વડોદરા: ગામડાના લોકો એમ વિચારતા હોય કે જો તેઓનું શહેરમાં મલિનીકરણ થાય તો ગામડાના વિકાસને ચાર ચાંદ લાગી જાય પરંતુ વડોદરાના વેમાલી ગામનું કઈ અલગ છે. વેમાલી ગામ કોર્પોરેશન અંતર્ગત આવ્યું ત્યાર બાદ તેનો વિકાસ અટકી ગયો હોવાનું લોકો અનુભવી રહ્યા છે. વેમાલી ગામના રહીશો પ્રાથમિક સુવિધાઓના અભાવના કારણે ત્રસ્ત થઇ ગયા છે. જેના પગલે આજરોજ બાઈક રેલી કાઢી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
હાલમાં સરકાર એવો દાવો કરી રહી છે કે છેવાળાના ગામ સુધી પણ વિકાસ પહોંચ્યો છે. જ્યાં રોડ રસ્તા જેવી સુવિધાઓ ન હતી ત્યાં પાકા રસ્તાઓ પહોંચ્યા છે જે વાત મહદ અંશે સાચી પણ છે. કેટલાય એવા ગામો છે જેની કાયાપલટ થઇ ગઈ છે. અને આ કાયાપલટ જોઈને કેટલાય ગામોને એમ લાગે કે જો ગામડાઓ પણ શહેરમાં મિલીન થઇ જાય તો તેના વિકાસને ચાર ચાંદ લાગી જાય. વડોદરાના વેમાલી ગામના રહીશો પણ આમ જ વિચારતા હતા જયારે તેઓના કોર્પોરેશનમાં સમાવેશ થયો હતો. પરંતુ હવે તેઓ પ્રાથમિક સુવિધાઓને લઈને વિરોધ પ્રદર્શન કરવું પડે તેવી સ્થિતિમાં મુકાઈ ગયા છે.
ગામમાં પીવાના પાણીની સમસ્યા, ડ્રેનેજ, સ્ટ્રીટ લાઈટ તળાવનું બ્યુટીફીકેશન સહિતના મુદ્દાઓને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે જેના પગલે આજરોજ 110 સોસાયટીના રહીશોએ બાઈક રેલી કાઢી વિરોધ નોંધાવ્યો હતો. બાઈક ઉપર પાણી આપો પાણી આપો ના પોસ્ટર લગાવી રેલી કાઢવામાં આવી હતી અને વિરોધ નોંધાવ્યો હતો. રહીશોએ થાળી વગાડી બહેરા તંત્રના કાન સુધી પોતાની વાત પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. અને જો તેઓની સમસ્યાઓની નિવેડો નહિ આવે તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
કેનાલમાંથી હજારો લીટર પીવાલાયક પાણી નદીમાં વહી જાય છે
વેમાલી ગામ પાસે કેનાલમાંથી પીવા લાયક હજારો લીટર પાણી વિશ્વામિત્રી નદીમાં વહી જાય છે તો તેનો સદુપયોગ કરી પાઇપ લાઇન દ્વારા ઠાલવી રીયુઝ કરવામાં આવે તો બુસ્ટર પંપ હાઉસ અને અંડર ગ્રાઉન્ડ ટાંકી બનાવીને આખા વેમાલી વિસ્તારને ઓછા ખર્ચે વધુ પાણી પૂરું પાડી શકાય તેમ છે નર્મદા કેનાલ પાસે ફિલ્ટર લગાવી બુસ્ટર પંપથી પાણી આપવાનું ખુદ સરકાર દ્વારા કહેવામાં આવે છે તેમ છતાં નેતાઓએ ધ્યાન ઉપર લીધું નથી તેવો આક્ષેપ સ્થાનિકોએ કર્યો હતો.
પાણી સહેલાઈથી મળી શકે પરંતુ ઉદાસીનતા
અમારું ગામ જ્યારથી કોર્પોરેશનમાં સમાવાયું છે ત્યારથી સ્થાનિક કોર્પોરેટર કઈ કામ કરતા નથી. પીવાના પાણીની સમસ્યા છે, ડ્રેનેજ લાઈનની સમસ્યા છે, સ્ટ્રીટ લાઈટની સમસ્યા છે. બે વર્ષ અગાઉ તળાવના બ્યુટીફિકેશનનું ઉદ્ઘાટન કરી ગયા આજદિન સુધી કઈ થયું નથી. ગામના પીવાના પાણીની સમસ્યાનો હાલ તુરત જ આવી જાય તેમ છે. હાઈવેની બીજી તરફથી 46 ગામ પાણી પુરવઠા યોજના પસાર થઇ રહી છે જો તેમાંથી પાણીની લાઈન લંબાવ્યા તો 100 મીટર લાઈન નાખવી પડે અને અમારી ગામની ટાંકીમાં પાણી આવી શકે તેમ છે છતાં તેમ નથી થઇ રહયું
– નિલેશ પટેલ, પૂર્વ સરપંચ, વેમાલી
આ રેલી રાજકીય છે, કેટલાકને માત્ર પ્રશ્નો ઉભા કરવામાં જ રસ રહ્યો છે
કોર્પોરેશન અંતર્ગત જે નવા 7 ગામોનો સમાવેશ કરાયો છે તેમાં સૌથી વધુ બજેટ વેમાલી ગામને ફાળવવામાં આવ્યું છે. તેઓ જે હાઇવે ક્રોસ કરીને પાણી લાવવાની વાત કરી રહ્યા છે તે માટે હાઇવે ઓથોરિટી પાસે પરવાનગી લેવી પડે અને જે સમય માંગી લે તેવું છે. વેમાલી ગામના વિકાસ માટે સતત પ્રયત્નો થઇ રહ્યા છે અને પાણી માટે પણ ટૂંક જ સમયમાં નિવેડો આવી જશે. જો કે આ રેલી રાજકીય રેલી છે અને કેટલાકને માત્ર પ્રશ્નો ઉભા કરવામાં રસ છે – ડો.હિતેન્દ્ર પટેલ, ચેરમેન, સ્થાયી સમિતિ