વાપી: (Vapi) વાપીના કચીગામ રોડ પર રહેતા એક જૈન પરિવારના યુવકે તેની પત્નીને (Wife) સાળી પર ચપ્પુથી હુમલો કરતાં શહેરમાં ચકચાર મચી ગઈ હતી. છેલ્લા બે મહિનાથી પતિ-પત્ની અલગ રહેતા હતાં. આ અંગે સાળીએ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાનો પ્રયાસ (Attempt to murder) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પત્ની અને સાળી ઉપર ચપ્પુ (Knife) થી હુમલો કરી ભાગવા જતાં જ લોકોએ પતિને પકડી પોલીસને સોંપી દીધો હતો.
- કચીગામરોડ પર રહેતા પતિ પરેશ કટારિયા સાથે અણબનાવ થતાં પત્ની બે મહિનાથી અલગ રહેતી હતી
- હુલમાખોરની પત્ની અને સાળીને સારવાર માટે જનસેવા હોસ્પિટલમાં ખસેડાયા
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વાપીના કચીગામ રોડ કુંભારવાડ ખાતે, સંસ્કાર ભારતી સ્કૂલની નજીક અંબિકા પાર્કમાં રહેતા પરેશ લાખાભાઈ કટારિયાની પત્ની સીમાબેનને પતિ સાથે અણબનાવ થતાં છેલ્લા બે માસથી અલગ રહે છે. સીમાબેન તેમની બેન સોનાલી સાથે દમણ-કચીગામ રોડ પર આવેલા પરમ રેસિડન્સીમાં તેના એક સંતાન સાથે અલગ રહે છે. ગતરોજ સીમા અને તેની બહેન સોનાલી નહેરૂ સ્ટ્રીટ ખાતે આવેલા જૈન દેરાસર નજીક સાંજે પસાર થઈ રહી હતી. તે દરમિયાન ત્યાંથી પસાર થતાં પરેશે સાળી સોનાલી અને પત્ની સીમાને એકસાથે જોતા આક્રોશમાં આવી જઈ બંને ઉપર ચપ્પુથી હુમલો કરી દીધો હતો.
પત્ની સીમા અને સાળી સોનાલીની છાતી પર ચપ્પુથી હુમલો કરી પતિ પરેશ કટારિયા ભાગવા જતાં લોકોના ટોળાંએ તેને પકડી લઈ પોલીસને સોંપી દીધો હતો. ગંભીર રીતે ઘવાયેલા સીમાબેન અને સોનાલીબેનને જનસેવા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. પોલીસે આ બંનેના નિવેદન લઈ પરેશ કટારિયા વિરુધ્ધ હત્યાનો પ્રયાસ હેઠળ ગુનો નોંધ્યો હતો. જોકે, પરેશ નો કોરોના રિપોર્ટ આવ્યા બાદ પોલીસ તેની કાયદેસરની ધરપકડ કરી આગળની તપાસ પીએસઆઈ સગર કરી રહ્યા છે.