વાપી : વાપીના (Vapi) ભડકમોરા બીજીબી કોમ્પલેક્ષની સામે રોડની બાજુમાં પડાવમાં રહેતા પરિવારની મહિલાની માથામાં પથ્થર મારી હત્યા (Murder) કરવાના ગુનામાં પોલીસે (Police) શીવા પવાર નામના શખ્સને ઝડપી પાડ્યો છે. શીવા પવાર મૂળ મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાનો રહેવાસી છે તથા વાપીમાં ભડકમોરા નાની સુલફડમાં રહેતો હતો. લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે શીવા પવારને ઝડપી પાડી ગુનો ઉકેલી કાઢવામાં સફળતા મેળવી છે.
- ભડકમોરામાં રાત્રે સૂતેલી મહિલાને પથ્થર મારી હત્યા કરવાના બનાવનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો
- મંદિર પાસે નહીં બેસવાનું કહેવાની સામાન્ય બાબતે અદાવત રાખીને રાત્રે માથામાં પથ્થર માર્યો હતો
આ બનાવની વિગત એવી છે કે, મહારાષ્ટ્રના સોનાટી ગામનો રહેવાસી સતિષ વિષ્ણુભાઇ સોલંકે વાપીના ભડકમોરામાં રહીને લુહારી કામ કરી પરિવાર સાથે રહે છે. તેની ૫૫ વર્ષની કુટુંબી દાદી સુંદરબાઇ રઘુનાથ સોલંકે એક માસ પહેલા મહારાષ્ટ્રના ખેરખેડા ગામથી અહીં આવી હતી. સતિષના પરિવાર સાથે રાત્રે બધા સૂતા હતા. ત્યારે પલંગ પર માથા પર ઓઢીને સૂતી સુંદરબાઈને રાત્રે સતિષ સમજીને શીવાએ મોટો પથ્થર માથાના ભાગે મારીને ભાગી ગયો હતો.
આ હત્યા કરવા પાછળનું કારણ શીવાએ પોલીસને એવું બતાવ્યું હતું કે, આઠેક દિવસ પહેલા ભડકમોરા હનુમાન મંદિર પાસે બેસવા માટે થઈને સતિષે તેને ગાળો આપી અહીં નહીં બેસવા કહ્યું હતું. તેની અદાવત રાખીને રાત્રે પરિવાર સૂતો હતો ત્યારે પલંગ પર સતિષ સૂતો હોવાનું માનીને શીવા પવારે માથામાં મોટો પથ્થર માર્યો હતો. જોકે બીજે દિવસે તેને ખબર પડી હતી કે પથ્થરથી સતિષનું નહીં બીજી મહિલા હતી તેનું મૃત્યુ થયું હતું. વાપી જીઆઇડીસી પોલીસ મથકમાં નોંધાયેલા હત્યાનો ગુનો ગણતરીના દિવસમાં ઉકેલી કાઢી પોલીસે સારી સફળતા મેળવી છે. એલસીબીના પીઆઇ જે.એન.ગોસ્વામી, પીએસઆઇ સી.એચ.પનારા તથા એલસીબીની ટીમને સારી સફળતા મળી છે.
હત્યાના ગુનામાં પેરોલ પર છૂટ્યો ને ત્રીજી હત્યા કરી
વાપીના ભડકમોરામાં રાત્રે સૂતેલી મહિલાને માથામાં પથ્થર મારી હત્યા કરનારો શીવા પવાર નજીવી બાબતમાં હત્યાઓ કરવાનો આરોપી છે. આ પહેલા તેણે બે હત્યા આ જ પ્રકારે કરી છે. આ ત્રીજી હત્યા પણ નજીવી બાબતમાં કરી છે. આમ રીઢો ગુનેગાર ૫૫ વર્ષનો શીવા પવાર ઉર્ફે પોપટ ઉર્ફે રાજુ ઉર્ફે મામા મહાદેવ પવાર વડારી મૂળ મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના નિન્મિ નાગાવનો રહેવાસી છે. આ પહેલાં બીલીમોરામાં તલોજ આમલી ફળિયામાં બોલાચાલી થતાં છગનભાઇ પટેલને માથામાં લાકડાના ફટકા મારી હત્યા કરી હતી.
બીલીમોરામાં તેની ફોઈને મારમારી તેના સોનાના દાગીનાની લૂંટ કરી હતી. જ્યારે પુના મહારાષ્ટ્રના કોરેગાંવ પાર્કની બાજુમાં ઝુંપડપટ્ટીમાં રહી ટ્રેનમાં વિમલ પાન મસાલા વેચતો હતો તેની સાથે ધંધો કરતો સોનુ કુશ્વાહ સાથે પૈસાની લેતી-દેતીમાં બોલાચાલી થતાં તેની અદાવતમાં રાત્રે સોનુ કુશ્વાહના માથામાં લોખંડના સળીયાના ફટકા મારી હત્યા કરી હતી. આ ગુનામાં યરવડા જેમાં હતો ત્યાંથી ૧૮-૬-૨૦૨૦ના રોજ ૪૫ દિવસના પેરોલ ઉપર છૂટ્યો હતો. ત્યારબાદ જેલમાં હાજર થયો ન હતો.