Dakshin Gujarat

વાપીની યુવતી ઇન્સ્ટાગ્રામ પર યુવકની પ્રેમજાળમાં ફસાઈ જતાં પરિજનોએ અહીં ફોન કરી મદદ માંગી

વાપી: (Vapi) વલસાડ જિલ્લાના વાપી તાલુકાના નજીકના ગામમાંથી (Village) એક મહિલાએ પોતાની ૧૯ વર્ષીય દીકરીને કોઈ અજાણ્યા પરપ્રાંતિય યુવકે ઈન્સ્ટાગ્રામ (Instagram) ઉપર પ્રેમજાળમાં ફસાવી એની સાથે જવા જીદ કરતા ૧૮૧ અભયમને કોલ કરી મદદ માંગી હતી. કોલ મળતા જ ૧૮૧ અભયમની ટીમ (Abhayam Team) મહિલાએ જણાવેલા સરનામે પહોંચી હતી. જ્યાં મહિલાના જણાવ્યા અનુસાર તેઓ આર્થિક રીતે સુખી સંપન્ન પરિવારના છે અને સંતાનમાં એક જ દીકરી છે. જે કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે.

  • ઈન્સ્ટાગ્રામ પર પરપ્રાંતિય યુવકની પ્રેમજાળમાં વાપીની યુવતી ફસાઇ ગઇ
  • સીએ બનવા માંગતી યુવતીનું જીવન અંધકારમય બને તેમ હોવાથી પરિવારે અભયમની મદદ લીધી
  • યુવક બીજા કોઈ રાજ્યમાંથી કામ ધંધા અર્થે ઘણા સમયથી દમણમાં એકલો રહે

છ મહિના અગાઉ તેની ઈન્સ્ટાગ્રામ ઉપર એક યુવક સાથે મિત્રતા બંધાઈ હતી અને આ મિત્રએ બે મહિના બાદ તેને પ્રેમજાળમાં ફસાવી હતી. જેની જાણ માતા-પિતાને થતા દીકરીની પૂછપરછ કરતા જણાવ્યું કે, યુવક બીજા કોઈ રાજ્યમાંથી કામ ધંધા અર્થે ઘણા સમયથી દમણમાં એકલો રહે છે તથા હાલ કોઈ કામ ધંધો કરતો નથી. તેણે તેના મિત્ર પાસેથી પણ ૫ થી ૧૦ હજાર રૂપિયા પડાવ્યા હતા. તેથી તેમણે દીકરીને આવા યુવકની જાળમાં ન ફસાય તે માટે સમજાવવાના ખૂબ પ્રયત્ન કર્યા, પરંતુ દીકરી માની ન હતી. દીકરીએ પરિવારની વાત નહીં માનતા તેમણે યુવકને મુલાકાત માટે બોલાવ્યો હતો, પરંતુ તે આવ્યો ન હતો. દીકરીએ યુવક સાથે જ જતી રહેવાની જીદ કરતા તેનું જીવન અંધકારમય ન બને તે માટે દીકરીને સમજાવવા ૧૮૧ અભયમની મદદ લીધી હતી.

અભયમની ટીમે આ બાબતે દીકરીનું કાઉન્સેલિંગ કર્યું હતું અને તે કેવી રીતે દમણના યુવકના સંપર્કમાં આવી તેમજ પોતે સીએ થવા માંગે છે તેમ જણાવ્યું હતું. ટીમ દ્વારા તેનું તેના શૈક્ષણિક કારકિર્દી અંગે કાઉન્સેલિંગ કરી દીકરી સારો અભ્યાસ કરી ઉચ્ચ ડીગ્રી મેળવી સારા હોદ્દા પર નોકરી મેળવે તે માટે તેને પ્રોત્સાહિત કરી હતી. અજાણી તથા અવિશ્વાસુ વ્યક્તિની વાતોમાં ફસાઈને પોતાની જિંદગી ખરાબ ન થાય સાથે માતા-પિતાના સ્વપ્નો પણ ન તૂટે તે માટે ૧૮૧ અભયમની ટીમે સમજાવતા દીકરીને પોતાની ભુલ સમજાઈ હતી. હવે પછી તે યુવક સાથે કોઈપણ જાતનો વ્યવહાર રાખશે નહીં તેમ જણાવ્યું હતું. તેથી માતા-પિતાએ હાશકારો લઈ ૧૮૧ ટીમનો આભાર માન્યો હતો.

Most Popular

To Top