આપણા શાસ્ત્રોમાં, વેદોમાં વિરાટપૂરુષ, જ્યોતિષીમાં કાલપૂરુષ વાસ્તુશાસ્ત્રમાં વાસ્તુપૂરુષની કલ્પના છે. મત્સ્યપૂરાણમાં વાસ્તુપૂરુષના જન્મને આ રીતે વર્ણવ્યો છે: અન્દ્યકાસુર નામક રાક્ષસ સાથે લાંબા સમયનું યુધ્ધ લડતા મહાદેવજીના કપાળ પરથી એક પ્રસ્વેદબિંદુ જમીન ઉપર પડ્યું. આ પ્રસ્વેદિબંદુમાંથી ભીષણ અને વિકરાળ મૂખવાળુ એક પ્રાણી ઉત્પન્ન થયું. જન્મતાં જ તેણે પૃથ્વી પર પડેલા રક્તનું પાન કરવા માંડ્યું. પૃથ્વીનું રક્ત પૂરતું ના પડતા તેણે ભૂમંડળ, સ્વર્ગ, આકાશ અને પાતાળમાં હાહાકાર મચાવી દીધો. એના પ્રકોપથી સમગ્ર અસ્તિત્વ ખતમ થઇ જાય તેવી ભ્રાંતી જાગી. બ્રહ્માનાં ઇશારાથી આ બાળકને કાબૂમાં લેવાના આશયથી બધા દેવોએ તેણે પૃથ્વી ઉપર ઊધો પટકી દીધો અને તેના શરીરના અલગ અલગ હિસ્સા ઉપર વિવિધ 45 દેવોએ આસન લીધું.
જેથી આ પુરુષ હલી ના શકે. આટલા દેવોના સાંનિધ્યથી તેને પોતાના માટે શું હુકમ છે એવું પૂછ્યું. બસ આ જગત પર વસતા માનવ-આદિ જીવોને સુખી કરો. સંપન્ન કરો. એવી આજ્ઞા મેળવી. ઉપર બેઠેલા દેવ-દેવીઓનો અલગ અલગ સ્વભાવ અને અલગ અલગ જરૂરિયાત જેવું કે અગ્નિ દેવને આગ ગમે. તો વાયુદેવને પવન… સોમ દેવને સોનું ગમે… તો બ્રહ્માને એકાંત અને સ્વચ્છતા… વાસ્તુશાસ્ત્રમાં આ સમગ્ર વાસ્તુંપૂરુષને તમારા વસવાટના ઘરમાં, ઓફિસમાં કે જમીન પર ઊંધા માથે સૂતેલો કલ્પવામાં આવે છે. તેનું મસ્તક ઇશાન ખૂણામાં તો પગની પાનિ નૈઋત્ય ખૂણામાં હોય છે. તેના હાથ-પગની કોણી એક અગ્નિ અને વાયુ ખૂણામાં હોય છે.
જીવનમાં એક સામાન્ય જીવવાની કળા… મા-દિકરો ન કહેશે કે માથું ઠડું રાખ.. ગુજરાતીમાં કહીએ તો ભેજું ગરમ ના રાખ… માથા ઉપર બોજ લઇને નહીં ફરવાનું, ઝૂકી જશો, હાંફી જશો… બસ આજ વાત ઇશાન ખૂણામાં જ્યાં વાસ્તુનું મસ્તક છે ત્યાં કહીએ છે. પાણી, બોરીંગ, ભૂગર્ભીય પાણીની ટાંકી, વરસાદી પાણી ભરવાનું સ્થળ બધું ઇશાનમાં જ રખાય. જેથી પેલા વાસ્તુનું મગજ શાંત અને ઠંડુ રહે. આ ભાગમાં વજન ખૂબ ઓછું રાખવું. જેથી વાસ્તુનું માથા ઉપર બોજ નહીં રહે. ટોયલેટ અને ગંદકી હરગીશ નહીં! તમારા મોઢા ઉપર વાંસ આવતી હોય તો સ્નેહીજન પણ દૂર ભાગે. પરંતુ વાસ્તુશાસ્ત્રમાં આ ઇશાન ખૂણો કપાવો ના જોઇએ. વધતો હોવો જોઇએ. માથું હંમેશા ઊંચું રાખવું. નહીં તો દુનિયા ઝુકાવી દેશે.
હવે વાત નૈઋત્ય ખૂણાની. ભાઇ પગ તો મજબૂત જ રખાય. તમારી આજુબાજુના પ્રતિસ્પર્ધીઓ તમને સતત ઊખેદવાની કોશિશ કરતા હોય છે. હિંમતથી સૂરતી ભાષામાં કહી દેવાનું… તું… મારુ, શું ઉખાડી લેશે? આ હિંમત તો જ આવે જો પગ ખૂબ મજબૂત હોય. આથી નૈઋત્ય ખૂણો ખૂબ મજબૂત, ઊંચો,વજનદાર બનાવવામાં આવે છે. અહીં ઝાડનું મૂળ કે બીજ જેવી કલ્પના કરી શકાય. એક બીજ જમીનમાં રોપો, મજબૂત કરો, ખાતર નાખો અને પછી આખું વૃક્ષ ઊગેલું ભોગવો બસ. બીજરૂપે અહીં પૈસા, ચાંદી, દસ્તાવેજ વગેરે… જેને જિંદગીમાં એકમાંથી અનેક કરવું હોય, તે બધું જ અહીં રાખવું. અહીં બારી-બારણાં ઓછામાં ઓછા રાખવા. કારણ જો બીજ બરાબર ઊગશે તો ઊગેલા ઝાડની ગુણવત્તા ખૂબ જોરદાર હશે. જેને તમે તેમજ તમારા આવનારી પેઢીઓ આ વર્ષો વર્ષ ભોગવશે.
