વલસાડ: (Valsad) વિરાર શટલ ટ્રેનમાં (Virar Shatal Train) મુસાફરી કરી રહેલા મુસાફરોનો ઊંઘનો લાભ લઈને તસ્કરો સોનાની ચોરી (Theft) કરી ગયા હતા. ટ્રેનમાં રાતના સમયે સીટ નીચે મૂકેલી ત્રણ બેગ જેમાં રૂપિયા 1.35 લાખના સોના ચાંદીના દાગીના (Gold Silver Jewelry) હતા તે ચોરી કરી ગયા હતાં. જે અંગેની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવા પામી છે.
- વલસાડ: વિરાર શટલ ટ્રેનમાંથી તસ્કરોઓ રૂપિયા 1.35 લાખની ચોરી કરી
- નવસારીથી ડુંગરીના વચ્ચે મુસાફરનો ઊંઘનો લાભ લઈને તસ્કરો ત્રણ બેગ ચોરી કરી ગયા
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મુંબઈ પાલઘરમાં રહેતા વંદનાબેન નરેશભાઈ મરાઠી એમની માસી કલ્પના મોરેના છોકરાના લગ્ન હોવાથી તેમના પતિ નરેશભાઈ તથા એમની દીકરી કુર્તીકા સાથે લગ્ન પ્રસંગે હાજરી આપવા માટે માલેગાવ ગયા હતાં. લગ્ન પ્રસંગમાં હાજરી આપીને નંદુરબારથી ભુસાવલ ટ્રેનમાં બેસીને ઉધના રેલ્વે સ્ટેશન ઉપર આવ્યા હતા અને ઉધના રેલવે સ્ટેશન પરથી સુરત વિરાર શટલ ટ્રેનમાં કોચ નંબર ત્રણમાં જનરલ સીટ ઉપર બેસીને પાલઘર જવા માટે રવાના થયા હતાં.
ટ્રેન ચાલુ થતા વંદના પોતાની સીટ નીચે ત્રણ બેગ મૂકીને સૂઈ ગયા હતાં. બેગમાં સોનાનું મંગળસૂત્ર, સોનાનું પેન્ડલ, સોનાના ઝુમકા, કટલરીનો સામાન, સાડી અને રોકડ રૂપિયા 5000 મળીને કુલ્લે 1.35 લાખનો સરસામાન હતો. નવસારીથી ડુંગરીની વચ્ચે મુસાફરનો ઊંઘનો લાભ લઈને તસ્કરો ત્રણ બેગ ચોરી કરી ગયા હતાં. ડુંગરી રેલવે સ્ટેશન આવતા વંદના તથા એમના પતિ નરેશ તથા પુત્રી કુર્તીકા ઉંઘમાંથી ઉઠયા ત્યારે માથા નીચે મુકેલી બેગ ન મળતાં ચોરી થઈ હોવાની જાણ થઈ હતી. જે અંગેની ફરિયાદ વલસાડ રેલવે પોલીસ સ્ટેશન મથકે નોંધાવી હતી.
માણેકપોર-ટંકોલી ગામ પાસે કાર પલ્ટી જતાં 3ને ઈજા
નવસારી : માણેકપોર-ટંકોલી ગામ પાસે કાર પલ્ટી જતાં 3ને ઈજા થઈ હોવાનો બનાવ મરોલી પોલીસ મથકે નોંધાયો છે.
મળતી માહિતી મુજબ, નવસારીમાં મોટાબજાર પોલીસ સ્ટેશન પાસે રહેતી નિશા વેલીશ ભોયાવાલા, જમાલપોર સહકાર સોસાયટીમાં રહેતા નીકી હરીશભાઈ માળી અને નવસારી મામા ચેવડાવાળાની બાજુમાં રહેતી પ્રાચી કનીશભાઈ માળી ત્રણેય લોકો કાર (નં. જીજે-21-બીસી-2700) કામ અર્થે ક્યાંક ગયા હતા. દરમિયાન સુરતથી નવસારી આવતાં રોડ પર માણેકપોર-ટંકોલી ગામ પાસે બુટ ભવાની માતાજીના મંદિર ભેસતખાડી પાસે તેમની કાર પલ્ટી ગઈ હતી. જેના પગલે કારમાં સવાર નિશા, નિકી અને પ્રાચીને શરીરે ઈજાઓ થઈ હતી. પરંતુ નિશા અર્ધબેભાન હાલતમાં હતી. જેથી ઘટના સ્થળે ભેગા થયેલા લોકોએ તેમને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી વાહનમાં નવસારીની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ બનાવ અંગે હોસ્પિટલના ડોકટરે મરોલી પોલીસ મથકે જાણ કરતાં પોલીસે જાણવા જોગ ગુનો નોંધી આગળની તપાસ એ.એસ.આઈ. નઈમખાનને સોંપી છે.