Madhya Gujarat

આણંદના વધુ 13 વ્યક્તિ સાયબર માફિયાના હાથે લૂંટાયાં

આણંદ : આણંદ જિલ્લામાં સાયબર માફિયાઓના આતંકનો વધુ 13 વ્યક્તિ ભોગ બની છે. આ વ્યક્તિઓ પાસેથી અલગ અલગ બહાને બેંક એકાઉન્ટ, ક્રેડિટ કાર્ડ, એટીએમકાર્ડ સહિતની વિગતો મેળવી તેમના ખાતા ખાલી કરી દેવામાં આવ્યાં છે. જેના કારણે તેઓ લાચાર બની તેમના ખાતામાં ઉપડતી રકમ જોઇ રહ્યાં છે. આ અંગે પોલીસનો સહારો લેવામાં આવ્યો છે. જેથી પોલીસે અલગ અલગ ગુના નોંધી તપાસ હાથ ધરી છે. પરંતુ હજુ સુધી કોઇ ગઠિયા સુધી પોલીસ પહોંચી શકી નથી.

બોરસદમાં સર્વેયરનું બેંક એકાઉન્ટ બંધ થયું હોવાનું જણાવી 42 હજારની છેતરપિંડી
બોરસદ શહેરના આયશા પાર્કમાં રહેતા અને જમીન માપણી વિભાગમાં સેટલમેન્ટ કમિશનર, લાયસન્સ સર્વેયર તરીકે નોકરી કરતાં ખાલીદબેગ મહંમદબેગ મૈયુદ્દીન મિરઝા સાથે રૂ.42,355ની છેતરપિંડી થઇ હતી. ખાલીદબેગ મિરઝા 15મી સપ્ટેમ્બરના રોજ બપોરના એકાદ વાગે ઘરે હાજર હતા તે સમયે મોબાઇલ પર અજાણ્યા શખ્સનો ફોન આવ્યો હતો. આ શખ્સે એક્સીસ બેન્કના કર્મચારી તરીકે પરિચય આપી એકાઉન્ટ બંધ થઇ જશે. કેવાયસી કરવા જણાવ્યું હતું. આ કેવાયસીના બ્હાને લીંક મોકલી આપી હતી. જોકે, બેન્ક એકાઉન્ટ ન હોવાથી તેના બદલામાં ક્રેડિટ કાર્ડની માહિતી સબમીટ કરી હતી. આ માહિતી મોકલ્યાના જ દિવસે ટુકડે ટુકડે કુલ રૂ.42,355 ડેબિટ થઇ ગયાં હતાં. આથી, ખાલીદબેગ મિરઝાએ તુરંત ક્રેડિટકાર્ડ બંધ કરાવી દીધું હતું. આ અંગે ખાલીદબેગ મિરઝાની ફરિયાદ આધારે બોરસદ શહેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઝારોલાની મહિલાને કુરિયર છોડાવવા રૂ.2 ચાર્જ ભરવાના બહાને 40 હજાર ઉપાડ્યા
બોરસદના ઝારોલા ગામમાં રહેતા શ્વેતાબહેન જૈમીનભાઈ પટેલ 13મી નવેમ્બરના રોજ સવારના ઘરે હતાં, તે સમયે તેમના મોબાઇલ પર અજાણ્યા શખ્સે ફોન કરી કુરિયર સર્વિસમાંથી બોલું છું તેમ કહી તમારુ કુરિયરના ચાર્જ માટે તમારા મોબાઇલ પર લીંક મોકલી છે. તે લીંક પર બે રૂપિયા કપાવો પછી તમારૂ કુરિયર અહીંથી ડિસ્પેચ થશે. તેમ જણાવ્યું હતું. શ્વેતાબહેને ડ્રેસ ઓનલાઇન મંગાવેલો હોવાથી તેમણે અજાણ્યા શખ્સ પર વિશ્વાસ કરી લીંક પર ક્લીક કરી એકાઉન્ટ ડિટેઇલ ભરી આપ્યાં હતાં. બાદમાં