સુરત જિલ્લાના કડોદરા પોલીસ સ્ટેશનની હદમાં કરાડા ગામની સીમમાં આવેલી ખુમાનસિંગની વાડીમાં રહેતા બુટલેગર વિરલે જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી કેક કાપતો વિડીયો વાયરલ થતાં કડોદરા પોલીસે આ અંગે ગુનો નોંધતાં ફફડાટ ફેલાઈ ગયો છે. જો કે, બીજી તરફ વરેલીમાં પણ રાજુ નામની વ્યક્તિએ બર્થ-ડે ઉજવણી કરી હોય તે વિડીયો પણ વાયરલ થયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર સુરત જિલ્લાના કડોદરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા કરાડા ગામની સીમમાં ખુમાનસિંગની વાડીમાં રહેતા લિસ્ટેડ બુટલેગર વિરલ જીતુ પટેલનો જન્મદિવસ હોવાથી તેમણે જાહેરમાં કેક કાપી હાલમાં ચાલી રહેલા કોરોના મહામારીની ગાઈડ લાઇનનો ભંગ કર્યો હતો.
સાથોસાથ તેણે અનેક વ્યક્તિઓ ભેગા કર્યા હતા. જાહેરમાં બર્થ-ડે કેક કાપવા સમયે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખ્યું ન હતું. સાથે માસ્ક પણ પહેર્યા ન હતા. તમામ બાબતોને આધારે કડોદરા પોલીસે વિડીયો વાયરલ થયા બાદ ગુજરાત સરકારના ગૃહ વિભાગના જાહેરનામા ભંગની ફરિયાદ નોંધી છે. પોલીસે ફરિયાદમાં 14થી વધુ વ્યક્તિ ભેગા થતા હોવાનું નોંધ્યું છે, જેમાં પોલીસે બુટલેગર વિરલ જિતેન્દ્ર પટેલ, મયૂર કૈલાસ પાટીલ, અનિલ રાજુ રાઠોડ, શોહિત કમલેશ વર્મા, જયેશ પ્રેમચંદ શર્મા, ગોરખ બાબુલાલ આહીરે વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. આ ઉપરાંત પલસાણા તાલુકાના વરેલી ગામે રહેતા રાજુ ભરવાડ નામના વ્યક્તિએ પણ જાહેરમાં બર્થ-ડેની ઉજવણી કરી હતી તેનો પણ વિડીયો વાયરલ થયો છે. વાયરલ થયેલા વિડીયોમાં અનેક વ્યક્તિઓની હાજરી જોવા મળી હતી. આ વિડીયો સાથે ફોટા પણ વાયરલ થયા છે. જેમાં જીઆરડીની પણ યુનિફોર્મ સાથે હાજરી જોવા મળી હતી, જે અંગે પણ પોલીસ કાર્યવાહી કરે તેવી શક્યતા છે.