આણંદ : વિદ્યાધામ વિદ્યાનગરમાં શિક્ષણનો યજ્ઞ ચલાવતા ચારુતર વિદ્યામંડળના ખાલી પ્લોટ પર સ્ટોન પરિવારે દાવો કરતા વિવાદ સર્જાયો હતો. આ વિવાદમાં મહિના પહેલા ધમાલ થયા બાદ ફરી વખત રવિવારની મોડી રાત્રે જેસીબી સાથે પ્લોટમાં ઘુસી દિવાલ, ઓરડી, કેમેરાની તોડફોડ કરવામાં આવી હતી. જેના પગલે વિદ્યાનગર પોલીસે વકિલ સહિત બે સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી. વિદ્યાનગરની રાણક હોસ્ટેલ પાસે સીવીએમના વર્ષો જૂના ક્વાર્ટ્સ આવેલા હતા. જે ટેમ્પરરી ક્વાર્ટ્સ તરીકે ઓળખાતાં હતાં. આ ક્વાર્ટ્સ જૂના અને જર્જરિત થતાં તેને 2020માં ઉતારી લેવામાં આવ્યાં હતાં.
જોકે હોસ્ટેલની વિદ્યાર્થિનીઓની સગવડતા અને સવલત માટે નવી હોસ્ટેલ બનાવવાની કામગીરી ચાલુ હોવાથી આ ક્વાર્ટ્સમાં ત્રણ રૂમ રાખી હતી, જેમાં બાંધકામનો સામાન પડી રહેતો હતો. બીજી તરફ અહીં છેલ્લા કેટલાક સમયથી સ્ટોન પરિવાર દ્વારા રસ્તા પર જ વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાતું હતું. જેના કારણે ટ્રાફિક જામ થતો હતો અને નગરજનોને હાલાકી પડતી હતી. આથી, સ્ટોન પરિવારને પાંચેક વર્ષથી કામચલાઉ ધોરણે 8થી 10 દિવસ માટે ઉપયોગ કરવાની સીવીએમ દ્વારા હંગામી ધોરણે પરવાનગી આપવામાં આવી હતી. જોકે, આ જગ્યાને લઇ વિવાદ ઉભો થયો છે.
સ્ટોન પરિવાર દ્વારા રેકર્ડ દસ્તાવેજી પુરાવા અને સ્થળ સ્થિતિ વિરૂદ્ધ હકિકતો ઉભી કરી સિવિલ કોર્ટમાં દાવો દાખલ કર્યો છે. આ મામલો હાલ કોર્ટમાં ચાલી રહ્યો છે, તે દરમિયાન રવિવારની મોડી રાત્રે વિજય જાદવ અને તેમનો વકિલ જયદીપસિંહ વાગેલા (રહે.વિદ્યાનગર) જેસીબી સાથે ધસી આવ્યાં હતાં ને તેઓએ દિવાલ, ઓરડી, કેમેરા, નોટીસ બોર્ડની તોડફોડ કરી નાંખી હતી. આ ઉપરાંત ફરજ પરના સિક્યુરીટીને ધમકી આપી ભગાડી મુક્યાં હતાં. આ અંગે સિક્યુરીટીએ સીવીએમના સંચાલકોને જાણ કરતાં હોદ્દેદારો સ્થળ પર દોડી આવ્યાં હતાં. પરંતુ તે પહેલા ઘણું ખરું નુકશાન થઇ ગયું હતું. આ અંગે મેહુલભાઈ પટેલ (રહે.કરમસદ)ની ફરિયાદ આધારે વિદ્યાનગર પોલીસે વિજય જાદવ અને જયદીપસિંહ વાઘેલા સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી.
મહિના પહેલા પણ સ્ટોન પરિવારના બે ભાઇએ ધમાલ કરી હતી
સીવીએમના સિવિલ ઓવરસીઅર નીતિન નરહરિભાઈ પટેલે મહિના પહેલા પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, સ્ટોન પરિવારે તેમનો ખોટો કબજો બતાવવાના ખોટા ઇરાદે 25મી મે,2022ના રોજ રાત્રિના 9-30થી 10 વાગ્યાના સુમારે વિજય ચંદુ જાદવ અને દિલેશ ચંદુ જાદવ (રહે.પ્લોટ નં.715, ખોડિયાર નિવાસ, મહાદેવ એરિયા, વિદ્યાનગર) તથા બીજા અન્ય 10થી 12 ઇસમોએ મિલકતમાં ગેરકાયદેસર પ્રવેશ કરી માલસામાન મુકવાનો પ્રયત્ન કર્યો હતો. જેથી સાઇટ સુપરવાઇઝર અને સિક્યુરિટીના સુપરવાઇઝરે અટકાવ્યાં હતાં.
આથી, વિજય જાદવે ધમકાવતા જણાવ્યું હતું કે, સ્ટોન પરિવાર ટ્રસ્ટનો ટ્રસ્ટી છું. જેથી મારે સદરહુ ઓરડીઓમાં અમારે માલ સામાન મુકવાનો છે, જેથી સાઇટ સુપરવાઇઝરે તેમને તેમ ન કરવાનું અને ટ્રસ્ટની લેખિત પરવાનગી લઇ આવવા જણાવતા વિજય જાદવ વધુ ઉશ્કેરાઈ ગયેલા અને સાઇટ સુપરવાઇઝરને અભદ્ર ભાષામાં વાત કરીને મારી નાખવાની ધમકી આપી હતી. આ ઉપરાંત સાઇટ સુપરવાઇઝર પ્રિતેશકુમાર પટેલને જોરથી ધક્કો મારી ત્યાંથી દુર ભાગી જવા જણાવ્યું હતું. આખરે આ અંગે વિજય ચંદુ જાદવ (રહે.વિદ્યાનગર) સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધ્યો હતો.