બે રૂપિયા ભરી સામેવાળી વ્યક્તિને જાણ કરી હતી. આથી, આ શખ્સે કુરિયર ડિસ્પેચ કરી દઉં છું. તેમ કહ્યું હતું. પરંતુ 16મી નવેમ્બરના રોજ એકાઉન્ટમાંથી અલગ અલગ સમયે કુલ રૂ.40,300 જેવી રકમ ઉપડી ગઈ હતી. આથી, ચોંકી ગયેલા શ્વેતાબહેને સાયબર હેલ્પ લાઇનમાં જાણ કરતાં મામલો ભાદરણ પોલીસ મથકે પહોંચ્યો હતો. જ્યાં પોલીસે અજાણ્યા પાંચ મોબાઇલ ધારક શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સેલ્સમેનને ટીકીટ રિફંડના નાણા આપવાના બહાને ખાતામાંથી રૂ.24 હજાર સેરવી લીધા
બોરસદ શહેરના મહાવીરનગરમાં રહેતા વિપુલકુમાર અરવિંદભાઈ શાહ સેલ્સમેન તરીકે ફરજ બજાવે છે. વિપુલકુમાર 26મી ઓગષ્ટના રોજ ઓનલાઇન મેક માય ટ્રીપ પર અમદાવાદથી મહુવા જવા માટે ખાનગી ટ્રાવેલ્સની રૂ.633ની ટીકીટ બુક કરાવી હતી. પરંતુ તેમને બીજી તારીખની ટીકીટ મળી હતી. આથી, તેને કેન્સલ કરાવી હતી. તે પછી 28મી ઓગષ્ટના રોજ બપોરના અજાણ્યા શખ્સે ફોન કર્યો હતો. તેણે હિંમત ટ્રાવેલ્સમાંથી બોલતો હોવાનું જણાવ્યું હતું. આ શખ્સ પાસે વિપુલકુમારે રિફંડ માંગ્યું હતું. આ શખ્સે મેક માય ટ્રીપના ઓનલાઇન હેલ્પલાઇન નંબર પર વાત કરવા જણાવ્યું હતું. બાદમાં બીજી વ્યક્તિ સાથે કોન્ફરન્સમાં પણ વાત કરાવી હતી. આ શખ્સે રિફંડ માટે ફોન પે ખોલાવ્યું હતું. બાદમાં રસ્ટ ડેસ્ક નામની એપ ડાઉનલોડ કરાવી તે ખોલાવી હતી. જેમાં અંક લખાવ્યાં હતાં. જે અંક લખતાં જ બેન્કના ખાતામાંથી રૂ.24,986 ઉપડી ગયાં હતાં. આ બનાવ અંગે બોરસદ શહેર પોલીસે ગુનો નોંધ્યો હતો.

યુવકના ક્રેડિટ કાર્ડમાંથી બારોબાર 90 હજાર ઉપડી ગયાં
આંકલાવની પ્રમુખ સોસાયટીમાં રહેતા ગૌત્તમકુમાર મહેન્દ્રભાઈ પટેલ વડોદરાની રીયલ એસ્ટેટ કંપનીમાં નોકરી કરે છે. તેમની પાસે આઈસીઆઈસીઆઈ બેન્કનું ક્રિડેટ કાર્ડ છે. ગૌત્તમ 12મી નવેમ્બરના રોજ ઘરે હતા, તે સમયે એક મેસેજ આવ્યો હતો. હજુ ગૌત્તમ કંઇ સમજે ત્યાં છ આંકડાનો ઓટીપી પણ આવ્યો હતો. પરંતુ ગૌત્તમકુમારે ખાસ કોઇ ધ્યાન આપ્યું નહતું. પરંતુ 25મી જાન્યુઆરીના રોજ ક્રેડિટ કાર્ડનું બિલ આવ્યું તે સમયે 90 હજારની રકમ વધુ આવી હતી. આથી, ચોંકી ગયેલા ગૌત્તમે તપાસ કરતાં 12મીએ કોઇ શખ્સે ક્લોવ સોફ્ટ નામની દિલ્હીની કંપની દ્વારા કપાયાંનું જાણવા મળ્યું હતું. આમ, ગૌત્તમે કોઇ ખરીદી કરેલી ન હોવા છતાં નાણા કપાઇ ગયાં હતાં. આ ઉપરાંત આવી કોઇ કંપની પણ ન હોવાથી છેતરપિંડી થઇ હતી. આ અંગે આંકલાવ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

