Dakshin Gujarat

ફાયર એનઓસી નહીં લેનારી હાઇરાઇઝ બિલ્ડીંગની 14 દુકાન સીલ

વાપી : વાપી પાલિકા (Vapi Municipality) વિસ્તારમાં ફાયર સેફ્ટીની એનઓસી નહીં લેનાર 14 હાઇરાઈઝ બિલ્ડીંગની (Highrise Building) દુકાનોને વાપી પાલિકાની ટીમે રવિવારે સીલ કરી દીધી હતી. વારંવાર નોટિસ (Notice) આપવા છતાં ફાયર સેફ્ટીની એનઓસી નહીં લેનાર હાઇરાઇઝ બિલ્ડીંગની કોમર્શિયલ પ્રોપર્ટી (Commercial property) જેમાં દુકાનો હાલમાં પાલિકાએ સીલ (Seal) કરી દીધી છે. વાપી પાલિકા વિસ્તારમાં અન્ય 76 હાઇરાઇઝ બિલ્ડીંગને પણ નોટિસ આપવામાં આવી છે. રવિવારે જે બિલ્ડીંગની દુકાનો સીલ કરવામાં આવી તે બિલ્ડીંગને ચાર વખત નોટિસ આપીને પાલિકાએ ફાયર સેફ્ટીની એનઓસી લઈ લેવા તાકીદ કરી હતી.

વારંવાર નોટિસ આપવા છતાં ફાયર સિસ્ટમ ઊભી કરાઈન હતી
અત્રે નોંધનીય છે કે, વાપી નગરપાલિકા દ્વારા નગરપાલિકાના સુરત સ્થિત પ્રાદેશિક કમિશનરની સુચના મુજબ અને સુરત સ્થિત રિજનલ ફાયર ઓફિસર અને વાપી પાલિકાના ચીફ ઓફિસર શૈલેષભાઈ પટેલના આદેશ મુજબ વાપીના ટાઉન પ્લાનર તેમજ ઇન્ચાર્જ ફાયર ઓફિસર કલ્પેશભાઈ શાહ દ્વારા વાપી નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલી હાઇરાઇઝ બિલ્ડીંગ પૈકી નગરપાલિકા દ્વારા વારંવાર નોટિસ આપવા છતાં નિયમ અનુસાર ફાયર સિસ્ટમ ઊભી કરી રીજનલ ફાયર ઓફિસર સુરત દ્વારા ફાયર એનઓસી રજૂ નહીં કરી હોય તેવી ત્રણ બિલ્ડીંગોમાં દુકાનોને સીલ કરવાની કાર્યવાહી શનિવારે કરવામાં આવી હતી.

રહેણાંક વિસ્તારમાં પણ કાર્યવાહી કરવામાં આવશે
જ્યારે રવિવારે બીજી 11 હાઇરાઇઝ બિલ્ડિંગોની દુકાનો સીલ કરવામાં આવી હતી. આમ કુલ 14 બિલ્ડિંગોની દુકાનોને છેલ્લા બે દિવસમાં પાલિકા દ્વારા સીલ કરવામાં આવી છે. હજી પણ અન્ય બિલ્ડીંગો દ્વારા ફાયર સેફ્ટી અંગે જાગૃત્તા નહીં આવે અને એનઓસી મેળવવામાં જો બેદરકારી રાખવામાં આવશે તો પાલિકા અન્ય બિલ્ડીંગોમાં પણ કોમર્શિયલ દુકાનોને પહેલા સીલ કરશે. ત્યારબાદ રહેણાંક વિસ્તારમાં પણ કાર્યવાહી કરવામાં આવશે.

વાપીમાં હાઇરાઇઝ 94 બિલ્ડીંગોએ ફાયર સેફ્ટીની એનઓસી મેળવી
વાપી નગરપાલિકા દ્વારા વાપી નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલા બિલ્ડીંગોને નિયમોનુસાર ફાયર સિસ્ટમ ઇન્સ્ટોલ કરી તાત્કાલિક સુરત રિજનલ ફાયર ઓફિસર પાસેથી ફાયર એનઓસી મેળવી લેવાની તાકીદ કરવામાં આવી છે. આગામી દિવસોમાં પણ સરકારની સૂચના મુજબ ફાયર એનઓસી વગરના બિલ્ડીંગોને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવશે. પાલિકા દ્વારા જણાવ્યા પ્રમાણે ૧૭૨ હાઇરાઇઝ બિલ્ડીંગોમાં હમણાં સુધીમાં ૯૪ બિલ્ડીંગો દ્વારા ફાયર સેફ્ટીની એનઓસી મેળવી લેવામાં આવી છે.

Most Popular

To Top