અમારી અનોખી અનાયા પૂછે છે, ‘શું ફક્ત ઇશાન ખૂણો હલકો અને નૈઋત્ય ખૂણો ભારે… એમ રાખવાથી સંપૂર્ણ વાસ્તુનું ફળ મળી જશે?’ નહીં અને અહીં તો તમે જાણે કોઇ દેવની મૂર્તિ બનાવી. પણ પ્રાણપ્રતિષ્ઠા બાકી છે. આ તમારા ભવન એટલે કે મકાન બની તો ગયું પરંતુ એમાં ચાર્જ કરવા પડે. પેલાં અગ્નિ ખૂણામાં બેઠેલ અગ્નિદેવને ખુશ કરવા. રસોઇઘર આ ખૂણામાં પૂર્વાભિમૂખી બનાવવામાં આવે. જો આ ભાગમાં kitchen, garden કે અન્ય ઊગતી વસ્તુઓ રાખીએ તો ઘરમાં ખૂબ વિકાસ થાય. અહીં મગ, મઠ, ચણા વગેરેને વાર અનુસાર અંકુરિત કરવાના આશયથી પલાળો.
રવિવારે ઘઉં, સોમવારે ચોખા ખાવા જ જોઇએ… મંગળવારે મસૂર, બુધવારે લીલા મગ, ગુરૂવારે ચણા અને શનિવારે કાળા અડધ પલાળો અને અંકુરિત કરો અને એક અઠવાડિયા પછી વાપરો. શુક્રવારે ઘરમાં મીઠી વાનગી જરૂર બનાવો. જુઓ અગ્નિ ખૂણામાં રહેલા દેવોને પ્રસન્ન કરી રહ્યા છે. મોબાઇલને રોજ ચાર્જ કરો છો તો રસોઇઘરને પણ ચાર્જ કરી અને ધાન્ય અંકુરિત કરતા રહો. વાયુ કોલ પણ અગ્નિ ખૂણાથી diogonally Opposite છે. અહીં પણ AC, Compressor, રસોઇઘર અને અન્ય પ્રકારની ગરમીવર્ધક Activity ગોઠવી શકાય.
હવે આવે ઘરનો મધ્ય ભાગ જેને વાસ્તુનું પેટ કહેવાય. ભાઇ પેટને સાફ રાખવાનું તો આપણા આયુર્વેદમાં વર્ષોથી કહે છે. પેટ નરમ રાખશો તો તંદુરસ્ત રહેશો. આથી જ ઘરના મધ્યને… બ્રહ્મસ્થાન કહ્યું છે. અહીં બ્રહ્માનો વાસ છે. તેમના સુજાવથી જ વાસ્તુના અલગ અલગ હિસ્સાઓમાં અલગ અલગ દેવ બેઠા છે. આથી બ્રહ્માને આપણે કેન્દ્રના મુખ્યમંત્રી ગણીશું. અહીં કોલમ, બીમ, કે અન્ય ભારે વસ્તુ હોય તો પ્રધાનમંત્રી જ દબાયેલો રહે. જેને બધાનો વિકાસ કરવાનો છે. ત્યાં આપણે એટલી સુઘડતા રાખવી કે તેના હુકમ અને નિર્ણય સમગ્ર ઘરના હિતમાં રહે. હવે દાદીમાંની શીખ ધ્યાનમાં રાખો… ‘બેટા અનોખી અનાયા : તમે આટલું સમજો. વ્યકિતએ હંમેશા પગ મજબૂત અને માથું હલકુ તેમજ ઉન્નત રાખવું. હાથ – પગની કોણીઓ ગરમ અને પેટ નરમ રાખવું. બસ આજ છે તંદુરસ્ત જીવનની ચાવી. તમારા ઘરને પણ તમે આ પ્રાથમિક સિધ્ધાંતોને ધ્યાનમાં રાખીને બનાવો… અને માણો એક સુખી જીવનની યાત્રા…
તમારા વાસ્તુ વિશેના પ્રશ્નો મોકલશો. તેના ઉત્તર અહી આપીશુ. પ્રશ્ન મોકલનારે પોતાની જન્મતારીખ અને જે ઘર યા ઓફિસ કે સ્થાન વિશે પ્રશ્ન મોકલ્યા હોય તો તેનો ફર્નિચર સહિતનો નકશો કે ફોટોગ્રાફ મોકલવો.
સરનામુ.
વાસ્તુ પ્રશ્ન, ગોચર અગોચર વિભાગ
ગુજરાતમિત્ર, ગુજરાતમિત્ર ભવન , સોનીફળિયા, સુરત 395003