વારાણસી: વારાણસીમાંથી (Varanasi) એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે જેણે બધાને ચોંકાવી દીધા છે. અહીં બે દીકરીઓએ લગભગ એક વર્ષ સુધી માતાના મૃતદેહને (Deadbody) ઘરમાં સાચવી રાખ્યો હતો. માતાનું શરીર હાડપિંજર બની ગયું હતું તેમ છતાં દીકરીઓએ તેનો અંતિમ સંસ્કાર કર્યો ન હતો. ઘરમાં માતાનો મૃતદેહ હોવા છતાં દીકરીઓ બર્થડે સેલિબ્રેશન કરતી હતી.
છેલ્લા ઘણા દિવસોથી દીકરીઓ ઘરની બહાર નીકળી ન હોઈ પડોશીઓએ તેમના સંબંધીઓને જાણ કરી હતી. ત્યાર બાદ સંબંધીઓ તેમના ઘરે પહોંચ્યા હતા. ત્યાં સંબંધીઓએ એવું દ્રશ્ય જોયું કે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેમણે પોલીસને જાણ કરી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ઘરમાંથી હાડપિંજરના મૃતદેહને બહાર કાઢ્યો અને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. હાલ પોલીસ મૃતકની બંને પુત્રીઓની પૂછપરછ કરી રહી છે. તેમની પાસેથી મૃતદેહ ઘરમાં રાખવા પાછળનું કારણ જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
મૃતદેહને ઢાબળામાં લપેટીને રાખ્યો હતો
આ સમગ્ર મામલો મદરવાન વિસ્તારનો છે. અહીં નિર્જન વિસ્તારમાં સ્થિત ઘરમાંથી ઉષા ત્રિપાઠી નામની 52 વર્ષીય મહિલાની લાશ મળી આવી છે. આ લાશ છેલ્લા એક વર્ષથી ઘરમાં પડી હતી અને મૃતકની બંને દીકરીઓ ઘરમાં રહેતી હતી. 27 વર્ષની મોટી દીકરી પલ્લવી ત્રિપાઠી પોસ્ટ ગ્રેજ્યુએટ છે. જ્યારે નાની દીકરી ગ્લોબલ ત્રિપાઠી 17 વર્ષની છે અને 10મું પાસ છે.
ઘરમાં રાખવામાં આવેલી મૃતક ઉષા ત્રિપાઠીની લાશ લગભગ હાડપિંજર બની ગઈ હતી. મૃતદેહને ચાદર અને ધાબળામાં લપેટીને રૂમમાં રાખવામાં આવ્યો હતો. દીકરીઓએ જણાવ્યું કે તબિયત બગડવાને કારણે માતા ઉષા ત્રિપાઠીનું 8 ડિસેમ્બર 2022ના રોજ અવસાન થયું હતું. પિતા ઘણા વર્ષો પહેલા ઘર છોડીને ચાલ્યા ગયા હતા.
આ રીતે મામલો ઉજાગર થયો
હકીકતમાં, જ્યારે બંને પુત્રીઓ થોડા સમય સુધી ઘરની બહાર ન આવી ત્યારે નજીકના લોકોએ મિર્ઝાપુરમાં રહેતા ઉષા ત્રિપાઠીના સાળા ધર્મેન્દ્ર ચતુર્વેદીને તે અંગે જાણ કરી હતી. ત્યાર બાદ ધર્મેન્દ્ર અને તેની પત્ની ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ઘરનો દરવાજો ખોલતાની સાથે જ બંને પુત્રીઓ પલ્લવી અને ગ્લોબલ એક રૂમમાં તેમની માતા ઉષા ત્રિપાઠીની લાશ સાથે બેઠેલી જોવા મળી હતી. આ જોઈને સંબંધી ધર્મેન્દ્ર ચતુર્વેદી ચોંકી ગયા અને તેમણે તરત જ લંકા પોલીસ સ્ટેશનની પોલીસને જાણ કરી હતી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસને જોઈને બંને દીકરીઓએ હોબાળો મચાવ્યો હતો. કોઈ રીતે પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. તેમજ બંને પુત્રીઓની પૂછપરછ શરૂ કરી હતી.
દુર્ગંધથી બચવા માટે અગરબત્તીઓનો ઉપયોગ કર્યો
પૂછપરછ દરમિયાન પોલીસને ખબર પડી કે ઉષા ત્રિપાઠીનું મૃત્યુ તબિયત બગડવાના કારણે થયું છે. તેના પતિ ઘણા સમય પહેલા ઘર છોડીને ચાલ્યા ગયા હતા. આવી સ્થિતિમાં માતાના મૃત્યુ બાદ બંને પુત્રીઓએ મૃતદેહને એક રૂમમાં છુપાવી દીધો હતો અને અંતિમ સંસ્કાર કર્યા ન હતા. દુર્ગંધથી બચવા તેણીએ અગરબત્તીઓ વગેરેનો ઉપયોગ કરતી હતી.
ઘરની આજુબાજુ કોઈ પડોશીઓ ન હોવાથી લોકોને તેના વિશે કોઈ જાણ થઈ નહોતી. છેલ્લા એક વર્ષમાં જ્યારે પણ કોઈ સંબંધી ઘરે આવતા ત્યારે દીકરીઓ તેની માતાની તબિયત ખરાબ હોવાનું બહાનું કાઢીને પરત મોકલી દેતી હતી. દીકરીઓ કોઈને તેમની માતાને મળવા દેતી ન હતી. પોલીસને એવું પણ જાણવા મળ્યું છે કે છેલ્લા ઘણા સમયથી બંને ઘરના દાગીના વેચીને પોતાનો ખર્ચ પૂરો કરતી હતી. કહેવામાં આવી રહ્યું છે કે દીકરીઓ માનસિક રીતે બિમાર છે.