વેપારીને એપ્લીકેશન અપડેટ કરવાનું કહી છેતરી લીધો
વસો તાલુકાના રામોલ ગામમાં રહેતા અશોકકુમાર મહેન્દ્રભાઈ ચાવડા કરિયાણાની દુકાન ચલાવે છે. અશોકકુમાર 25મી સપ્ટેમ્બર,23ના રોજ દુકાન પર હતા તે સમયે કોલ આવ્યો હતો. જેમાં પે કસ્ટમર કેર ઓફિસમાંથી બોલું છું, તમારા મોબાઇલમાં ફોન પે એપ્લીકેશન એપની અપડેટ આવી છે, તો તમને એક ઇન્ટરનેટ લીંક ફોન પે એપ્લીકેશનમાં મોકલું છું. તે અપડેટ કરો. તેમ જણાવી ઇન્ટરનેટ લીંક મોકલી હતી. જેમાં ફોન ચાલુ રાખી ઇન્ટરનેટ લીંક આવતા તેને અપડેટ કરતા કેશ બેક આવ્યાં નહતાં. પરંતુ ફોન ચાલુ હતો તે દરમિયાન ફોન પે એપ્લીકેશનમાં બીજા એકાઉન્ટમાં ચેક કરવાનું કહ્યું હતું. જેમાં જઇ જોતાં કુલ રૂ.4200 ઉપડી ગયાં હતાં. આ ઉપરાંત બન્ને એકાઉન્માંથી કુલ રૂ.11,140 ગાયબ થઇ ગયાં હતાં. આમ, છેતરપિંડીનું થયું લાગતા અશોકકુમારે મહેળાવ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધ્યો હતો.

ભાઇના નંબર પર નાણાં મોકલવાનું કહી છેતરપિંડી કરી
ખંભાતના આનંદનગરમાં રહેતા પરેશ જગજીવનભાઈ મિસ્ત્રી 26મી સપ્ટેમ્બર,23ના રોજ ગાયત્રીનગર ગેટ પાસે હતા, તે વખતે રાત્રિના સાડા દસેક વાગે તેમના મોબાઇલ પર કોલ આવ્યો હતો અને કહ્યું કે, મારા પાસે ગુગલ પે નથી. હું બીજાના ગુગલ પેમાંથી પૈસા નખાવું છું. તમે મને ટેક્સ મેસેજ કરી જણાવ્યું અને કહેલ કે, તમારા ખાતામાં રૂ.50 હજાર નાંખ્યાં છે. તમે મારા ભાઇના ખાતામાં નાણા નાંખી આપજો. તેમ કહી તેના ભાઈનો મોબાઇલ નંબર આપ્યો હતો અને પેટીએમથી રૂપિયા નાંખી આપવા જણાવ્યું હતું. આથી, પેટીએમ ખાતામાં રૂ.49 હજાર નાંખી આપ્યાં હતાં. આ શખ્સે ફરી રૂ.50 હજાર ખાતામાં નાંખ્યાં છે. તેમ જણાવ્યું હતું. પરંતુ લીમીટ પૂર્ણ થતાં પરેશે કોઇ કાર્યવાહી કરી હતી. બીજા દિવસે તેઓએ પ્રકાશ મારવાડી સાથે વાતચીત કરતાં આવી કોઇ રકમ ખાતામાં આવી ન હોવાનું જણાવ્યું હતું. આમ, પરેશ મિસ્ત્રી સાથે છેતરપિંડી થયાનું જણાયું હતું.

