દમણ(Daman): દમણ જિલ્લા પંચાયતના અંધેર વહીવટથી કંટાળી જઈ એક કોન્ટ્રાક્ટરે આજે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનનો (Protest) માર્ગ અપનાવ્યો છે. પંચાયત કચેરીની બહાર જ આ કોન્ટ્રાક્ટર આમરણાંત ઉપવાસ પર બેઠી જતાં અચરજ ફેલાયું છે.
સંઘ પ્રદેશ દમણ જિલ્લા પંચાયત પરિસરમાં વાપીના એક કોન્ટ્રાક્ટર આમરણાંત ઉપવાસ પર ઉતારવાની ફરજ પડી છે. કોન્ટ્રાક્ટર દ્વારા વર્ષ 2019 માં રૂપિયા એક કરોડ થી વધુના સિવિલ વર્ક કર્યા બાદ અમુક નાણાની ચુકવણી કર્યા બાદ આજ દિન સુધી કરેલા કામોના પૈસા તથા ડિપોઝિટ મળી એક કરોડની ભરપાઈ જિલ્લા પંચાયત દ્વારા ન કરવામાં આવતા આખરે કોન્ટ્રાક્ટરે પોતાના નીકળતા નાણાંની ભરપાઈ કરવા હેતુ જિલ્લા પંચાયત પરિસરમાં આમરણાંત ઉપવાસ પર ઉતરવાની ફરજ પડી છે.
વાપીમાં રહેતા જયદીપભાઇ દલસાણીયા જેમની મેસર્સ એસ એલ પટેલ એન્ડ કંપની દ્વારા વર્ષ 2019 માં જિલ્લા પંચાયત ના ડાભેલ અને કચ્છી ગામ વિસ્તારમાં ગટર, ડીજીંગ, તથા જીસીબી સપ્લાય સાથેના રૂપિયા એક કરોડ ના સિવિલ વર્ક કર્યા હતા.
જે કાર્યો પૂર્ણ થઈ ગયા બાદ જયદીપભાઇ દ્વારા કરેલા કામોના પૈસાની ચુકવણી હેતુ જિલ્લા પંચાયત નું ધ્યાન દોર્યું હતું. જે બાદ જિલ્લા પંચાયત દ્વારા અમુક રકમની ચુકવણી કરી દીધી હતી. જો કે, તે બાદ અન્ય મોટી રકમની ચુકવણી જિલ્લા પંચાયત દ્વારા ન કરાતા જયદીપભાઇ દ્વારા અનેકવાર આ બાબતે જિલ્લા પંચાયતના સત્તાધીશોને મૌખિક અને લેખિતમાં જાણ કરી હતી. પરંતુ તેમ છતાં પૈસાની ચુકવણી થવા પામી ન હતી.
આખરે ચાર વર્ષ નો સમયગાળો વિધિ ગયો હોય અને નાણાંની ભરપાઈ પ્રશાસન ન કરી શક્યું હોય એ સંજોગોને જોઈ જયદીપભાઇ દ્વારા બુધવારના રોજથી દમણ જિલ્લા પંચાયતના પરિસરમાં આમરણાંત ઉપવાસ ઉપર ઉતરી ગયા હતા.
જયદીપભાઇ સાથે થયેલી વાતચીતમાં તેમણે જણાવ્યું કે અનેકોવાર આ બાબતમાં સંબંધિત વિભાગને પણ તેમણે મૌખિક અને લેખિતમાં જાણકારી હતી. અને કરાયેલા કામોના બિલના પૈસાની ચુકવણી જિલ્લા પંચાયત જલ્દીથી કરે એવી અરજ કરી હતી. પરંતુ તેમ છતાં આજ દિન સુધીમાં કરેલા કામોના બિલની ચુકવણી ન થતા ગાંધી ચિંધ્યા માર્ગે આમરણાંત ઉપવાસ પર બેસવાની તેમને ફરજ પડી છે.