વાંસદા: (Vasda) વાંસદા તાલુકાનો જૂજ અને કેલિયા ડેમ (Dam) ભરાતા ઓગસ્ટ મહિનો આવી જતો હતો, જ્યારે ચાલુ ચોમાસા દરમ્યાન વાંસદા તાલુકા સહિત ઉપરવાસમાં છેલ્લા ચાર પાંચ દિવસથી પુષ્કળ વરસાદ પડતા આ બંને ડેમ જુલાઈ મહિનામાં જ ઓવરફ્લો (Overflow) થઈ ગયા હતા. વાંસદા તેમજ ચીખલીના ખેડૂતો (Farmer) માટે જીવાદોરી સામાન આ બંને ડેમો ઓવરફ્લો થતાં ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ જવા પામી હતી. વાંસદા તાલુકા ભાજપ પાર્ટી અને વાંસદા તાલુકા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા આ બંને ડેમના વધામણા કરી ફૂલ અને નાળિયેર પધરાવ્યા હતા. આ પ્રસંગે મંત્રી નરેશ પટેલ અને ધારાસભ્ય અનંત પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
- જૂજ અને કેલીયા ડેમ ઓવરફ્લો થતાં તાલુકા કોંગ્રેસ અને તાલુકા ભાજપે નવા નીરના વધામણા કરી ફૂલ – નાળિયેર પધરાવ્યા
- ડેમ ઓવરફ્લો થતાં હાઈએલર્ટ જાહેર કરી વાંસદા, ચીખલી અને બીલીમોરાના લોકોને એર્લટ કરાયા
હવામાન વિભાગની આગાહી હોને પગલે બંને ડેમમાં પાણીની આવક ચાલુ રહેતા જૂજ અને કેલિયા ડેમને હાઈએલર્ટ જાહેર કરી જૂજ ડેમની હેઠળવાસના જૂજ, ખડકિયા, નવાનગર, વાંસિયાતળાવ, વાંસદા, રાણીફળિયા, નાની વાલઝર, મોટી વાલઝર, સિંગાડ, રૂપવેલ, ચાપલધરા, રાજપુર, પ્રતાપનગર, દોણજા, હરણગામ, ચીખલી, ખુંધ, વંકાલ (વ.ફળિયા), ઘેટકી, ઉંડાચ, લુહાર ફળિયા, વાણીયા ફળિયા, ગોયદી, ખાપરવાડા અને દેસરા ગામ તેમજ કેલીયા ડેમની હેઠવાસના ખરેરા નદી નજીકના કેલીયા, કાકડવેલ, માંડવખડક, વેલણપુર, ગોડથલ, કણભઈ, સિયાદા, મોગરાવાડી, આમધરા, ઘેજ, મલીયાધરા, સોલધરા, પીપલગભાણ, ઘોલાર, કલીયારી, બલવાડા, તેજલાવ, વાડ, ઉંડાચ, ગોયંદી, વાઘરેચ, ખાપરવાડા અને દેસરા ગામના લોકોને નદીના પટમાં અવરજવર નહીં કરવા અને સાવચેત રહેવા માટેની કડક સૂચના આપવામાં આવ્યા છે.
ઉપરવાસમાં કેલીયા અને જૂજ ડેમ છલકાતા કાંઠા વિસ્તારનાં ગામોને એલર્ટ કરાયા
બીલીમોરા : બીલીમોરામાં બુધવારે પૂર ઓસર્યા હતા. તેમ છતાં ગામ શહેરોમાં અનેક રહેણાંક વસાહતોમાં ભરાયેલા પાણી પોતાની પાછળ કાદવ કીચડ છોડી જતા લોકોની હાલાકી વધી હતી. જનજીવન રાબેતા મુજબ કરવા તંત્રએ પ્રયાસો હાથ ધરી પૂર નુકશાની માટે સર્વે હાથ ધર્યો હતો. દરમિયાન બુધવાર સાંજે 4 કલાકે વીતેલા 24 કલાકમાં વધુ (61 મીમી) 2 ઇંચ વરસાદ સાથે મોસમનો 902 મીમી (36.07 ઇંચ) વરસાદ નોંધાયો હતો. ઉપરવાસમાં જૂજ અને કેલીયા ડેમ છલકાતા નદી કાંઠાના ગામો એલર્ટ કરાયા હતા.
ગણદેવી ડાંગ જિલ્લા અને બીલીમોરામાં બારે મેઘ ખાંગા થતાં લોકમાતા અંબિકા, કાવેરી, વેગણિયા, પનિહારીએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જેને પગલે ગણદેવી તાલુકાના અને બીલીમોરાના નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણીનો ભરાવો થયો હતો. રહેણાક વસાહતો, સોસાયટીઓમાં પાણી ભરાતાં જીવનજરૂરી ઘરવખરી પલળી હતી. ચાર દિવસના મેઘતાંડવ બાદ બુધવારે નદીઓની જળસપાટી ઘટી હતી. લોકમાતાઓ શાંત થઈ છે. પૂરના પાણી ઓસર્યા છે. અંબિકા નદી રોદ્ર સ્વરૂપથી સાંજે 6.250 મીટરે વહેતી થઈ હતી. પરંતુ પુર ઓસર્યા બાદ પોતાની પાછળ નુકસાની છોડી જતાં લોકોની મુશ્કેલી વધી હતી. અનેક ઘરોમાં કાદવ-કીચડ ફરી ગયા છે તો માર્ગો લપસણા બન્યાં છે. મોડી સાંજે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે બીલીમોરા વાડીયા શિપ યાર્ડની મુલાકાત લઇ કામગીરીની સમીક્ષા કરી તમામ સહાય કરવા આદેશ આપ્યો હતો. સાથે અંબિકા નદી નજીક બનેલા ઘોલગામ જવા માટે બનેલા સબમર્સીબલ પંપના ડુબાણમાં ગયેલા એપ્રોચ રોડનું પણ નિરીક્ષણ કર્યું હતું. તે પછી પૂરના પાણીથી તબાહ થયેલા દેવધાની મુલાકાત લીધી હતી.
ઉપરવાસમાં કેલીયા અને જૂજ ડેમ છલકાતા કાવેરી નદી તટના ઉંડાચ, વાઘરેચ, ગોયંદી ભાઠલા, ખપરવાડા અને બીલીમોરાના દેસરા વિસ્તારમાં વહીવટી તંત્રએ ચાંપતી નજર કેન્દ્રિત કરી છે. અવિરત વરસાદને કારણે લોકોમાં અજંપાભરી સ્થિતિ વર્તાઈ રહી છે.