેરિકા લડી રહ્યાં છે. આ બંને દેશો આપણા દેશને પોતાના તરફ કરવાના પ્રયત્નો કરી રહ્યા છે પરંતુ આપણા દેશે સ્પષ્ટ કહી દીધું કે તમે બંને અમારા મિત્ર છો અને તમારી લડાઈમાં જે પીસાઈ રહેલ છે તે યુક્રેન પણ અમારું મિત્ર છે ત્યારે પ્રથમ યુક્રેનને રાહત મળે તે જરૂરી છે.

લગભગ સવા વર્ષ જેવો લાંબો સમય રશિયા-યુક્રેન યુદ્ધને થયેલ છે છતાં હજી યુદ્ધ બંધ થવાનું નામ લેતું નથી જેનાં મૂળ એક કડવા સત્ય જેવા કારણમાં યુક્રેનને મળતો અમેરિકા-નાટો દેશોના સહયોગ ગણી શકાય. આ દેશો યુક્રેનના ખભે બંદૂક રાખીને રશિયા સામે લડી રહ્યા છે જેની ગંભીર નોંધ હવે વિશ્વના હિતમાં યુક્રેને પણ લઈને યુદ્ધ બંધ કરવા સામેથી ચર્ચાનો રસ્તો અપનાવવાની જરૂર છે કારણ કે જાનમાલનું ગંભીર નુકસાન સવા વર્ષથી સ્વયં સ્વર્ગ સમાન યુક્રેનને એકલાને થઈ રહેલ છે.

તાજેતરમાં મોસ્કો પર થયેલ ડ્રોન એટેક જે અમેરિકાની એક પ્રકારની પ્રોક્સી વોર ગણી શકાય, જે કદાચ ત્રીજા વિશ્વયુદ્ધમાં પરિણમે તો નવાઈ નહીં. હિરોશીમા ખાતેના જી/7 શિખર સંમેલનમાં યુક્રેનના પ્રમુખશ્રી જેલેસ્કી આપણા દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળેલ હતા ત્યારે નરેન્દ્ર મોદીએ જેલેસ્કીને યુધ્ધના ઉકેલના શક્ય તમામ પ્રયાસ કરીશું તેવું જણાવેલ હતું. યુનોએ પણ પોતાની જવાબદારીના ભાગરૂપે અસરકર્તા દેશોનું શિખર સંમેલન સત્વરે બોલાવીને વિશ્વના હિતમાં આ લાંબુ થયેલ યુધ્ધ વિના વિલંબે બંધ કરાવવાની જરૂર છે.

રશિયાના પ્રમુખ પુતિનને આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવેલ હતું કે આ સમય યુદ્ધનો નથી. માટે યુદ્ધ બંધ કરો. આવું કહેવાનું સામર્થ્ય અને હિંમત આપણા દેશમાં અગાઉ ન હતી. આજે નરેન્દ્ર મોદીના પ્રભાવી નેતૃત્વ હેઠળ આપણું ભારત સ્પષ્ટતાથી અને પ્રભાવી ઢંગથી કરી શકે છે જેની નોંધ એ વિશ્વ પણ લેતું થયેલ છે, જે દેશ માટે ગૌરવની ઘટના ગણી શકાય.
અમદાવાદ         – પ્રવીણ રાઠોડ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

હાર્ટ એટેકથી મૃત્યુનું પ્રમાણ નિરંતર વધી રહ્યું છે
હાલમાં જ જામનગરમાં નામાંકિત હૃદયરોગના નિષ્ણાત અને સોળ હજાર હાર્ટ ઓપરેશન કરી ચૂકેલા એવા નિષ્ણાત તબીબી ગૌરવ ગાંધીનું 41 વર્ષની નાની ઉંમરે હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. આ અગાઉ પણ નાની ઉંમરે હાર્ટએટેકથી મૃત્યુ થયેલાની સંખ્યા સતત વધી રહી છે  જે ખૂબ જ ચિંતા અને મંથન કરવાનો વિષય છે. આ માટે મુખ્ય જવાબદાર કારણો તમારી જીવનશૈલી, અનિયમિત ભોજન, કસરતની કમી અને કોલેસ્ટ્રોલ હોમોસિસ્ટીનનું લેવલ વધે તો હાર્ટએટેકની સંભાવના રહેલી છે. તો આ અંગે શારીરિક તંદુરસ્તી અંગે જાગૃત અને સાવચેત રહેવું ખૂબ જ જરૂરી થઈ જાય છે. ટૂંકમાં સંપૂર્ણ જાણકારી એ જ તમારો બચાવ છે!
સુરત     – રાજુ રાવલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top