એલઆઈસી એજન્ટે દ્વારકા રૂમ બુક કરાવવાનું ભારે પડ્યું
બોરસદના વ્હેરા ગામમાં રહેતા અને એલઆઈસી એજન્ટ તરીકે કામ કરતાં ભાનુભાઈ પરસોત્તમભાઈ પ્રજાપતિએ 13મી નવેમ્બરના રોજ દ્વારકા ખાતે રૂમ બુક કરાવવા માટે મોબાઇલમાંથી સ્વામિનારાયણ ભક્તિધાન સંસ્થા દ્વારકાનો નંબર સર્ચ કર્યો હતો. જેમાં મળેલા નંબર પર ફોન કરતાં સામેવાળી વ્યક્તિએ સ્વામિનારાયણ ભક્તિધાન સંસ્થામાંથી મેનેજર દેવકુમાર વાત કરી રહ્યો હોવાનું જણાવ્યું હતું. તેમણે રૂમ બુક કરવા રૂ.2200 ભરવાનું કહ્યું હતું. જેથી ભાનુભાઈએ મોકલેલા એકાઉન્ટ પર ગુગલ પે કર્યાં હતાં. બાદમાં સ્લીપ મોકલી હતી. જોકે, સ્લીપ પર એક કોડ લખેલો હતો. જે કોડ ગુગલ પેમાં નાંખી દેવા જણાવ્યું હતું. આથી, કોડ નાંખતા તેમના ખાતામાંથી રૂ.28,852 કપાઇ ગયાં હતાં. બાદમાં ફરી રૂ.28 હજાર ગુગલ પેમાં લઇ પે અગૈન કરવા જણાવ્યું હતું. તેમ કરવા જતાં વધુ નાણા કપાયાં હતાં. આમ ગઠિયાએ કુલ રૂ.59,052નો ચુનો ચોપડી દીધો હતો.

ભાલેજના ખેડૂતની વિગતો મેળવી બારોબાર 27 હજારની લોન લઇ લીધી
ભાલેજ ગામના સાજીદખાન મહેબુબખાન પઠાણ ખેત કામ કરે છે. તેઓ એચડીએફસી બેંકમાં લોન સેલ્સ એક્ઝીક્યુટીવ તરીકે કામ કરતાં સાહીલહુસેન જાબીરહુસેન ભીશ્તી (રહે.આણંદ)ના પરિચયમાં હતાં. દરમિયાનમાં એચડીએફસી બેંક તરફથી ફ્રિમાં કોઇ પણ જાતના ચાર્જ વગર ક્રેડિટ કાર્ડ આપવાનું જાણવા મળતાં સાજીદે ઓનલાઇન ફોર્મ ભર્યું હતું. જોકે, સાજીદે પીન જનરેટ કર્યો નહતો. દરમિયાનમાં જૂન-2023ના રોજ બેન્કના રીકવરી સેન્ટર પરથી કોલ આવ્યો હતો કે ક્રેડિટ કાર્ડ પર રૂ.6ઠ્ઠી ફેબ્રુઆરીના રોજ 27,438ની લોન પડાવેલી છે. જેના હપ્તા રેગ્યુલર ભરતા નથી. તમને પેનલ્ટી આવશે. આથી, સાજીદે તપાસ કરતાં તેમના ક્રેડિટ કાર્ડનું સ્ટેટમેન્ટ મળ્યું હતું. જેમાં તેમની જાણ બહાર 6ઠ્ઠી ફેબ્રુઆરી,23ના રોજ લોન બોલતી હતી. આમ, ઓનલાઇન છેતરપિંડી થઇ હોવાનું જાણવા મળતાં સાયબર ક્રાઇમ હેલ્પ લાઇનમાં ફરિયાદ આપી હતી. આ ફરિયાદ આધારે ભાલેજ પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સારસાના યુવકને બેન્ક કર્મચારીની ઓળખ આપી રૂ.2.43 લાખ ટ્રાન્સફર કરી લીધા
