વાપી: (Vapi) વાપીના છીરી રણછોડનગર, ગાયત્રી કોમ્પ્લેકસના બીજા માળે ઘરે એકલી રહેતી બિલ્કીસ પરવીન રાજુ મંડલની ગત તારીખ 18-4-23 ના રોજ રાત્રીના દશેક વાગ્યાની આસપાસ ગળે ટૂંપો આપી હત્યા (Murder) કરવામાં આવી હતી. જે અંગેનો ગુનો વાપી ડુંગરા પોલીસ (Police) મથકમાં નોંધાયેલો હતો અને તેની વધુ તપાસ પીઆઈ વી.જી.ભરવાડ કરી રહ્યા હતાં.
- વાપીની મહિલાની હત્યામાં સંડોવાયેલા ઈસમોએ મહિલાનું અપહરણ કરી દેહવ્યાપારમાં ધકેલી હતી
- પ.બંગાળથી મહિલાનું અપહરણ કરી સહઆરોપીના ઘરે રાખી સુરત તથા સેલવાસમાં દેહવ્યાપાર માટે મોકલતા પોલીસે છોડાવી
આ હત્યાના ગુનાની ગંભીરતા લઈ તેને ઉકેલવા માટે સુરતના અધિક્ષક પોલીસ મહાનિર્દેશક પિયુષ પટેલ તથા વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડો.રાજદિપસિંહ ઝાલા તથા વાપી વિભાગના નાયબ પોલીસ પોલીસ અધિક્ષક બી.એન.દવેની સૂચના-માર્ગદર્શન હેઠળ એલસીબી અને એસઓજી ટીમ કામે લાગી હતી. ટીમ દ્વારા હત્યાના ગુનામાં સંડોવાયેલા બહાઉદ્દીન ઉર્ફે રાજુ શાહીદુલ્લ મંડલ તથા સમીર ઉર્ફે અમિત મંડલ (બંને રહે. ન્યુ ગુજરાત હાઉસીંગ બોર્ડ, ગુંજન વાપી, મૂળ પિશ્ચમ બંગાળ)ને ઝડપી પાડ્યા હતાં. બિલ્કીસ પાસે વધુ પૈસા-ઘરેણા હોવાની માહિતીને લઈ તેઓએ હત્યાનું કાવતરૂ ઘડયુ હતું.
વાપી ડુંગરાના પીઆઈ વી.જી.ભરવાડ દ્વારા આરોપીની વધુ પૂછપરછ દરમિયાન બહાઉદ્દીન ઉર્ફે રાજુએ વેસ્ટ બંગાળ, વર્ધમાન જિલ્લાથી એક મહીલાનું અપહરણ કરી ગુજરાતમાં લાવ્યા હતા અને તેને દેહ-વ્યાપારનો ધંધો કરાવતા હોવાનું જણાતા પોલીસે આ બાબત અંગે વેસ્ટ બંગાળ રાજ્ય, વર્ધમાન જિલ્લાના કાલના પોલીસ મથકમાં તપાસ કરતા અપહરણનો ગુનો નોંધાયેલો હતો. પોલીસ દ્વારા અપહરણ થયેલી મહિલાને આરોપીની ચુંગાલમાંથી દેહ-વ્યાપારના ધંધામાંથી આઝાદ કરાવી હતી. અપહ્યત મહિલાને વાપી લાવી હત્યાના સહઆરોપી સમીર ઉર્ફે અમિત મંડલના ઘરે રાખી હતી અને પકડાયેલા બંને ઈસમો દ્વારા દેહવ્યાપાર માટે સુરત તથા સેલવાસ મોકલેલ હોવાનું ખુલ્યું હતું.