Madhya Gujarat

નડિયાદમાં ડેટા એન્ટ્રીનાં કાૈભાંડમાં દંપતિ પકડાયું

નડિયાદ: નડિયાદમાં માસ્ટર સોલ્યુશન પ્રા.લિ નામની કંપની બનાવી, તેમાં ડેટાએન્ટ્રીના કામના બદલામાં રૂપિયા કમાવવાની લોભામણી લાલચ આપી, અનેક ગ્રાહકો પાસેથી ડિપોઝીટ લઈ કરોડો રૂપિયાની છેતરપિંડી આચરનાર દંપતિને પોલીસે ઝડપી પાડી, તેમના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. નડિયાદમાં ઉત્તરસંડા રોડ પર આવેલ માસ્ટર સોલ્યુશન પ્રાઈવેટ લિમીટેડ નામની કંપની દ્વારા આકર્ષક વેબસાઈટ બનાવી ગ્રાહકોને ડેટાએન્ટ્રીનું કામ કરી પૈસા કમાવવાની લોભામણી લાલચ આપવામાં આવી હતી.

જેમાં નડિયાદ સહિત રાજ્યભરના હજારો લોકો વિવિધ સ્કીમ હેઠળ કંપનીમાં રૂપિયા ભરી સભ્ય બન્યાં હતાં અને કંપની પાસેથી આઈ.ડી-પાસવર્ડ મેળવી ડેટાએન્ટ્રીનું કામ શરૂ કર્યુ હતું. શરૂઆતના મહિનાઓમાં ગ્રાહકોને સારી એવી કમાણી થઈ હતી. જેથી ગ્રાહકોએ વધુને વધુ સ્કીમો લેવાની શરૂ કરી હતી. તેમજ પોતાના સગાં-સબંધી, મિત્રોને પણ સ્કીમમાં જોડ્યાં હતાં. જેને પગલે કંપનીમાં હજારોની સંખ્યામાં ગ્રાહકો જોડાઈ ગયાં હતાં. આ ગ્રાહકોએ ભરેલી મેમ્બરશીપ ફી થકી કંપનીએ કરોડો રૂપિયા બનાવી લીધાં હતાં. જે બાદ કંપનીએ એકાએક રૂપિયા ચુકવવાનું બંધ કરી દેતાં ગ્રાહકો મુંઝવણમાં મુકાયાં હતાં.

સતત પાંચથી છ મહિના સુધી કંપનીએ ડેટા એન્ટ્રીના કામના બદલામાં રૂપિયાની ચુકવણી કરી ન હોવાથી ગ્રાહકો રોષે ભરાયાં હતાં. રોષે ભરાયેલાં ગ્રાહકોએ કંપનીની વિવિધ શાખામાં હોબાળો મચાવતાં સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. આ મામલે એક મહિલા ગ્રાહકે કંપનીના મુખ્ય સુત્રધાર રાહુલ વાઘેલા, કંપનીના પાર્ટનર તેમજ બે મેનેજર સામે નડિયાદ રૂરલ પોલીસમથકમાં ફરીયાદ આપતાં, પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

જેના ગણતરીના કલાકોમાં મુખ્ય સુત્રધાર રાહુલ નારણભાઈ વાઘેલા (રહે.ગ્રીન સીટી સોસાયટી, યોગીનગર, તા.નડિયાદ) ને બનાસકાંઠા એલ.સી.બી પોલીસે ધાનેરા બોર્ડર પરથી ઝડપી પાડી, નડિયાદ રૂરલ પોલીસને સોંપ્યો હતો. નડિયાદ રૂરલ પોલીસે રાહુલ વાઘેલાની સઘન પુછપરછ હાથ ધરી હતી.  જેમાં રાહુલની પત્નિ ગૌરી વાઘેલા (રહે.ગ્રીન સીટી સોસાયટી, યોગીનગર, તા.નડિયાદ) કંપનીમાં ડાયરેક્ટર હોવાનું અને છેતરપિંડીના ગુનામાં સામેલ હોવાનું બહાર આવ્યુ હતું. જેના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં જ રાહુલની પત્નિ ગૌરી વાઘેલાની પણ અટકાયત કરી હતી. વધુ તપાસ માટે પોલીસે બંનેના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

ગુનામાં સામેલ નવ આરોપીઓ પોલીસ પકડથી હજુ પણ દૂર
૧. કંપનીના મેનેજર – ચીરાગભાઈ મનહરભાઈ કવૈયા (રહે.શારદા મંદિર પાસે, નડિયાદ)
૨. કંપનીના મેનેજર – મીતુલ
૩. જગજીતસીંગ ધાલીવાલ (રહે.વિદ્યાનગર)
૪. ભાવિક પરમાર (રહે.રામતલાવડી વિસ્તાર, નડિયાદ)
૫. વિજયભાઈ તળપદા
૬. સ્મિત
૭. પ્રાપ્તીબેન પારેખ
૮. સેજલબેન મારવાડી
૯. અર્ચના મારવાડી

