વાપી: (Vapi) વાપીના કુંભારવાડમાં રહેતી પરિણીતા ઉપર પતિ દ્વારા શારીરિક-માનસિક ત્રાસ આપી પૈસા લાવવાનું દબાણ કરતો હોવાનું અને આ બાબતે પરિણીતાએ પોલીસ મથકમાં (Police Station) આપેલી ફરિયાદ પાછી ન ખેંચે તો પુત્રને લઈ જવાની તથા પરિણીતા ઉપર એસિડ (Acid) ફેંકવાની ધમકી આપતા પરિણીતાએ વાપી ટાઉન પોલીસ મથકમાં પતિ સહિત સાસરીયાના 6 સભ્ય સામે ફરિયાદ નોંધાવી હતી.
- દહેજની ફરિયાદ પાછી ન ખેંચે તો પરિણીતા ઉપર એસિડ ફેંકવાની ધમકી
- વાપીમાં પતિએ પુત્રને લઇ જવાની ધમકી આપતા સાસરીયાઓ સામે વાપી ટાઉનમાં પરિણીતાની ફરિયાદ
વાપી ટાઉન પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર, વાપી ટાઉન, કુંભારવાડમાં અંગીરા દિપક શર્મા પરિવાર સાથે રહે છે. તેનો પુત્ર રોમીયો અભ્યાસ કરે છે. તેનો પતિ દિપક વાહનો લે-વેચનું કામ ઘરેથી કરે છે. તેઓના લગ્ન રીતરિવાજ મુજબ થયા હતાં. ગત તા.6-8-23 ના રોજ પતિ દિપકે પરિણીતાને જણાવ્યું હતું કે મકાન રીપેરીંગ માટે તારા પિતાજી પાસેથી રૂ.10 લાખ લઈ આવ, જે અંગે તેણીએ એટલા પૈસા નહીં હોવાનું જણાવતા ઉશ્કેરાઈ ગયો હતો, ઢીક્કાપાટુનો માર માર્યો હતો. જે બાદ તેણીએ મહિલા હેલ્પલાઈનમાં ફોન કરતા પોલીસ ટીમે આવી જરૂરી કાર્યવાહી કરી હતી.
આ બાબતે જેઠનો પુત્ર યશ શર્મા ઘરે આવ્યો હતો. કાકાના જામીન કરાવવાના હોય પુત્ર રોમીયોને મોકલવાનું કહેતા ના પાડી હતી, જેથી તેણે બોલાચાલી કરી હતી. બાદમાં જેઠની પુત્રી મેઘા શર્મા, જેઠાણી ઉષા શર્મા (રહે.ચીકુવાડી, ચલા-વાપી), નણંદની પુત્રી મિત્તલ મનોજ શર્મા (રહે.અપના ઘર સોસાયટી-ચલા-વાપી) તથા જેઠનો પુત્ર અક્ષય અશોક શર્મા (રહે. પ્રમુખ રેસીડેન્સી, ચલા) ઘરે આવી ઝઘડો કર્યો હતો અને તને અહીં નહીં રહેવા દેવાની ધમકી આપી હતી. જે બાદ તેના પતિએ ઘરે આવી પોલીસમાં મારા વિરૂદ્ધ કેટલું આગળ જઈશ, તું મારુ કંઈ બગાડી નહીં શકે, તને હેરાન કરી અહીંથી જવા મજબૂર કરીશ કહી જતો રહ્યો હતો.
પતિ દિપક વાપી શાકભાજી બજારમાં તેને મળ્યો હતો અને ફરિયાદ પાછી લઈ લેવાનું દબાણ સાથે છોકરાને લઈ જવાનીઅને તારી ઉપર એસિડ છાંટી દઈશની ધમકી આપી હતી. બાદ દિકરાને પણ ફોન કરી તેની વિરૂદ્ધ ઉશ્કેરવાની કોશિષ કરતા પરિણીતાએ પતિ દિપક વિષ્ણુદત્ત શર્મા, યશ સુનિલ શર્મા, મેઘા સુનિલ શર્મા, ઉષા સુનિલ શર્મા (તમામ રહે. ચીકુવાડ), મિત્તલ મનોજ શર્મા અને અક્ષય અશોક શર્મા સામે વાપી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.