Dakshin Gujarat

વાપીના ડુંગરી ફળિયાના ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ

વાપી: (Vapi) વાપી ટાઉન, મચ્છી માર્કેટમાં આવેલા ડેકોરેટર્સમાં શનિવારે મોડી રાત્રે આશરે બારેક વાગ્યાની આસપાસ ભીષણ આગ (Fire) ફાટી નીકળી હતી. જેમાં ડેકોરેશનનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. જ્યારે અન્ય આગનો બનાવ વાપીમાં બન્યો હતો. અહીંના ડુંગરી ફળિયામાં આવેલા ભંગારના ગોડાઉનમાં (Godown) પણ આગ ફાટી નીકળતા આખુ ગોડાઉન સળગી ગયું હતું. સદનસીબે આ બંને બનાવમાં કોઇ જાનહાનિ થઇ ન હતી. આ બંને આગ પર લાશ્કરોએ કાબૂ મેળવી લીધો હતો.

  • વાપીના ડુંગરી ફળિયાના ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ
  • મચ્છી માર્કેટમાં આવેલા ડેકોરેટર્સમાં પણ મોડી રાતે આગ ફાટી નીકળી
  • સદનસીબે આ બંને બનાવમાં કોઇ જાનહાનિ થઇ ન હતી

વાપી ફાયર વિભાગના સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર, વાપી ટાઉન મચ્છી માર્કેટમાં આવેલ અજમેરી ડેકોરેટર્સમાં શનિવારે મોડી રાત્રીના આશરે બારથી સાડા બારના સમયગાળામાં આગ ફાટી નીકળી હતી. આગ લાગતા ડેકોરેટર્સમાં રહેતા તથા આસપાસના લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી. આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગની જાણ તરત જ ફાયર વિભાગને કરવામાં આવી હતી. ઘટના સ્થળે વાપી નગરપાલિકાની ફાયર ટીમ આવી પહોંચી હતી અને કલાકોની જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવી લેવાયો હતો. આગના સમયે કોઈ જાનહાનિ ન થાય તેને ધ્યાને રાખી વીજપ્રવાહ પણ બંધ કરી દેવામાં આવ્યો હતો.

તો બીજી તરફ રવિવારે બપોરના સમયે વાપીના ડુંગરી ફળિયાના આઝાદ નગરમાં આવેલા ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. આગ લાગતા જ ભંગારના ગોડાઉનમાં રહેતા તથા આસપાસના લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી. ભંગારનો સામાન હોય આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યુ હતું. આગના ધૂમાડના ગોટેગોટા દૂર-દૂર સુધી નજરે પડયા હતાં. આગની જાણ તરત જ ફાયર વિભાગને કરવામાં આવતા વાપી ટાઉન નગરપાલિકા, વાપી જીઆઈડીસી-નોટિફાઈડ, પારડી સહિત ખાનગી કંપનીઓની ફાયર ટીમ આવી પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી કલાકોની જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવી લેવાયો હતો. નોંધનીય છે કે, ભંગારના ગોડાઉનની આસપાસ રહેણાંક વિસ્તાર પણ આવેલા છે. આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી બંને સ્થળોએ આગ કયા કારણોસર લાગી, કેટલું નુકશાન થયું તે જાણી શકાયું નથી.

Most Popular

To Top