ગુજરાતમાં સાત અને મધ્યપ્રદેશમાં એક મળી કુલ આઠ શાખા ચાલતી હતી
માસ્ટર સોલ્યુશન પ્રા.લિમીટેડ કંપનીની વેબસાઈટ ચેક કરતાં, તેમાં કંપની અંગેની કેટલીક માહિતી મુકેલી હતી. તે જોતાં કંપનીની ગુજરાતમાં સાત અને મધ્યપ્રદેશના ભોપાલમાં એક મળી કુલ આઠ શાખાઓ જુદા-જુદા નામે ચાલતી હોવાનું જણાઈ આવ્યું હતું. જેમાં એલ્ટીમેટ સોલ્યુશન (બાકરોલ, જિ.આણંદ), રાધેક્રિષ્ણા સોલ્યુશન (બોરસદ, જિ.આણંદ), સક્સેસ ઈન્ફોબીઝ (ખેડા), ઈન્ફિનીટી ડિવાઈન (અમદાવાદ), એક્યુરેટ સોલ્યુશન (રાજકોટ), ક્રિષ્ણા સોલ્યુશન (આડીનાર ચોકડી, તા.નડિયાદ, જિ.ખેડા), માસ્ટર સોલ્યુશન (વરાછા, સુરત) તેમજ લીઓ એક્સ ટેક (ભોપાલ, મધ્યપ્રદેશ) ની માહિતી દર્શાવી હતી.

છેલ્લાં બે-ત્રણ મહિનાથી કંપની પ્રત્યે ગ્રાહકોના રિવ્યુ બદલાયાં
ગ્રાહકો સાથે છેતરપિંડી આચરવા માટે કંપની દ્વારા આકર્ષક વેબસાઈટ બનાવવામાં આવી હતી. આ વેબસાઈટ થકી ગ્રાહકો કંપનીની કામગીરી બાબતે માહિતગાર થયાં બાદ, નજીકમાં આવેલ શાખામાં જઈ મેમ્બરશીપ ફી ભરી, આઈ.ડી-પાસવર્ડ મેળવ્યાં બાદ ડેટા એન્ટ્રીનું કામ કરતાં હતાં. ગ્રાહકોને સારી એવી કમાણી થતી હોવાથી શરૂઆતમાં ગુગલ ઉપર કંપનીની વેબસાઈટને ખુબ જ પોઝીટીવ રિવ્યું મળ્યાં હતાં. જોકે, કંપની રૂપિયા ચુકવવામાં અનિયમીત બનતાંની સાથે જ ગ્રાહકોએ ગુગલ ઉપર નેગેટીવ રિવ્યું આપી અન્ય ગ્રાહકોને આ કંપનીમાં ન જોડાવવા જણાવ્યું હતું. કેટલાક ગ્રાહકોએ તો કંપનીને ફ્રોડ અને ચિટર ગણાવી હતી.

કંપનીની કાળી કરતુતોથી અજાણ અનેક ગ્રાહકો હજીપણ ડેટા એન્ટ્રીનું કામ કરી રહ્યાં છે
હજારો ગ્રાહકો ધરાવતી માસ્ટર સોલ્યુશન પ્રા.લિ કંપનીએ કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવ્યું હોવાનું પ્રકાશમાં આવ્યું છે. કંપની સાથે જોડાયેલાં કેટલાક ગ્રાહકોએ ડેટાએન્ટ્રીનાં કામના બદલામાં થયેલ કમાણીથી મેમ્બરશીપ માટે ભરેલી ફી ના નાણાં રિકવર કરી લીધાં છે. પરંતુ અનેક ગ્રાહકોના કરોડો રૂપિયા ડુબ્યાં છે. કંપનીનો મુખ્ય સુત્રધાર અને તેની પત્નિને પોલીસે ઝડપી પાડ્યાં છે. બીજી બાજુ કંપનીના ગ્રાહકોની આઈ.ડીમાં દરરોજ ડેટાએન્ટ્રીનું કામ આવી રહ્યું છે. ત્યારે, કંપનીની કાળી કરતુતોથી જાણકાર ગ્રાહકોએ કામ કરવાનું બંધ કર્યું છે. પરંતુ અજાણ ગ્રાહકો હજીપણ ડેટાએન્ટ્રીનું કામ કરી રહ્યાં હોવાનું જાણવા મળેલ છે.

આરોપીઓની સંપત્તિ ટાંચમાં લઈ ગ્રાહકોને રૂપિયા ચુકવાય તેવી શક્યતા
ડેટા એન્ટ્રીના કામના બદલામાં કમાણી કરવાની લાલચ આપી ગ્રાહકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરનાર દંપતિ સહિતના ભેજાબાજો સામે પોલીસે જી.પી.આઈ.ડી એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને અન્ય આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યાં છે. ૫૦ થી ૨૫૦ કરોડ રૂપિયા સુધીની છેતરરિંડી આચરવામાં આવી હોવાના પ્રાથમિક અંદાજ છે. તે જોતાં આરોપીઓની સંપતિ ટાંચમાં લઈ ગ્રાહકોને રૂપિયા ચુકવાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

Most Popular

To Top