વાપી: (Vapi) વાપીમાં ગુરુવારે સવારે સાડા ત્રણ ઇંચથી વધુ વરસાદ (Rain) પડતા ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા હતા. વાપી રેલવે અંડરપાસમાં (Railway Underpass) વરસાદી પાણીમાં પોદાર સ્કૂલની મિનિ બસ ફસાઈ ગઈ હતી. પાણીની અંદર બસ બંધ પડી જતા ૨૦ વિદ્યાર્થીઓને (Student) બહાર કાઢવામાં આવ્યા હતા.
- વાપીમાં સાડા ત્રણ ઇંચથી વધુ વરસાદને કારણે ઘણી જગ્યાએ પાણી ભરાયા
- વાપીમાં રેલવે અંડર પાસમાં વરસાદી પાણીમાં સ્કૂલ બસ ફસાતા વિદ્યાર્થીઓને બહાર કઢાયા
વાપીના રેલવે અંડરપાસમાં પાણીના નિકાલ માટે પાલિકાએ વ્યવસ્થા ગોઠવી હોવા છતાં પાણીનો નિકાલ થતો નથી. તે વાસ્તવિકતા છે. તેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહયો છે. ગુરુવારે સવારે ૬થી ૮ દરમિયાન બે કલાકમાં ૪૦ મી.મી. એટલે દોઢ ઈંચ ઉપરાંત બે કલાકમાં વરસાદ ખાબકયો હતો. ત્યાર બાદ પણ ૮થી૧૦માં ૨૦ મી.મી. એટલે કે બીજો એક ઇંચ જેવો વરસાદ પડ્યો હતો. આમ સવારે ચાર કલાકમાં અઢી ઇંચ વરસાદ પડવાથી વાપી શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા. સવારે ૧૦થી ૧૨ દરમિયાન બે કલાકમાં પણ વધુ ૧૭ મી.મી. વરસાદ પડ્યો હતો. ૧૨થી ૨ દરમિયાન બે કલાકમાં ૧૩ મી.મી. વરસાદ પડ્યો હતો. આમ સતત ૯૦ મી.મી. વરસાદ બપોર સુધીમાં પડ્યો હતો. આમ સાડા ત્રણ ઇંચ વરસાદને પગલે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. વાપી રેલવે અંડરપાસમાં પાણી ભરાવાથી કેટલાક વાહનો બંધ પડી ગયા હતા. જેમાં પોદાર સ્કૂલની બસ બંધ પડી જતા વિદ્યાર્થીઓ અટવાયા હતા.
વલસાડ 5, કપરાડા 4.4, વાપી 4.3, પારડીમાં 4 ઇંચ વરસાદ
વલસાડ : વલસાડ જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદનું જોર યથાવત રહ્યું હતુ. બુધવારે સાંજે વરસાદ ધીમો પડ્યો હતો, પરંતુ ગુરુવારે સવારથી ફરીથી વરસાદનું જોર જોવા મળ્યું હતુ. છેલ્લા 24 કલાકમાં વલસાડ જિલ્લાનો સરેરાશ વરસાદ 3.8 ઇંચ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ વરસાદ વલસાડ તાલુકામાં 5 ઇંચ પડ્યો હતો. જેની માઠી અસર વલસાડ શહેરમાં જોવા મળી હતી.
વલસાડમાં ગુરુવારે સાંજે 6 કલાકે પુરા થતા 24 કલાક દરમિયાન વલસાડ તાલુકામાં 5 ઇંચ, પારડી તાલુકામાં 4 ઇંચ, વાપી તાલુકામાં 4.3 ઇંચ, ઉમરગામમાં 2.8 ઇંચ, ધરમપુરમાં 2.8 ઇંચ અને કપરાડામાં 4.4 ઇંચ વરસાદ નોંધાયો હતો. વલસાડના ઉમરગામમાં બે દિવસ પડેલા ધોધમાર વરસાદ બાદ વરસાદ ધીમો પડ્યો હતો. જ્યારે કપરાડા તાલુકામાં બે દિવસ દરમિયાન પડેલા હળવા વરસાદ બાદ છેલ્લા 24 કલાકમાં વરસાદનું જોર વધતું જોવા મળ્યું હતુ. જોકે, એકંદરે જિલ્લાભરમાં સતત વરસાદ જોવા મળ્યો હતો.