સારસાના સુથાર પોળમાં રહેતા રાકેશભાઈ રમેશભાઈ પટેલ ખાનગી કંપનીમાં મશીન ઓપરેટર તરીકે ફરજ બજાવે છે. તેઓ 12મી નવેમ્બરના રોજ સવારે ખેતરમાં હતાં, તે સમયે મોબાઇલ પર અજાણ્યા શખ્સે ફોન કરી એસબીઆઈ બેન્કમાંથી બોલું છું. તમારું ક્રેડિટ કાર્ડ બંધ થયું નથી. જો તમે આ કાર્ડ બંધ નહીં કરાવો તો ચાર્જીસ લાગશે. જોકે, રાકેશ પટેલે બે વર્ષ પહેલા ક્રેડિટ કાર્ડ બંધ કરાવી દીધું હોવાનું જણાવ્યું હતું. પરંતુ સામેવાળા શખ્સે જરૂરી પ્રોસેસ બાકી હોવાનું કહી મોબાઇલ પર વિડીયો કોલ કર્યો હતો. બાદમાં એની ડેસ્ક નામની એપ્લીકેશન ડાઉનલોડ કરવા જણાવ્યું હતું. તે એપ્લીકેશનમાં ડિટેઇલ્સ ભરવાનું કહેતા તેમાં વિગતો ભરી હતી. જેમાંથી રૂ. બે યુપીઆઈ દ્વારા ટ્રાન્જેકશન કરાવ્યાં હતાં. આ પ્રોસેસ બાદ ક્રેડિટ કાર્ડ બંધ થઇ જશે. તેમ કહી ફોન કટ કરી દીધો હતો. પરંતુ 15મી નવેમ્બરના રોજ ઉપરા છાપરી ટ્રાન્જેકશન થતાં કુલ રૂ.2,43,996 ઉપડી ગયાં હતાં. આ અંગે રાકેશ પટેલની ફરિયાદ આધારે ખંભોળજ પોલીસે ગુનો નોંધ્યો હતો.

પેટલાદના પ્રોફેસરે ટાસ્ક પુરા કરી નાણા કમાવવા જતાં રૂ.1.99 લાખ ગુમાવ્યાં
પેટલાદમાં રહેતા ધરતીબહેન દીલીપભાઈ પટેલ પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. તેઓ 6ઠ્ઠી ઓક્ટોબર,23ના રોજ સવારના ઘરે હાજર હતાં તે સમયે સોશ્યલ મિડિયા પર ઓનલાઇન જોબ માટેની જાહેરાત જોઇ હતી. જેના પર ક્લીક કરતાં ટેલીગ્રામ યુઝરે ત્રણ ટાસ્ક આપ્યાં હતાં. જેમાં વિડીયો લાઇક કરીને સ્ક્રિન શોર્ટ મોકલવાથી રૂ.1000 સામે રૂ.1300 વળતર મેળવવાની વિગતો હતો. આથી, ધરતીબહેન પટેલે પોતાની બેંક ડિટેઇલ સહિતની વિગતો મોકલી આપી હતી. સામા છેડે બેન્ક એકાઉન્ટ હોલ્ડર ગોહિલ કેયુર ચંદુભાઈ લખેલું હતું. એકાઉન્ટ ઓપન થઇ ગયું હોવાનું જણાવ્યું હતું. બાદમાં ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ સમજાવી હતી. બીજા ટાસ્કમાં વધુ રૂ.2 હજાર ભરાવ્યાં હતાં. આ રકમ ભર્યા બાદ કટકે કટકે વિવિધ બહાને રૂ.1.99 લાખ ભરાવ્યાં હતાં. જોકે, સામે વળતર ન મળતાં ધરતીબહેનને છેતરપિંડી થયાનું જણાયું હતું. આ અંગે સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ આપી હતી. જે ફરિયાદ પેટલાદ ટાઉન પોલીસ મથકે મોકલી આપતાં પોલીસે બે બેન્ક ધારકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઉમરેઠના યુવક પાસેથી ક્રેડિટ કાર્ડ નંબર લઇ રૂ.54 હજારની છેતરપિંડી કરી
