વાપી: (Vapi) મુંબઈથી હાપા જતી દુરંતો એક્સપ્રેસ ટ્રેનમાં (Duranto Express Train) દારૂનો (Alcohol) નશો કરી ધમાલ-મસ્તી કરતાં અમદાવાદના 3 યુવકોને પોલીસે વાપી રેલવે સ્ટેશને ઉતારી દીધા હતા. વાપી રેલવે પોલીસે આ અંગે નોંધ કરી વધુ તાપાસ હાથ ધરી છે. પોલીસ (Police) સૂત્રો દ્વારા મળતી માહિતી મુંબઈથી હાપા જતી ટ્રેન નં. 12267 દુરંતો એક્સપ્રેસ ટ્રેન મુંબઈથી ઉપડ્યા બાદ સીધી સુરત ઉભી રહે છે.
- દુરંતો એક્સપ્રેસ ટ્રેનમાં અમદાવાદના ત્રણ પીધેલાને વાપી ઉતારી દેવાયા
- દારૂનો નશો કરી ધમાલ કરતા ત્રસ્ત મુસાફરોએ રેલવે કંન્ટ્રોલને જાણ કરતાં પોલીસની કાર્યવાહી
આ ટ્રેનમાં શનિવારે મોડી રાત્રે 1:10 કલાકે કોચ નં. બી-6માં મુસાફરી કરી રહેલા ભરત સોમજી પટણી, પ્રકાશ રમેશ પટણી અને વિજય રમેશ પટણી (તમામ રહે. અસારવા-અમદાવાદ) દારૂનો નશો કરી ધમાલ મસ્તી કરી રહ્યા હતા. જેનાથી ત્રસ્ત આવી ગયેલા અન્ય મુસાફરોએ રેલવે કંન્ટ્રોલને આ અંગે જાણ કરતાં તેનો મેસેજ વાપી રેલવે પોલીસને મળતા વાપી રેલવે સ્ટેશને આ ટ્રેનને રોકી તેમાંથી દારૂના નશા સાથે ધમાલ મસ્તી કરતાં ત્રણ નબીરાને ઝડપી વાપી ઉતારી દીધા હતા. પોલીસે આ અંગે પોલીસ ડાયરીમાં નોંધ કરી વધુ તપાસ પોકો નરેશ બચુ કરી રહ્યા છે.
સૂર્યનગરી એક્સપ્રેસમાં મુસાફરની બેગમાંથી સોનાની ચેઇન અને રોકડની ચોરી
વલસાડ : વલસાડથી પસાર થતી ટ્રેનમાં ફરીથી ચોરીની ઘટનાઓ શરૂ થઇ ગઇ છે. અહીંથી પસાર થતી જોધપુર-બાન્દ્રા સૂર્યનગરી એક્સપ્રેસ ટ્રેનમાં એક મુસાફર સૂઇ જતાં તેની બેગમાંથી કોઇ ચોર રૂ. 4500 અને સોનાની ચેઇન મળી કુલ રૂ. 89,500ની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ મહારાષ્ટ્રના ગોરાઇમાં રહેતા હંજા નાગેશ નામની મહિલા ગત 13મી જાન્યુઆરીના રોજ રાજસ્થાનથી સૂર્યનગરી એક્સપ્રેસમાં મુંબઇ પરત થઇ રહ્યા હતા. ત્યારે વલસાડ સ્ટેશન આવતાં તેમની આંખ લાગી ગઇ અને તેઓ સૂઇ ગયા હતા. આ સમયે તેની બેગની ચેન ખોલી કોઇ ચોર તેમાં મુકેલા પર્સમાંથી રોકડા રૂ.4500 અને સોનાની 16 ગ્રામની ચેઇન મળી કુલ રૂ. 89,500ની ચોરી કરી ફરાર થઇ ગયો હતો. આ બનાવ સંદર્ભે તેણે મુંબઇ પોલીસ મથકે ફરિયાદ કરતા પોલીસે બનાવ સંદર્ભે ગુનો દાખલ કરી તેને વલસાડ ટ્રાન્સફર કરી હતી. ત્યારે વલસાડ રેલવે પોલીસે બનાવ સંદર્ભે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.