પારડી: પારડી નેશનલ હાઇવે નંબર 48 ચાર રસ્તા બ્રિજ ઉતરતા વાપી (Vapi) થી વલસાડ (Valsad) જતા ટ્રેક ઉપર દારૂની હેરાફેરીની બાતમીના આધારે વલસાડ એલસીબીની ટીમે વોચ ગોઠવી હતી. તે દરમિયાન ટેમ્પો આવતા પોલીસે રોક્યો હતો. જેમાં તપાસ કરતા પ્લાસ્ટિકના કેરીના (Mangoes) ખાલી કેરેટની આડમાં દારૂનો જથ્થો (Alcohol) મળી આવ્યો હતો. પોલીસે દારૂની બોટલ નંગ 2400 જેની કિં. રૂ.2.16 લાખનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ચાલક રાજ કુમાર લવધર યાદવ રહે. મહારાષ્ટ્ર, મૂળ યુપીને ઝડપી પાડ્યો હતો. દારૂના જથ્થા અંગે પૂછપરછ કરતા એક ઈસમે દારૂ ભરેલો ટેમ્પો દમણ કોસ્ટેલ હાઇવે પર એક પેટ્રોલ પંપ પાસે આપીને બારડોલી પહોંચી ફોન કરવા જણાવ્યું હતું. પોલીસે એક આરોપી ને વોન્ટેડ બતાવી દારૂનો જથ્થો ટેમ્પો સહિત કુલ રૂ.7 લાખ 16 હજાર 500નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઝડપાયેલા આરોપી રાજકુમાર યાદવ તથા દારૂનો જથ્થો ભરાવનાર એક આરોપીને વોન્ટેડ બતાવી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
વાપી જીઆઈડીસીમાં જુગાર રમતા 3 ઝડપાયા
વાપી : વાપી ઉદ્યોગનગર પોલીસને પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે, જીઆઈડીસી ફોર્ટી શેડ એરીયામાં એક કેમિકલ કંપની સામે ખુલ્લી જગ્યામાં ત્રણ ઈસમ જુગાર રમતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા. જેમાં મોહમદ મોહીન જાફર, અસ્લમ ઈસ્માઈલ શાહ અને વિનોદ નાગેન્દ્ર મેત્રે (તમામ રહે. કર્ણાટક) હોવાનું અને ડ્રાઈવિંગ કરતા હોવાનું જણાયું હતું. પોલીસે દાવ તથા અંગઝડતી કરી રોકડા 3460 કબજે લઈ જુગારધારા કલમ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી’
નિમણૂકના સાડા ચાર મહિનામાં જ ગણદેવી પાલિકાનાં ચીફ ઓફિસરે રાજીનામું ધરી દીધુ
બીલીમોરા : ગણદેવી નગરપાલિકાના ચીફ ઓફીસર વિજય શાનેએ માત્ર સાડા ચાર જ મહિનામાં શારીરિક તબિયતનો હવાલો આપી રાજીનામું ધરી દેતા કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો. પાલિકા સત્તાધીશોના તાનશાહી વલણને કારણે મુદત અગાઉ રાજીનામુ ધરી દીધાની ચર્ચા ઉઠવા પામી હતી.
દક્ષિણ ગુજરાતની નગરપાલિકાઓનાં સુરત સ્થિત પ્રાદેશિક નિયામક ડો. ડીડી કાપડીયાને ગત તા. ૧૭/૬/૨૦૨૩ નાં રોજ પત્ર લખી ગણદેવી નગરપાલિકાના ચીફ ઓફીસર વિજય શાનેએ પોતાના પદ ઉપરથી રાજીનામું ધરી દીધું હતું. જેમાં તેમણે શારીરિક તબિયત સારી નહીં હોવાથી રાજીખુશીથી રાજીનામું આપ્યાનું જણાવ્યું હતું. તેમણે સાડા ચાર મહિના અગાઉ જ ચીફ ઓફીસરનો પદભાર સંભાળ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રાદેશિક નિયામક દ્રારા ગત તા. ૧’લી ફેબ્રુઆરી ૨૦૨૩ નાં રોજ વિજય શાનેને ચીફ ઓફીસર પદે ૧૧ મહિનાના કરાર આધારીત નિમણૂક આપવામાં આવી હતી. આમ માંડ સાડા ચાર મહિના વિત્યા હતા. વિજય શાનેને વર્ષો સુધી મહેસુલ વિભાગની કામગીરી બાદ મામલતદાર તરીકે પ્રમોશન મળ્યું હતું. જે બાદ તેઓ નિવૃત થયા હતા. તે વેળા નવસારી કલેક્ટર કચેરીમાં ચીટનીશ તરીકે ફરજ બજાવતા હતા. નિવૃત્તિ બાદ તેમને બીલીમોરા નગરપાલિકામાં ચીફ ઓફીસર તરીકે નિમણૂક અપાઈ હતી. દરમિયાન ગત વિધાનસભાની ચૂંટણી આવતા તેમની જગ્યાએ કાયમી ચીફ ઓફીસર મુકાયા હતા. જે બાદ ગત ફેબ્રુઆરીમાં ગણદેવી પાલિકા ચીફ ઓફિસરની કામગીરી સંભાળી હતી. જ્યાં ટૂંકા ગાળામાં રાજીનામું ધરી દેતા અનેક અટકળો વહેતી થઈ હતી