ઉમરેઠના બાજીભટનો ઝાપો દર્જીવાળા નાકા પાસે રહેતા સુભમ સુરેન્દ્રભાઈ પટેલ સુરત ડાયમંડની ઓફિસમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. તેઓ 4થી ઓક્ટોબરના રોજ ઘરે હતાં તે સમયે અજાણ્યા શખ્સે ફોન કરી આઈસીઆઈસીઆઈ બેંકના નવા આવેલા કાર્ડના ક્રેડિટ કાર્ડની પીન જનરેટ કરવા જણાવ્યું હતું. જે અંગે લીંક મોકલી હતી. આ લીંક પર જરૂરી વિગતો ભરી આપી હતી. જેમાં 16 આંકડાનો નંબર પણ આપી દીધો હતો. બાદમાં ફરી કોલ આવ્યો હતો. કાર્ડ પાછળ આપેલા ત્રણ આંકડા આપ્યાં હતાં. આ બાદ સામેના શખ્સે ફોન કરી નાંખ્યો હતો. મિનિટોમાં કાર્ડમાંથી રૂ.54,279.68 ઉધાર થઇ ગયાં હતાં. આથી ચોંકી ગયેલા સુભમે તપાસ કરતાં છેતરપિંડી થઇ હોવાનું જણાયું હતું. આખરે આ અંગે ઉમરેઠ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બામરોલીના બેન્ક કર્મચારીએ જ ક્રેડિટ કાર્ડના ચક્કરમાં 80 હજાર ગુમાવ્યાં
બામરોલી ગામમાં રહેતા અને આરબીએલ બેંકમાં ફરજ બજાવતાં માનવેન્દરસિંગ પ્રવિણસિંગ ઠાકોર 10મીના રોજ ઘરે હાજર હતાં તે સમયે સીમંતના કામમાં વ્યક્ત હતાં. આ સમયે તેમના મોબાઇલ પર અજાણી વેબસાઇટ પરથી મેસેજ આવ્યો હતો. જેમાં ક્રેડિટ કાર્ડમાં પોઇન્ટ જમા થયાનો મેસેજ આવ્યો હતો. જેથી અજાણી લીન્કમાં આઈસીઆઈસીઆઈ બેંકના ક્રેડિટ કાર્ડના રીડમ પોઇન્ટ આવ્યા તેવી લીંક આવતા તેમાં ક્રેડિટ કાર્ડની ડિટેઇલ માંગી હતી. જે ભરી મોકલતાં તુરંત જ રૂ.80 હજાર કપાઇ ગયાં હતાં. આ અંગે કસ્ટમર કેરમાં ફરિયાદ કરતાં ટેમ્પરરી પરત કર્યાં હતાં. પરંતુ થોડા દિવસ બાદ ફરી રૂ.80 હજાર કપાઇ ગયાં હતાં. આમ, સાયબર ફ્રોડ થયાનું જાણવા મળતાં માનવેન્દરસીંગ ઠાકુરે મહેળાવ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ખંભાતના રત્નકલાકારના ખાતામાંથી બારોબાર 58 હજાર ઉપડી ગયાં
ખંભાત શહેરના મોતીપુરામાં રહેતા મિતુલભાઈ અશોકભાઈ શિરોયા રત્નકલાકાર છે. તેઓનું બીઓબીઓમાં પત્ની સાથે જોઇન્ટ એકાઉન્ટ છે. દરમિયાનમાં 21મી નવેમ્બર,23ના રોજ મિતુલ શિરોયા બજારમાં ખરીદી કરવા ગયાં હતાં. તે સમયે ત્રણ બત્તી પાસે તેમના મોબાઇલમાં અંગ્રેજીમાં મેસેજ આવ્યો હતો. જોકે, મિતુલે તેને ગંભીરતાથી લીધો નહતો. પરંતુ થોડા સમય બાદ બીજો મેસેજ આવ્યો હતો. જેમાં રૂ.58,200 ઉપડી ગયાં હતાં. આથી, ચોંકી ગયેલા મિતુલે તુરંત બેંકમાં ફરિયાદ કરી હતી. જે તે સમયે બેંક મેનેજરે કાર્યવાહી કરીશું. તેમ જણાવ્યું હતું. પરંતુ બીજા દિવસે આ અંગે આણંદ સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ આપતા આપી હતી. જેના આધારે ખંભાત ફરિયાદ ટ્રાન્સફર કરતાં ખંભાત શહેર પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top