Vadodara

વરસાદના વિઘ્ન વચ્ચે વિશ્વ યોગદિનની ઉજવણી

વડોદરા. સમા સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે પાલિકા દ્વારા ૮માં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જ્યાં રાજ્યના મુખ્યમંત્રી સહિત દેશના પ્રધાનમંત્રી દ્વારા યોગ દિવસ નિમિત્તે આપવામાં આવેલ સંદેશનું જીવંત પ્રસારણ નિહાળવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. મહેસુલમંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ યોગને મહાદેવનું વરદાન ગણાવતા યોગ સંસ્કૃતિના વિકાસમાં મહર્ષિ પતંજલિ અને ઋષિ મુનિઓના યોગદાનની જાણકારી આપી હતી. તેમણે યોગને લોક પ્રચલિત કરવામાં બાબા રામદેવના યોગદાનનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રીની અખૂટ ઊર્જાનો સ્ત્રોત યોગ છે. સમગ્ર વિશ્વ યોગમય બને વિશ્વ શાંતિ સાકાર થાય એવી તેમણે પ્રાર્થના કરી હતી.

યોગ અભ્યાસને લોક જીવનની દૈનિક આદત બનાવવા ગુજરાત સરકાર સંકલ્પબધ્ધ છે તેવી લાગણી વ્યક્ત કરતા મહેસૂલ અને કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે રાજ્ય યોગ બોર્ડ સંખ્યાબંધ શિબિરો યોજીને કવોલિફાઇડ યોગ શિક્ષકોનું ઘડતર કરે છે અને તેમના માધ્યમથી યોગને જન જન સુધી અને ઘર ઘર સુધી પહોંચાડવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. તેમણે ૮માં વિશ્વ યોગ દિવસે સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે મહાનુભાવો અને લોકો સાથે યોગ સાધના કરી હતી. તેમણે કહ્યું કે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અથાક પ્રયત્નો થી વિશ્વ રાષ્ટ્ર સંઘે ભારતના યોગને ૨૧મી જુનનો દિવસ સમર્પિત કર્યો તે પછી તેનો વ્યાપ ઝડપ થી વિસ્તરી રહ્યો છે.

યોગ સાધનામાં સાંસદ રંજનબેન ભટ્ટ, પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ, મેયર કેયુર રોકડિયા, ડેપ્યુટી મેયર નંદા જોશી, મ્યુનિ. કમિશનર શાલિની અગ્રવાલ, શહેર બીજેપી પ્રમુખ ડો.વિજય શાહ, નગર સેવકો,પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત વિસ્તારના નગરજનો તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતાં. આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના યોગ નિપુણ અલ્પા ઠક્કરે યોગ ઉપસ્થિત મહાનુભાવોને યોગ ક્રિયાઓ કરવી હતી. 8માં વિશ્વ યોગ દિવસની ઉજવણી ઠેર ઠેર કરવામાં આવી રહી છે ત્યારે વડોદરાની એમ એસ યુનિવર્સીટી દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી યુનિવર્સીટીના પેવેલિયન ખાતે કરવામાં આવી હતી.

જેમાં અતિથિ વિશેષ તરીકે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત યુનિ.ના વીસી., રજિસ્ટ્રાર સહિત વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. એમ એસ.યુનિવર્સીટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર ડૉ. વિજયકુમાર શ્રીવાસ્તવ ના નેતૃત્વ માં પેવેલિયન મેદાન ખાતેના મલ્ટી પરપઝ હોલ ખાતે સોમવારે વિશ્વ યોગ દિવસ નીમિત્તે સામૂહિક યોગના કાર્યક્રમ પાલિકાના સહયોગથી આયોજન કરવામાં આવ્યું જેમાં સ્થાયી સમિતિના ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

Most Popular

To Top