સુરત: ખાખીની આડમાં બુટલેગર બની ગયેલા લખનને જાંબાઝ પોલીસ હજી સુધી પકડી શકી નથી. જ્યારે પોલીસ કોન્સ્ટેબલની ગાડીમાં મળી આવેલા દારૂના કેસમાં બાતમી જાહેર કરનાર હોમગાર્ડ લાજપોર જેલમાં ધકેલાયો છે.
- પોલીસ, પોલીસને જ શોધી શકતી નથી તેનું બીજું દૃષ્ટાંત!
- પીસીઆર વાનનો કોન્સ્ટેબલ શરીરે ખાખી કપડા હોવાથી મિ. ઈન્ડિયાની જેમ અદૃશ્ય, બુટલેગર પણ ફરાર
વરાછા પોલીસના હોમગાર્ડ મિતુલને શુક્રવારે મોડી રાત્રે દારૂની બાતમી મળી હતી. તેણે પીસીઆર વાનમાં કોન્સ્ટેબલ લખન ભુરાભાઇને જાણ કરી હતી. આ લખન અને મિતુલ બંને વરાછા પટેલનગરમાં ગયા હતાં, જ્યાં તેઓએ વ્હાઇટ સ્વીફટ કારમાં દારૂ પકડી પાડ્યો હતો.
પોલીસને જોઇને દારૂ લેવા આવેલો મુખ્ય બુટલેગર મુકેશ ફરાર થઈ ગયો હતો, જ્યારે બે યુવકોને પકડી લેવાયા હતા. લાલચમાં આવેલા કોન્સ્ટેબલ લખને દારૂનો માલ પોતાની ગાડીમાં ભરી દીધો હતો અને તે કારને સરદાર પોલીસ ચોકીની પાછળ મલ્ટીલેવલ પાર્કિંગમાં મુકી દીધી હતી.
બાતમીના આધારે વરાછા પીઆઇ ગાબાણીએ જાતે જ તપાસ કરી હતી. પીઆઇને જવાબ આપવાને બદલે લખન ફોન બંધ કરી ફરાર થયો હતો. આ ગુનામાં હોમગાર્ડને પકડીને આજે જેલમાં ધકેલી દેવાયો છે, પરંતુ ખાખીની આડમાં બુટલેગર બનેલો પોલીસકર્મી લખન હજી પોલીસને મળી શક્યો નથી અને બુટલેગર પણ વોન્ટેડ છે.
કાપડના વેપારી સાથે પુણા પોલીસે બર્બરતા આચરી હતી
પૂણા વિસ્તારમાં ગયા અઠવાડિયે રાત્રે પરવત પાટીયા પાસે માધવબાગની સામે વ્રજભૂમિ એપાર્ટમેન્ટમાં રહેતા મનીષભાઇ મનોજકુમાર જાજુ, તેનો ભાઇ કૌશલ તેમજ તેનો મિત્ર દેવેન્દ્રસિંગ ધનસિંગ રાજપુરોહિતને પૂણા પોલીસે અટકાવ્યા હતા. અને બોલાચાલી થતા સામાન્ય વાતને લઈને પોલીસે જાણે રીઢા ગુનેગારો પકડાયા હોય તે રીતે માર માર્યો હતો. સમાજના આક્રોશ બાદ પોલીસે 8 અજાણ્યા પોલીસ કર્મીઓ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
પહેલા તો પૂણા પીઆઈને જ તપાસ આપી બાદમાં સારોલી પીઆઈને સોંપવામાં આવી છે. હવે સારોલી પીઆઈ એસ.એ.દેસાઈ અઠવાડિયાથી તપાસ કરી રહ્યા છે. અને ફરિયાદીને ત્રણ વખત નિવેદન લેવા બોલાવ્યા હતા. પરંતુ હજી સુધી આરોપી પોલીસ કર્મીઓની ઓળખ પરેડ કરવામાં આવી નથી. અને તેઓ હજી પણ પોલીસ ચોપડે અજાણ્યા જ છે.