વાંકલ: (Vankal) માંગરોળના આંકડોદ ગામમાં પશુ ચરાવવા ગયેલા બે બાળ મિત્રો (Friends) ઉપર દીપડાએ (Panther) હુમલો કરતાં એકનું મોત નીપજ્યું હતું. બાળકો પશુ ચરાવવા ગયાં હતાં. ત્યારે જ બે પૈકી એક બાળક પર હુમલો કરી દીપડાએ બાળકને (Child) ગળાના ભાગેથી પકડી મોતને ઘાટ ઉતારી દીધો હતો.
- માંગરોળના આંકડોદમાં પશુ ચરાવવા ગયેલાં બે બાળક ઉપર દીપડાનો હુમલો: એકનું મોત
- માતા-પિતાએ એકમાત્ર પુત્ર અને બહેને ભાઈ ગુમાવ્યો
- ઘટના બાદ ગ્રામજનોએ ખેતરને ચારેબાજુથી ઘેરી લેતાં દીપડો ડોક્યું કરી ફરી ખેતરમાં સંતાઈ ગયો
- બાળકના ગળાના ભાગે દીપડાના દાંતનાં નિશાન મળી આવતાં લોકોમાં આક્રોશ
દીપડાનો શિકાર બનેલા બાળકનું નામ સતીશ મહેશ વસાવા (ઉં.વ.12) હોવાનું જાણવા મળ્યું છે. સતીશ માતા-પિતાનો એકનો એક દીકરો અને બહેનનો એકનો એક ભાઈ હતો. સતીશ ધોરણ-6માં અભ્યાસ કરતો હતો. મંગળવારે ગણેશ ચતુર્થીને લઈ શાળાએ રજા હોવાથી પશુ ચરાવવા ગયો હતો. ત્યારે આ ઘટના બની હતી.
સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, ઘટના મંગળવારે સવારે બની હતી. દીપડો ખેતરમાં છુપાઈને બેઠો હતો. દીપડાએ ખેતરમાં એકાએક પશુઓ પર હુમલો કર્યો હતો. ત્યારબાદ પશુઓ ચરાવવા નીકળેલા બાળકોને જોઈ ખેતરમાંથી બહાર નીકળી ફરી બાળકો પર એટેક કર્યો હતો. બાળકો પર એટેક કરતાં એક બાળક દીપડાના હાથે ચઢી ગયો હતો. જો કે, બૂમાબૂમ થતાં દીપડો બાળકને છોડી ખેતરમાં ઘૂસી ગયો હતો. ગ્રામજનોએ ખેતરને ચારેબાજુથી ઘેરી લેતાં દીપડો ખેતરમાંથી ડોક્યું કરી પાછો ખેતરમાં સંતાઈ ગયો હતો.
ઘટનાની જાણ થતા જ ગ્રામજનોએ ભેગા થઈ વન વિભાગને જાણ કરતાં તેઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. બાળકના ગળાના ભાગે દીપડાના દાંતનાં નિશાન મળી આવતાં લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે. હાલ પોલીસ અને વન વિભાગના અધિકારીઓએ વધુ તપાસ હાથ ધરી પાંજરું ગોઠવ્યું છે.